રાજ્યની તમામ નગરપાલિકાઓ દેવાના ડુંગળ તળે દબાયેલી છે. ત્યારે ઘણી નગરપાલિકાઓનાં વીજ બિલ બાકી છે. જેના કારણે વીજ કંપની દ્વારા નગરપાલિકાનું વીજ કનેક્શન પણ કાપી નાંખ્યું છે તો પણ નગરપાલિકાનું પેટનું પાણી પણ હલતું નથી. તો કેટલીય નગરપાલિકાઓનાં કરોડો રૂપિયાના પાણીના પૈસા ચૂકવવાના બાકી છે. તેમજ છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાઓ દ્વારા પાણી વેરા સહિતના અન્ય વેરા પણ વધારવામાં આવ્યા નથી. આ વખતે નગરપાલિકાઓ દ્વારા વેરામાં વધારો કરવામાં આવતા શહેરીજનો પર હવે વેરાનો બોજ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી
આગામી સમયમાં વેરા વધારાનો ઠરાવ જનરલ બોર્ડમાં મુકવામાં આવશે
આજે ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં વિવિધ ચાર્જ વધારી નગરજનો ઉપર બોજ નાંખવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાણી વેરામાં 17 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ડ્રેનેજ યુઝર્સ ચાર્જ પણ આ કમિટીમાં લાગુ કરવામાં આવ્યો છે. અગાઉ પાણી વેરામાં પહેલા 1260 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. જે 240 વધી ને 1500 કરવામાં આવ્યો છે . આ ઉપરાંત ડ્રેનેજ યુઝર્સ ચાર્જમાં રહેણાંકી ચાર્જમાં 200 નો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે કોમર્શિયલ વિસ્તાર માં 400 નો ચાર્જ નો સમાવેશ કરવામાં આવ્યો છે. મનપા ની સ્ટેન્ડિંગ કમિટી ના સર્વાનુમતે પાણી વેરો અને ડ્રેનેજ યુઝર્સ ચાર્જ નો સમાવેશ કરવાની મંજુરી આપવામાં આવી હતી. મિલકત વેરા અને સફાઈ વેરાના દરમાં વધારો ના કરતા યથાવત રાખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વધારાનો ઠરાવ જનરલ બોર્ડમાં મુકવામાં આવશે તેમ ચેરમેને જણાવ્યું હતું.
ધીરુભાઈ ધામેલીયા - ચેરમેન (ભાવનગર મહાનગરપાલિકા)
એડવાન્સ ટેક્સ ભરનારને મળશે રિબેટ
આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે મળેલી બેઠકમાં ખાસ કરીને ભાવનગરના જે કરદાતાઓ છે. જેઓ એડવાન્સમાં એપ્રિલ મહિનામાં ટેક્સ ભરે છે. એપ્રિલ મહિનામાં એડવાન્સ ટેક્સ ભરનારને 10 ટકા રિબેટ અને ઓનલાઈન ટેક્સ ભરનારને 2 ટકા રિબેટ એપ્રિલ મહિનામાં આપવામાં આવશે. એજ રીતે મે મહિનામાં એડવાન્સ ટેક્સ ભરશે તે 5 ટકા રિબેટ અને ઓનલાઈન ટેક્સ ભરનારને 2 ટકા રિબેટ આપવામાં આવશે. મિલ્કત વેરામાં પણ વધારો કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી પણ ભાવનગરવાસીઓ પર વધારે બોજો ન પડે તે માટે મિલ્કત વેરો યથાવત રાખવામાં આવ્યો છે. તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું.