Another round of unseasonal rain may start in Gujarat from March 29
આગાહી /
ગુજરાતમાં ફરી શરૂ થશે માવઠાનો વધુ એક રાઉન્ડ: 29 માર્ચથી સતત 5 દિવસ સુધી રાજ્યમાં પડશે કમોસમી વરસાદ
Team VTV09:56 AM, 24 Mar 23
| Updated: 10:02 AM, 24 Mar 23
રાજસ્થાનમાં ફરી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા ગુજરાતમાં 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ શકે છે.
છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ
સૌથી વધુ ભાવનગરમાં 1.5 ઈંચ વરસાદ
29 માર્ચથી શરૂ થઈ શકે છે ત્રીજો રાઉન્ડ
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં જાણે ફાગણ-ચૈત્ર માસમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ જામ્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં વરસ્યો છે. ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પાટણ અને ખેડાના વિસ્તારોમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
માવઠાના ત્રીજા રાઉન્ડની આગાહી
છેલ્લા 10 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે પાકને પારાવાર નુકસાની થવા પામી છે. માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી જણસી પણ પલળી જવા પામી છે. રાજ્યમાં આગામી 2 દિવસ હજુ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. વરસાદની આગાહીને લઈ ખેડૂતોની ચિંતા વધી આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા માવઠાના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે.
29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ થઈ શકે છે શરૂ
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે.
ભાવનગર પંથકમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું
ગઈકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને અમદાવાદ અને ભાવનગર પંથકમાં ભારે વરસાદી ઝાપટુ પડ્યું હતું. ગઈકાલે સાંજે અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. એકાએક ઝડપભેર પવન ફુંકાયો છે અને ધુળની ડમરીઓ ઊડવા લાગી હતી. તો અમદાવાદમાં પણ જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 23, 2023
ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડ્યો હતો વરસાદ
મોડી સાંજે અમદાવાદના સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. મોટી દેવતી, નાની દેવતી, પીપળ, મોડાસર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ઘઉંના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે.
સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા
ભાવનગરના વાતાવરણમાં ગઈકાલે બપોરના સુમારે અચાનક પલ્ટો આવવા પામ્યો હતો. ત્યારે શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કમોસમી વરસાદને લઈ તૈયાર થયેલ પાકને નુકસાનનીં ભીંતી સેવાઈ રહી છે.