Team VTV04:10 PM, 25 May 21
| Updated: 04:39 PM, 25 May 21
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઘટતા ધોરણ 12 માટે બોર્ડની પરીક્ષાનું એલાન કરી દેવામાં આવ્યું છે.
ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા જાહેર
સાયન્સમાં બે ભાગમાં પરીક્ષા લેવાશે
સાયન્સમાં ભાગ 1માં OMR પદ્ધતિની પરીક્ષા લેવાશે
સાયન્સમાં ભાગ 2માં વર્ણાત્મક પરીક્ષા લેવાશે
સામાન્ય પ્રવાહ માટે ત્રણ કલાક સુધી 100 ગુણની વર્ણાત્મક પરીક્ષા લેવાશે
ગુજરાત સહિત આખા દેશ કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે વધતાં કેસના કારણે શિક્ષણ ક્ષેત્રને પણ જોરદાર ફટકો પડ્યો છે, બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી હતી ત્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ ઘણા સમયથી અસમંજસની પરિસ્થિતિમાં હતા કે પરીક્ષા લેવાશે કે નહીં. જોકે હવે ગુજરાતને લઈને પરિસ્થિતિ સાફ થઈ ગઈ છે કે પરીક્ષા લેવામાં આવશે જ. પહેલી જુલાઇથી ગુજરાતમાં બોર્ડની પરીક્ષા લેવાશે.
કોરોના ગાઈડલાઇનનું પાલન કરાશે
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે ત્યારે બોર્ડની પરીક્ષા માટે આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મોટી બેઠક કરવામાં આવી હતી જે બાદ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
પરીક્ષા પર આ નિયામો જાણવા ખૂબ જરૂરી:
દર વર્ષની જેમ જ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં 50 ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-2માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે
સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે
વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે
કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે
વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે એક વર્ગખંડમાં વધુમાં વધુ 20 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે