રિવર્સ સ્વિંગના જનક માનવામાં આવતા પાકિસ્તાનના મહાન બૉલર અને પૂર્વ કેપ્ટન વકાર યુનુસે 16 નવેમ્બરના પોતાનો 47મો જન્મદિવસ ઉજવ્યો. એક સમય હતો જ્યારે વકાર યુનુસ અને વસીમ અકરમની જોડીથી દુનિયાની તમામ ટીમોના બેટ્સમેનો ડરતા હતા. ક્રિકેટના મહાનતમ બેટ્સમેનોમાં સ્થાન પામતા સચિન તેંડુલકરનું નામ પણ આ યાદીમાં બાકાત નથી. વકારને ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને 15 વર્ષ થઈ ચૂક્યા છે પણ આજ સુધી ક્રિકેટને તેના જેવા સ્વિંગ બૉલર મળી શક્યો નથી.
રિપોર્ટ્સ અનુસાર 18 વર્ષની ઉંમરે ભારત સામેની ટેસ્ટથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સચિનની પણ ડેબ્યૂ મેચ હતી જેમાં તેણે સચિનને 15 રનના સ્કોર બોલ્ડ કર્યો હતો. સચિન માટે આ મેચ એટલી યાદગાર નહોતી રહી પણ વકારે ચાર વિકેટ ઝડપી ક્રિકેટની દુનિયાને પોતાના પરિચય આપી દીધો હતો. આશરે એક દાયકાથી લાંબા કરિયરમાં વકારે કુલ 789 વિકેટ ઝડપી છે જેમાંથી 373 ટેસ્ટમાં અને 416 વનડે ક્રિકેટનો સમાવેશ થાય છે.
બહુ ઓછા લોકો એ વાતથી પરિચિત છે કે વકારના ડાબા હાથની ટચલી આંગળી નથી. એક અહેવાલ અનુસાર વકાર નાનપણમાં પોતાના ઘરની પાસે આવેલી એક નદીમાં ન્હાવા જતો હતો. એક દિવસ જ્યારે તેણે પુલ પરથી નદીમાં કૂદકો માર્યો ત્યારે તેનો હાથ એક પથ્થર સાથે ટકરાઈ ગયો અને તેના ડાબા હાથની સૌથી નાની આંગળ કપાઇ ગઇ. જોકે આનાથી તેના જુસ્સામાં કોઇ ઘટાડો ન થયો અને ક્રિકેટની દુનિયામાં જબરદસ્ત સફળતા મેળવી.
વકાર યુનુસે આખી જિંદગી નામ કમાયું પણ કરિયરના છેલ્લા તબક્કામા તેના પર ડાઘ લાગ્યો. વકાર બોલ ટેમ્પરિંગના ગુનામાં સજા પામનારો પ્રથમ ખેલાડી છે. વર્ષ 2000માં શ્રીલંકા વિરુદ્ધની એક ટેસ્ટમાં તેણે બોલ સાથે છેડછાડ કરી હતી. તેની આ હરકત કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યારબાદ વકારને બૉલ ટેમ્પરિંગ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેના પર એક મેચનો પ્રતિબંધ અને 50% દંડ ફટાકાયો હતો.