Team VTV02:31 PM, 19 Nov 22
| Updated: 02:40 PM, 19 Nov 22
આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ કચ્છમાં એક રેલીમાં દિલ્હીની શ્રદ્ધા વોકર હત્યાકાંડનો મુદ્દો ઉઠાવીને પીએમ મોદી માટે મત માગ્યા હતા.
ગુજરાત ચૂંટણીના પ્રચારમાં ઉઠ્યો દિલ્હીની શ્રદ્ધા હત્યાકાંડનો મુદ્દો
આસામી મુખ્યમંત્રીએ કચ્છમાં ઉઠાવ્યો મુદ્દો
કહ્યું- પીએમ મોદીને ત્રીજી ટર્મ આપવાની જરુર
નહીંતર દેશમાં દરેક શહેરમાં પેદા થશે આફતાબ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં દિલ્હીની 27 વર્ષીય શ્રદ્ધા વોકરની ઘાતકી હત્યાનો મુદ્દો ઉઠ્યો છે. આફતાબ નામના યુવાને તેની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા બાદ લાશના 35 ટુકડા કરીને નિકાલ કરી દીધા હતા.
કચ્છમાં રેલીમાં લોકોને ચેતવણી આપી
ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કચ્છમાં એક રેલીમાં લોકોને ચેતવણી આપી છે કે, જો દેશમાં કોઇ મજબૂત નેતા નહીં હોય તો આફતાબ અમીન પૂનાવાલાનો જન્મ દરેક શહેરમાં થશે અને અમે અમારા સમાજની રક્ષા કરી શકીશું નહીં. સરમાએ પીએમ મોદીને દેશના મજબુત નેતા ગણાવ્યાં હતા.
પીએમ મોદીને ત્રીજી ટર્મ આપવાની જરુર
પીએમ મોદી માટે બેટિંગ કરતા સરમાએ એ વાત પર ભાર મૂક્યો કે દેશે નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપવાની જરૂર છે. હિમંત બિસ્વા સરમાએ હત્યા કેસની ભયાનક વિગતો વર્ણવતા તેને 'લવ જેહાદ' ગણાવી હતી. લવ જેહાદ શબ્દનો ઉપયોગ હિન્દુ યુવતી અને મુસ્લિમ છોકરા વચ્ચેના પ્રેમ સંબંધનો ઉલ્લેખ કરવા માટે કરવામાં આવે છે. આ મુજબ મુસ્લિમ છોકરો હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા દબાણ કરે છે.
આસામ સીએમે પ્રચારમાં ઉછાળ્યો શ્રદ્ધાની ઘાતકી હત્યાનો મુદ્દો
આસામના સીએમે કહ્યું કે આફતાબ શ્રદ્ધા બહેનને મુંબઈથી લાવ્યો હતો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી નાખ્યા હતા. અને લાશને ક્યાં રાખવામાં આવી? ફ્રિજમાં. અને લાશ જ્યારે ફ્રિજમાં હતી ત્યારે તે બીજી મહિલાને ઘરે લાવીને તેની સાથે ડેટિંગ કરવા લાગ્યો હતો. દેશને માતા માનનારા શક્તિશાળી નેતા દેશમાં ન હોય તો દરેક શહેરમાં આવાં આફતાબ જન્મે અને આપણે આપણા સમાજની રક્ષા કરી શકીએ તેમ નથી. તેમણે કહ્યું કે, "તેથી, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદીને 2024 માં ત્રીજી વખત ફરીથી પીએમ બનાવવામાં આવે."
શું છે શ્રદ્ધા વોકર હત્યાકાંડ
ઉલ્લેખનીય છે કે 18 મે 2022 ના રોજ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ પછી તેણે શ્રદ્ધાના શરીરના જુદા જુદા ટુકડા કરીને તેનો નિકાલ કર્યો હતો. આફતાબની તેની કબૂલાત સાથે સંબંધિત તમામ પુરાવા એકત્રિત કરવા માટે 12 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો અને 17મીએ ફરી કોર્ટમાંથી 5 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા.