CAA / NRC protesters need to focus more on the point rather than Modi hatred
વિશ્લેષણ /
CAA અને NRC પર મજબૂત વિરોધ માટે મોદી નહીં પરંતુ મુદ્દો મહત્વનો, જાણો કેમ
Team VTV06:50 PM, 01 Jan 20
| Updated: 06:56 PM, 01 Jan 20
ભારતમાં CAA / NRC મુદ્દો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે આ મુદ્દો શરણાર્થીઓની નાગરિકતા માટે ઓછો અને ભારતીયોની અને વિરોધ પક્ષોની નરેન્દ્ર મોદી વિરુદ્ધની નફરત માટે વધુ ઉછળ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. વિવિધ મીડિયા ચેનલોએ પ્રદર્શનકારીઓના ઇન્ટરવ્યૂ લીધા જેના પરથી એવું લાગી રહ્યું છે કે CAA / NRC મુદ્દે પ્રદર્શન કરી રહેલા ઘણા લોકો આ કાયદાના તથ્યો અને માહિતીથી ચિંતાજનક રીતે અજાણ છે.
પ્રદર્શનકારીઓ CAA / NRC મુદ્દે ચિંતાજનક રીતે અજાણ છે
ભાજપનું ખંડન : આ નાગરિકતા છીનવવાનો નહિ આપવાનો કાયદો છે
ભારતમાં ચાલી રહેલો આંતરવિગ્રહ વધુ ઘેરો અને હિંસક બન્યો છે. ફક્ત ઉત્તરપ્રદેશમાં જ 263 પોલીસકર્મી અને અધિકારીઓ ઘાયલ થયા છે અને દેશભરમાં સંખ્યાબંધ લોકો મોતને ભેટ્યા છે. સામાન્ય જનજીવન ખોરવાયું છે પરંતુ દેશમાં અત્યારે આ મુદ્દે સમજણ કરતા ગૂંચવણ વધુ હોય તેમ લાગે છે.
શું આ વિરોધ નરેન્દ્ર મોદી સામે ભભૂકી રહેલી નફરતનું પરિણામ છે?
સોશિયલ મીડિયા એનાલિટિક્સ વડે એવું જાણવા મળ્યું છે કે CAA / NRC મુદ્દાને લગતી ટ્વીટ્સમાં #IndiaHatesModi હેશટેગ ટ્રેન્ડિંગમાં હતો. અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે જો કોઈ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવો હોય તો તેની સાથે સાથે કોઈ ચોક્કસ વ્યક્તિ તરફનો પ્રેમ અથવા નફરત સાથે જોડી દેવી એ વિરોધના મુદ્દાને નબળો બનાવે છે કારણ કે ત્યાર પછી વિરોધ મુદ્દા તરફી નથી રહેતો અને રાજકીય એજન્ડા જેવો બની જાય છે.
ભારતમાં રાજકારણ એક ઉકળતો ચરુ બની રહ્યો છે ભાજપ સિવાયના રાજકીય પક્ષો પોતાના ભૌગોલિક સ્થાન, ધર્મ, ભાષા, જ્ઞાતિ, વિચારધારા તમામે તમામ મુદ્દાઓને કોરાણે મૂકીને સુવ્યવસ્થિત રીતે નરેન્દ્ર મોદી સામે પડ્યા હોય તેમ જણાઈ રહ્યું છે જેનું મોટું ઉદાહરણ મહારાષ્ટ્રમાં બનેલી સરકાર છે.
નિષ્ણાતો અને ભાજપના કાર્યકરોનો આક્ષેપ છે કે વિરોધ પક્ષે CAA / NRC મુદ્દાનો ગેરલાભ લઇને દેશમાં નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિરુદ્ધનું વાતાવરણ ઉભું કરવાનું ષડયંત્ર રચ્યું છે.
પ્રદર્શનકારીઓ CAA / NRC મુદ્દે ચિંતાજનક રીતે અજાણ છે
વિવિધ મીડિયા ચેનલોએ પ્રદર્શનકારીઓના ઇન્ટરવ્યૂ લીધા જેના પરથી એવું લાગી રહ્યું છે કે CAA / NRC મુદ્દે પ્રદર્શન કરી રહેલા ઘણા લોકો આ કાયદાના તથ્યો અને માહિતીથી ચિંતાજનક રીતે અજાણ છે. સૌથી વિચિત્ર બાબત એ છે કે CAA / NRC મુદ્દે પોતાનો વિરોધ દર્શાવતા કાર્યકરો અને નેતાઓ એ બાબતને સતત અવગણી રહ્યા છે કે દેશનું ઘણા મોટા પ્રમાણનું યુવાધન જે આ વિરોધમાં જોડાયું છે એ વાસ્તવમાં આ કાયદામાં શું જોગવાઈઓ છે તેનાથી અજાણ છે. જો કોઈ વ્યક્તિ અથવા સમૂહ જે મુદ્દાનો વિરોધ થઇ રહ્યો હોય તે મુદ્દા માત્રથી જ અજાણ અને અજ્ઞાત હોય તો તેના વિરોધને કેટલો ગંભીરતાથી લેવો જોઈએ તે એક સવાલ છે.
ભાજપનું ખંડન : આ નાગરિકતા છીનવવાનો નહિ આપવાનો કાયદો છે
ભાજપના નેતાઓનું કહેવું છે કે ભારતના 3 પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ત્રણેય દેશોના બંધારણમાં એ વાત સ્વીકારાઈ છે કે તેઓ ઇસ્લામિક દેશો છે અને ઇસ્લામિક નિયમોને વરેલા છે. દેશના પ્રમુખ ધર્મને ઇસ્લામ કહેવડાવતા આ ત્રયેણ દેશોમાં રહેતા લઘુમતી ધર્મોના લોકો જે આ દેશોમાં થતા અત્યાચારોથી પીડિત છે તેમને ભારતમાં મળતી નાગરિકતામાં રાહત મળશે. તેઓ સીધા આવીને નાગરિક નહિ બની જાય. તેમણે 5 વર્ષનો સમય કાપવો પડશે. મુસ્લિમો માટે આ સમય 11 વર્ષ રાખવામાં આવ્યો છે.
હવે કેટલાક લોકોની દલીલ છે કે પાકિસ્તાનમાં અહેમદિયા મુસ્લિમ જેવી કેટલીક મુસ્લિમ પેટાજ્ઞાતિઓનું શોષણ થતું હોય છે. હવે જો આ 5 વર્ષના રાહતગાળામાં આ જ્ઞાતિઓને પણ સમાવિષ્ટ કરવી હોય તો તેના બંધારણીય રસ્તા છે જે છે સંસદમાં ખરડો પસાર કરવો, અદાલતના દ્વાર ખખડાવવા, લોકોને જાગૃત કરવા. કોઈ પણ હિસાબે હિંસા કરવી અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવું આનો ઉપાય નથી.