1000 earthquakes occur in India every year: the biggest danger to these states of the country divided into five zones!
ઍલર્ટ /
ભારતમાં દર વર્ષે આવે છે ભૂકંપના 1000 આંચકા: પાંચ ઝોનમાં વહેંચાયેલ દેશના આ રાજ્યો પર સૌથી મોટું સંકટ!
Team VTV10:46 AM, 08 Feb 23
| Updated: 11:13 AM, 08 Feb 23
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારત દેશને પાંચ અલગ-અલગ ભૂકંપ ઝોનમાં વિભાજિત કર્યો છે જેમાંથી પાંચમો ઝોન દેશમાં સૌથી ખતરનાક અને સક્રિય માનવામાં આવે છે.
તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપે સમગ્ર દુનિયાને હચમચાવી નાખ્યું
ભારતમાં દર વર્ષે ઓછામાં ઓછા 1000 વખત ભૂકંપ આવે છે
આપણા દેશની લગભગ 59 ટકા જમીન ભૂકંપના હાઈ ડેન્જર ઝોનમાં છે
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 8 હજાર લોકોના મોત થયા છે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ દુર્ઘટનામાં લગભગ 20 હજાર લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. હજુ પણ હજારો લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપે સમગ્ર દુનિયાને હચમચાવી નાખ્યું છે. એવી સ્થિતિમાં જો આપણાં દેશની વાત કરીએ તો ભારતમાં દર વર્ષે ઓછામાં ઓછા 1000 વખત ભૂકંપ આવે છે. ક્યારેક થોડો વધારે તો ક્યારેક થોડો ઓછો. ગયા વર્ષે આશરે 200 થી 250 વખત ધરતી ધ્રૂજવા જોવા મળી હતી. એવામાં જણાવી દઈએ કે આપણા દેશની લગભગ 59 ટકા જમીન ભૂકંપના હાઈ ડેન્જર ઝોનમાં છે અને હિમાલયના પ્રદેશો સૌથી વધુ જોખમમાં છે. જો કે આ વિસ્તારમાં કેટલાક મજબૂત ભૂકંપ આવી પણ ગયા છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ખૂબ જ વધુ હતી.
આ વર્ષમાં આવ્યો હતો સૌથી ખતરનાખ ભૂકંપ
જણાવી દઈએ કે વર્ષ 1897માં શિલોંગ પઠાર પર 8.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને વર્ષ 1905માં કાંગડામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, વર્ષ 1934માં બિહાર-નેપાળ સરહદ પર 8.3ની તીવ્રતાનો ભૂકંપ તો 1950માં અરુણાચલ-ચીન સરહદ પર 8.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય વર્ષ 2015માં નેપાળમાં 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નોંધનીય છે કે આ વિસ્તારમાં મધ્યમથી ખતરનાક સ્તરના ભૂકંપ આવે છે તેનું કારણ છે કે બે ખંડોની ટેકટોનિક પ્લેટો આ વિસ્તારોની નજીક જોવા મળે છે.
પાંચ અલગ-અલગ ભૂકંપ ઝોન
ભારતીય ટેકટોનિક પ્લેટ અને તિબેટીયન પ્લેટ એકબીજા સાથે અથડાય છે ત્યારે તે પ્રેશર રિલીઝ કરે છે જેના કારણે ભૂકંપ આવે છે. એટલે કે આ સમગ્ર 2400 કિલોમીટર વિસ્તારમાં ભૂકંપનો સૌથી વધુ ખતરો છે. સાથે જ જણાવી દઈએ કે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ દેશને પાંચ અલગ-અલગ ભૂકંપ ઝોનમાં વિભાજિત કર્યો છે જેમાંથી પાંચમો ઝોન દેશમાં સૌથી ખતરનાક અને સક્રિય માનવામાં આવે છે. એટલે કે આ ઝોનમાં આવતા રાજ્યો અને વિસ્તારોમાં વિનાશની સંભાવના સૌથી વધુ છે.
કયો ઝોન દેશના કયા ભાગમાં છે?
અંહિયા સૌથી ચોંકાવનારી વાત એ છે કે પાંચમા ઝોનમાં દેશની સમગ્ર જમીનનો 11% હિસ્સો છે. ચોથા ઝોનમાં 18% અને ત્રીજા-બીજા ઝોનમાં 30% છે. જણાવી દઈએ કે ઝોન 4 અને 5 રાજ્યો સૌથી વધુ જોખમમાં છે. આ સાથે જ રાજ્ય કે તેનો વિસ્તાર કયા ઝોનમાં આવે છે. આ સમજવું જરૂરી છે. કારણ કે એક જ રાજ્યના જુદા જુદા વિસ્તારો જુદા જુદા ઝોનમાં આવે છે. ચાલો એ ઝોન વિશે જાણીએ..
Earthquake Zone 1: આ ઝોનમાં આવતા વિસ્તારોને કોઈ ખતરો નથી. તેથી જ તેમના વિશે કહેવાનો કોઈ અર્થ નથી.
Earthquake Zone 2: રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુના કેટલાક ભાગો ભૂકંપ ઝોન-2 હેઠળ આવે છે.
Earthquake Zone 3: આ ઝોનમાં કેરળ, ગોવા, લક્ષદ્વીપ જૂથ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ભાગો, ગુજરાત અને પંજાબના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો, પશ્ચિમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહારના કેટલાક વિસ્તારો, ઝારખંડનો ઉત્તર ભાગ અને છત્તીસગઢ અમુક વિસ્તાર આવે છે. મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકનો પણ કેટલોક ભાગનો પણ સમાવેશ થાય છે.
Earthquake Zone 4: આ ઝોનમાં જમ્મુ અને કાશ્મીરનો ભાગ, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારો ઉપરાંત હરિયાણા, પંજાબ, દિલ્હી, સિક્કિમ, ઉત્તર પ્રદેશનો ઉત્તરીય ભાગ, બિહારનો નાનો ભાગ અને પશ્ચિમ બંગાળ, ગુજરાત, પશ્ચિમ કિનારે નજીકનો મહારાષ્ટ્રનો કેટલોક ભાગ અને પશ્ચિમ રાજસ્થાનનો નાનો ભાગ આ ઝોનમાં આવે છે.
સૌથી ખતરનાક ઝોન: Earthquake Zone 4... આ ઝોનમાં જમ્મુ અને કાશ્મીરનો ભાગ (કાશ્મીર ખીણ), હિમાચલનો પશ્ચિમ ભાગ, ઉત્તરાખંડનો પૂર્વ ભાગ, ગુજરાતનો કચ્છ, ઉત્તર બિહારનો ભાગ, ભારતના તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો, આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહનો સમાવેશ થાય છે.