Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વહીવટ / ઔદ્યોગિક નગરીનું VIA સંગઠન ફરી વિવાદમાં, શું ડીપ સી પ્રોજેક્ટ ખાડે જશે?

ઔદ્યોગિક નગરીનું VIA સંગઠન ફરી વિવાદમાં, શું ડીપ સી પ્રોજેક્ટ ખાડે જશે?

પ્રદુષણ માટે બદનામ એવી ઔદ્યોગિક નગરી વાપીનું ઔદ્યોગિક સંગઠન વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયનનાં એટલે કે VIA ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. એક તરફ રાજ્ય સરકાર કરોડોનાં ખર્ચે વાપીનાં પ્રદુષિત પાણીનાં યોગ્ય નિકાલ માટે ડીપ સી પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે. ત્યારે વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયનનાં વહીવટદારોનાં અહમ અને ટકરાવને કારણે આખી યોજના હાલ અટવાઈ ગઈ છે. ત્યારે શું છે આ ડીપ સી પ્રોજેક્ટ અને આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગુમાવવાથી વાપીને શું નુકસાન થઈ શકે છે? તે જોઈએ આ અહેવાલમાં.

રાજ્યનું કેમિકલ હબ ગણાતી વાપી જીઆઈડીસી પ્રદુષણ માટે પણ એટલી જ પંકાયેલી છે. એક દશક પહેલા મોસ્ટ પોલ્યુટેડ યાદીમાં વાપીનો સમાવેશ થતો હતો. જો કે જીપીસીબી એ લાલ આંખ કરતા વાપીનાં ઉદ્યોગો પર અનેક અંકુશો પણ લાદવામાં આવ્યાં હતાં. પરંતુ કેટલાંક વર્ષથી વાપીમાં પ્રદુષણની માત્રા ઘટતા જીપીસીબીએ અંકુશો હળવા કર્યા છે. વાપી જીઆઇડીસીમાં ધમધમતા નાના-મોટા હજારો ઉદ્યોગોમાંથી પ્રવાહી કચરાના નિકાલ માટે કાર્યરત કોમન ઈન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે સીઈટીપીનું ટ્રીટમેન્ટ કરેલું પાણી અત્યારે વાપીની દમણગંગા નદીમાં છોડવામાં આવે છે.

જો કે આ મુદ્દે સ્થાનિકો, પર્યાવરણવાદી સંસ્થાઓ અને દમણનાં લોકોનાં વિરોધને લઈને હવે રાજ્ય સરકારે દરિયાકિનારે આવેલી જીઆઈડીસીની સીઇટીપી ટ્રીટમેન્ટ કરેલું પાણી પાઈપલાઈન મારફતે દરિયાનાં ઊંડાણ સુધી લઈ જઈ અને છોડવાનું આયોજન કર્યું છે. વાપીને પણ આ યોજનાનો લાભ મળવાનો હતો. આ યોજના અંતર્ગત ખર્ચવામાં આવનાર કરોડો રૂપિયામાંથી 80 ટકા રકમ રાજ્ય સરકાર ભોગવવાની છે. તો આ યોજના સાકાર થાય તો વાપીની દમણગંગા નદીને પ્રદુષણથી મુક્તિ પણ મળશે.

તો ઔદ્યોગિક નગરી એવી વાપીમાં ઈન્ડસ્ટ્રીઅલ એસોસિએશનમાં વાપીનાં જાણીતા ઉદ્યોગપતિઓનાં બે જૂથ છેલ્લાં કેટલાંક સમયથી આમને-સામને આવી ગયા છે. મહત્વપૂર્ણ છે કે બે મહિના અગાઉ યોજાયેલી વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે મહેશ પંડ્યાનો વિજય થયો હતો. પરંતુ વર્તમાન બોડીએ મહેશ પંડ્યાની ઉમેદવારી અંગે પ્રથમ હાઇકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. ત્યારે આ લડાઈને કારણે પણ વાપીને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખનો આ વિવાદ કોર્ટમાં હોવાથી હાલ ડીપ સી પ્રોજેક્ટનો લાભ નહીં મળે.

ડીપ સી પ્રોજેક્ટ માટે વાપી ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશનને માત્ર 20 ટકા રકમ ખર્ચવાની હતી અને રાજ્ય સરકાર 80 ખર્ચ કરવાની હતી. ત્યારે હવે કોર્ટ કેસના કારણે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મુશ્કેલીમાં આવી ગયો છે. રાજ્યનાં પર્યાવરણ વિભાગે પણ આ અંગે અવાર-નવાર જાણ કરી હોવા છતાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની વર્તમાન બોડીએ કોઈ કાર્યવાહી ન કરતાં આખરે વાપીને મળનાર ગ્રાન્ટ અને સુવિધાથી હવે વંચિત રહેવાનો વારો આવ્યો છે. જેનો રોષ વાપીના ઉદ્યોગપતિઓમાં પણ જોવા મળી રહ્યો છે. જો કે વર્તમાન શાસકો હજુ કંઈ મોડું નથી થયું તેવું જણાવી અને ઉદ્યોગપતિઓનાં રોષને થાળે પાડવાના પ્રયાસો જરૂર કરી રહ્યાં છે.

વાપીના ઉદ્યોગો માટે  ડીપ સી પ્રોજેક્ટ અતિ મહત્વનો છે.. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ થકી વાપી જીઆઈડીસી પર લાગવામાં આવેલાં અનેક અંકુશો દૂર થવાના હતાં. પ્રોજેક્ટનો 80 ટકા ખર્ચો પણ સરકાર આપવાની હતી. પણ વાપી ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના શાસકોની ખેંચતાણને કારણે આખી યોજના મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. વાપી ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનનાં શાસકોનાં આ ગજગ્રાહને કારણે પર્યાવરણ અને ઉદ્યોગો બંને જોખમોમાં મુકાય તેવા સંજોગો ઊભા થયાં છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ