Team VTV04:17 PM, 18 Feb 20
| Updated: 04:23 PM, 18 Feb 20
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કૌભાંડની નવાઇ નથી. છાશવારે એક યા બીજા કૌભાંડ બહાર આવતાં રહે છે. જે તે વિભાગના ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાકટર સાથેથી મિલીભગતથી દર વર્ષે મ્યુનિ. તિજોરીને લાખો-કરોડોનો ચૂનો લાગે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ઘેર ઘરેની કચરો ભેગો કરી તેને પીરાણા ડંપ સાઇટ પર ઠાલવવાનો ડોર ટુ ડોર પ્રોજેકટ વિવાદાસ્પદ બન્યો છે. એક અથવા બીજા પ્રકારના ડોર ટુ ડોર પ્રોજેકટના કૌભાંડ સતત ગાજતા રહ્યા છે. હવે પશ્ચિમ ઝોનમાં ડોર ટુ ડોરના કોન્ટ્રાકટર જિગર ટ્રાન્સપોર્ટ કંપની (જેટીસી) પર તંત્ર અગમ્ય કારણસર મહેરબાન રહ્યું હોવાની વિગત જાણવા મળી છે.
ટેન્ડર મંજૂર કરાયા બાદ મહત્તમ ૧૦ ટકા સુધી પેનલ્ટી લેવા સુધારો કરાયો
કોન્ટ્રાક્ટર પર ઓળઘોળ મ્યુનિ.એ જીપીએસ સિસ્ટમ પણ જાતે લગાવી
શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં જુલાઇ-ર૦૧૦માં જેટીસીને ડોર ટુ ડોરનો કોન્ટ્રાકટ અપાયો હતો. આ કંપનીએ ગત સપ્ટે.ર૦૧૭ સુધી પશ્ચિમ ઝોનમાં ડોર ટુ ડોરની કામગીરી સોંપાઇ હતી. આ કામગીરી દરમ્યાન તેને ઓગસ્ટ-ર૦૧૦ થી માર્ચ-ર૦૧૭ સુધી રૂ.૩૧.૦૮ કરોડનું પેમેન્ટ કરાયું હતું. જોકે ટેન્ડર મંજૂર થયા બાદ લગભગ એક વર્ષ પછી તંત્રે અગમ્ય કારણસર શરત નં.૬માં સુધારો કરી ચુકવવા પાત્ર બિલના મહત્તમ ૧૦ ટકા સુધી પેનલ્ટી લેવાનું નક્કી કર્યું હતું. એટલે ટેન્ડર મંજૂર થયા બાદ ટેન્ડરની શરતમાં કોઇ સુધારો થઇ શકે તેમ ન હોવા છતાં સુધારો કરાયો પરંતુ રૂ.૩.૧૧ કરોડની પેનલ્ટી લેવાની જોગવાઇ છતાં રૂ.ર.૩૮ કરોડની પેનલ્ટી લેવાઇ.
પેનલ્ટી મામલે આંખ આડા કાન કરાયા
ડોર ટુ ડોરની કામગીરીમાં એક દિવસ વાહન ન ફાળવે તો પ્રતિ વાહન રૂ.૧૦૦૦, ત્રણ દિવસ ન ફાળવવામાં આવે તો વાહનદીઠ રૂ.૭પ૦ના વધારાનો દંડની ટેન્ડરની શરત નં.૪૦માં જોગવાઇ કરાઇ હતી. નવેમ્બર-ર૦૧૧ થી સપ્ટે.ર૦૧૭ સુધી જેટીસીએ ૧૧૦ નાના વાહન અને દસ રેફ્યુઝ કોમ્પેકટર પૂરા પાડવાના હતા. જોકે દરેક મહિનામાં કોન્ટ્રાકટરે ઓછા વાહન પૂરા પાડ્યા હતા. તેમ છતાં આમાં પણ પેનલ્ટી મામલે આંખ આડા કાન કરાયા હતા. ટેન્ડરની શરત મુજબ દરેક વાહન સાથે બે મજૂર ફરજિયાત હોવા છતાં ઓછા ફાળવેલ મજૂર માટે પ્રતિદિન રૂ.૩૦૦ની પેનલ્ટી અને આવા મહિનામાં ૧૦થી વધુ કિસ્સા બને તો ત્યાર પછી ઓછા મજૂર માટે રૂ.પ૦૦ની પેનલ્ટી મુજબ રૂ.૩૪.૩૮ લાખની પેનલ્ટી લેવાના બદલે તંત્રએ રૂ.ર૧.૧૯ લાખની પેનલ્ટી લીધી હતી.
કોન્ટ્રાકટરે ટેન્ડરની શરતનો અમલ કર્યો ન હોવાનું થયું પુરવાર
ખાસ કરીને નાગરિકોની ફરિયાદના આધારે યુનિટ દીઠ પ્રથમ દિવસના રૂ.રપ લેખે આ ફરિયાદનો નિકાલ કરતા એક દિવસ કરતા વધુ સમય લાગે તો યુનિટ દીઠ પ્રતિદિન રૂ.પ વધતા ક્રમે લેવાની જોગવાઇમાં પણ ધાંધિયાં કરાયા હતાં. ડેપ્યુટી હેલ્થ ઓફિસરના સર્ટિફિકેટ અને સીસીઆરએસના રિપોર્ટની મેળવણી કરતા યુનિટની સંખ્યામાં મોટો તફાવત નજરે પડતા કોન્ટ્રાકટરે ટેન્ડરની શરતનો અમલ કર્યો ન હતો તે પુરવાર થયું હતું તેમ છતાં ગેરરીતિ ચલાવી લેવાઇ હતી. કોન્ટ્રાકટર દ્વારા કામગીરી શરૂ થાય ત્યારથી તમામ વાહન પર જીપીએસ સિસ્ટમ લગાવવાની હતી.
પરંતુ મ્યુનિ. તંત્રએ કોન્ટ્રાકટર વતી જીપીએસ સિસ્ટમ લગાવી હતી. આ જીપીએસ સિસ્ટમ લગાવાયા બાદ પ્રતિ વાહન રૂ.પ૭ર કોન્ટ્રાકટર પાસેથી વસુલવા ગત એપ્રિલ ર૦૧૪ના કમિશનરના ઠરાવ નં.ર થી મંજૂર કરાયું હતું. જોકે ડિસે.ર૦૧૪થી ઓગસ્ટ-ર૦૧૭ સુધી જેટીસી પાસે માત્ર રૂ.૧૮.૬૮ લાખ જ વસુલાયા હતા. જ્યારે તંત્રને કોન્ટ્રાકટર વતી જીપીએસ સિસ્ટમનો ખર્ચ રૂ.૪૧.૧૯ લાખ થયો હતો.જે ઘર કે સોસાયટી પોતાના કર્મચારી રાખી ગેટ પર કચરો ભેગો કરતા હોય તેમને વર્ષમાં બે વાર પ૦ થી ૧ર૦ લિટરનાં ઢાંકણવાળાં ડસ્ટબિન કોન્ટ્રાકટરે પૂરાં પાડવાનાં થતાં હતાં. જોકે જેટીસીએ આ મુજબ ડસ્ટબિન પૂરાં પાડ્યાં કે તેની પણ સ્પષ્ટતા થતી નથી. ડંપ સાઇટના બદલે રેફ્યુઝ ટ્રાન્સફર શેસનમાં કચરો ઠાલવવાના મામલે પ્રતિ મેટ્રિક ટન રૂ.૬૩૩ના ભાવમાં રૂ.રપની કરાયેલ કપાત વિવાદાસ્પદ બની છે. વજન ચિઠ્ઠીની કોઇ નોંધ લેવાઇ નથી. વજનકાંટો બંધ હોય ત્યારે એવરેજ વજનને ગણતરીમાં લેવાયું ન હતું. કોન્ટ્રાકટરને વાહનના મેઇન્ટેનન્સ માટે અપાયેલ જગ્યાનો પ્રોપર્ટી ટેકસ તેમજ લાઇટ-પાણીનાં બિલ ની ભરપાઇ પ્રતિવર્ષ અપાયેલ ભાવ વધારો વગેરે અનેક મુદ્દા ચર્ચાસ્પદ બન્યા હતા.