સાસરિયાંના લોકો ત્રાસ ગુજારતા મહેણાં, ટોણાં પણ મારતાં હતાં
તારા પિતાએ દહેજમાં પૈસા કે મકાન આપ્યાં નથી તેમ કહી ગોતા વિસ્તારમાં ડોક્ટર યુવતીને મૂઢ માર મારીને તરછોડી દેતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. સાસુ, સસરા પણ ડોક્ટર યુવતીને માનસિક ત્રાસ આપતાં હતાં.
બે મહિના સુધી સાસરિયાંએ સારી રીતે રાખી
ગોતામાં રહેતી મિતા (નામ બદલ્યું છે)એ પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મિતા એસજીવીપી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. મિતાએ વર્ષ 2018માં લલિત પટેલ સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કર્યાં છે. મિતાને બે મહિના સુધી સાસરિયાંએ સારી રીતે રાખી હતી. ત્યારબાદ મિતા પતિ સાથે ગોતા ખાતે રહેવા આવી ગઈ હતી.
બધું મૂંગા મોઢે સહન કરી લેતી હતી
મિતાનાં સાસુ, સસરા ગોતા આવતાં જતાં હતાં. જોકે મિતાને હાલમાં કોઈ સંતાન નથી. સાસુ, સસરા મિતાને કહેતાં હતાં કે તારા પિતાએ દહેજમાં કાંઈ પૈસા કે ઘર વખરીનો સામાન આપ્યો નથી. આ વાતને લઈને અવારનવાર મિતાને ત્રાસ આપી મહેણાં, ટોણાં મારતાં હતાં. પતિ પણ મિતાને દહેજ બાબતે મારતો હતો. મિતા સમાજની બીકે અને લગ્નજીવન ટકાવી રાખવા માટે બધું મૂંગા મોઢે સહન કરી લેતી હતી.
દહેજની પ્રતિકાત્મક તસવીર
સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
જ્યારે સાસુ, સસરા ગોતા આવતાં હતાં ત્યારે મિતાને માનસિક ત્રાસ આપતાં હતાં. એક દિવસ પતિએ મિતાને તરછોડી દેતાં મિતા ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ મિતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.