ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએના આદેશ મુજબ ૧૧ એપ્રિલ મધરાતથી જેટ એરવેઝની ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ડિસેમ્બર ૨૦૧૮થી એડ્વાન્સ બુકિંગ કરાવી લેનારા અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ, આણંદ સહિતના ગુજરાતના મુસાફરોના કરોડો રૂપિયાના રિફન્ડ અટવાતાં મુસાફરો પરેશાન છે.
ટ્રાવેલ એજન્ટ ઓફ ઇન્ડિયાના અમદાવાદ ખાતે ૧૦૦થી વધુ મેમ્બર્સ છે તેમની પાસેથી હજારો મુસાફરોએ ડિસેમ્બરથી હવાઈ મુસાફરી માટે એડ્વાન્સ બુકિંગ કરાવ્યા છે. જેટ એરવેઝનાં શટર પડી જતાં ટ્રાવેલ ઉદ્યોગમાં ઊથલપાથલ સર્જાઈ છે આવી પરિસ્થિતિમાં જેટ એરવેઝને ૨૩મી માર્ચ પછી જે ટિકિટ પરત આપી તેનું રિફન્ડ હજું ચુકવાયું નથી. જેના કારણે ટ્રાવેલ એજન્ટ અને પ્રવાસીઓ વચ્ચે ખટરાગ થયો છે.
જેટના ૧૨૭ પૈકી માત્ર ૧૪ એરક્રાફ્ટ કાર્યરત છે. દર વર્ષે શહેરના ટ્રાવેલ એજન્ટનું ૫૦૦ કરોડથી વધુનું ટર્ન ઓવર રહે છે. જેટ એરવેઝનાં શટર પડી જતાં અન્ય એરલાઇન્સ દ્વારા ડોમેસ્ટિક રૂટ ઉપર હાલમાં એક એક સ્લોટ વધારાયા છે. જો કે ખાનગી એરલાઇન દ્વારા પ્રવાસીઓ પાસેથી આડેધડ ભાડાં વસુલાત થતાં હોવાની બૂમો પણ ઊઠી છે.
જેટ એરવેઝ સામે હાલ ૬૮૯૫ કરોડ રૂપિયાથી પણ વધુનું દેવું છે. આવી સ્થિતિમાં તે બેન્કો, સપ્લાયરો,પ્રવાસીઓ , પાઈલટને સમયસર નાણાં ચૂકવી શકવામાં પણ નિષ્ફળ છે. આમાંથી કેટલીક કંપનીઓએ એરલાઈન્સની સાથે સમજૂતિ રદ કરી દીધી છે. પાઈલટ, કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ લોકો ફરજને લઇને બેદરકારી દાખવી રહ્યા છે.
જેટની તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ થઇ ચૂકી છે. એડ્વાન્સ બુકિંગ, ફ્લાઇટ રદ કરવાની સ્થિતિમાં રિફન્ડ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ ઊભા થયા છે. આ અંગે ટૂર ઓપરેટર એનડ ટ્રાવેલ્સ એજન્ટ એસોસીએશન ઓફ ગુજરાતના પ્રમુખ, પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે હજારો મુસાફરોનાં રિફન્ડ અત્યારે અટવાયાં છે.
અમારા હાથમાં હવે કશું નથી સરકાર જેટ એરવેઝ માટે જે પોલિસી નક્કી કરે તે મુજબ તેમને ન્યાય મળે અમે લોકલ પેસેન્જર માટે અન્ય વ્યવસ્થા કરવા માટે રિકવેસ્ટ કરી છે. ઇન્ટરનેશનલ માટે હાલ પૂરતુ કાંઇ થઇ શકે નહીં.