Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ધર્મ / દુઃખ અંતર દર્શન કરાવે છે

દુઃખ અંતર દર્શન કરાવે છે

સામાન્ય માન્યતા એવી છે કે સાચી અને દૃઢ ધર્મશ્રદ્ધા ધરાવનાર સાધક કે સંતના જીવનમાં અપાર આપત્તિઓ આવતી હોય છે. એને માથે સંસારનાં દુઃખો વીંઝાતા હોય છે. ભક્ત નરસિંહ મહેતાની જેમ એને જીવનમાં કર્તવ્ય બજાવવાનાં હોય છે. સંત તુકારામની જેમ કર્કશા પત્નીની સાથે સંવાદી જીવન જીવવાનું હોય છે. અખા ભગતની જેમ જેના પર શ્રદ્ધા મૂકી હતી એની જ અશ્રદ્ધાનો અનુભવ થાય છે. ભગવાન શ્રીરામને વનવાસ વેઠવો પડે છે. ભગવાન મહાવીરને રાક્ષસો અને દુષ્ટોનાં અનેક ઉપદ્રવો (ઉપસર્ગો) સહેવા પડે છે. જગત પર અજવાળું પાથરવા આવેલા શ્રીકૃષ્ણનાં જન્મ ક્રૂર કંસના કારાવાસમાં થાય છે અને એમનું મૃત્યુ એમનાં જ સ્વજનોનાં બાણથી થાય છે.

દુઃખની વાત આવે, ત્યારે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું સ્મરણ થયા વિના ક્યાંથી રહે! સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પર કંઇ ઓછું વીત્યું છે. તેથી કોઈ ચંચળ મનવાળી કે માત્ર તર્કથી વિચારતી વ્યક્તિ એમ વિચારે કે જો સત્યવાદી બનીને જીવનમાં આટલી બધી પીડા સહન કરવાની હોય, તો પછી એવા સત્યવાદી થવાનો લાભ શો? ઘટનાની સપાટી પર વિચારનારી વ્યક્તિઓ આવા 'લાભ'ની ગણતરી કરતી હોય છે. જિંદગીને એ લાભ કે હાનિ, નફો કે નુકસાન, પ્રાપ્તિ કે અપ્રાપ્તિના ત્રાજવે તોળતા હોય છે. એમને માટે 'લાભ' એટલે બાહ્ય જગતનો ભૌતિક લાભ. બહારની દુનિયા પાસેથી થતો સત્તા અને સંપત્તિનો લાભ અને એને પરિણામે થતી પોતે પાળેલા અહંકારની પુષ્ટિ.

ધન, સત્તા, સ્ત્રી કે  જમીન કશું પણ પ્રાપ્ત થાય એટલે વ્યક્તિના અહંકારની ઊંચાઈ અને ઉંમર વધે છે. અહંકારના પોષણને માટે ભૌતિક પ્રાપ્તિ અનિવાર્ય છે, પરંતુ સંતો કે મહાત્માઓએ ક્યારેય આવા લાભની વાત કરી નથી. એમનો જે લાભ છે તે 'ભીતરનો લાભ' છે. ભીતરની આધ્યાત્મિક શાંતિનો લાભ છે. એને બહારની ભૌતિક ચીજવસ્તુઓ સાથે કોઈ સંબંધ નથી. આથી જ આશ્રમની નાનકડી કુટિર કે ઝૂંપડીમાં રહેતા સંત એ વિશાળ વૈભવશાળી મહેલમાં વસતા રાજા કરતાં વધુ સુખી હોય છે. આમ, સાધકને માટે જેમ લાભ એ એના આત્માનો કે આંતરચેતનાનો વિષય છે, એ જ રીતે સાધકને માટે દુઃખ એ એની દિવ્યતાનો વિષય છે.

કેટલાક એમ માને છે કે ભક્ત પર આવાં દુઃખો આવે છે એટલે એ ઇશ્વરને વખતો-વખત યાદ કરે છે. આનો અર્થ એવો કે ભગવાન ભક્તને દુઃખી કરીને પોતાનું વધુ સ્મરણ થાય એવી યોજના કરે છે! આવો વિચાર કરનારી વ્યક્તિ હકીકતમાં ભક્તના દુઃખ પ્રત્યેના અભિગમને સમજી શક્તી નથી. પાયાની વાત એ છે કે જ્યાં સુધી અહમ્ ભાવ છે, ત્યાં સુધી જ સુખ અને દુઃખ સાધકને સ્પર્શે છે. અનુકુળતા એ સુખની જનની છે અને આપત્તિ એ દુઃખની જનની છે, એમ અહમ્ ભાવ હોય ત્યાં સુધી એ માને છે. મનમાંથી અહમ્ ભસ્મીભૂત થઇ ગયો હશે, ત્યારે એ અહમ્ ભાવને આધારે નિર્ધારિત થતાં સુખ અને દુઃખ તો ક્યારના અદ્રશ્ય થઇ ગયા હશે. નરસિંહ મહેતાની નજર મામેરાની ચીજવસ્તુઓ પર નહોતી કે મીરાંની નજર વિષના પ્યાલા પર નહોતી, કારણ કે એમને જેમ સુખની નહીં, તેમ દુઃખની કોઈ અનુભૂતિ નહોતી.

Image result for દુખ અને પ્રભુ

 

એમનું મન તો પરમતત્ત્વ સાથે એકરૂપ હતું અને આવી એકરૂપતા સધાય ત્યારે સુખ કે દુઃખ હોતું નથી. માત્ર એક અખંડ આનંદમય અવસ્થા હોય છે અને એ આનંદમય અવસ્થા સમયે આપણું સાધક હૃદય પરમાત્માના હૃદય સાથે એકરૂપ થઇ ગયું હોય છે. આથી બને એવું કે બહાર દુન્યવી દૃષ્ટિથી સુખો અને દુઃખો સર્જાતાં હોય, પરંતુ ભીતરમાં તો પરમ સાથેનું એવું અનુસંધાન હોય કે સુખ કે દુઃખની કોઈ અનુભૂતિ હોતી નથી. સામાન્ય સંજોગોમાં દુઃખ એ પ્રભુ સ્મરણનું કારણ બનતું હોય છે અને સુખ એ પ્રભુ વિસ્મરણનું કારણ બનતું હોય છે. આનું કારણ એ છે કે દુઃખ એ અંતર્મુખી અને સુખ એ બહિર્મુખી છે. દુઃખ ભક્તને અહર્નિશ જાગૃતિ આપે છે. એની ઊંડી આત્મખોજ આ દુઃખ દરમિયાન ચાલતી રહે છે. 

'શ્રીમદ્ ભાગવત'માં પાંડવોના વિજય પછી અશ્વમેધ યજ્ઞનું શુભ કાર્ય સમાપ્ત કરી દ્વારકા જતાં પૂર્વ શ્રીકૃષ્ણ માતા કુંતીને મળે છે અને એમને કશુંક માગવાનું કહે છે. ત્યારે કુંતી કહે છે કે એને કોઈ વસ્તુની ઇચ્છા નથી. કેવળ કૃપાની ઇચ્છા છે અને એમ કહીને શ્રીકૃષ્ણને કહે છે કે તમે જગતનિયંતા છો, અને તમે જ સદા અમારું રક્ષણ કરો છો. આ રીતે માતા કુંતી શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે અને છતાં ભગવાન શ્રીકૃષ્ણ એમને કશુંક માગવાનો આગ્રહ કરે છે, ત્યારે કુંતી કહે છે, 'હે જગન્નાથ, અમે એટલું જ માગીએ છીએ કે અમને અહર્નિશ દુઃખ પ્રાપ્ત થાઓ, જેથી અમે આપનું સ્મરણ ભૂલીએ નહીં. બસ, આ જ વરદાન આપો.' અને સારંગપાણિ શ્રીકૃષ્ણએ 'તથાસ્તુ' કહ્યું.•

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ