ફળોની રાણી કેસર કેરીનું આગમન બજારમાં છેલ્લા 20 દિવસથી થઇ ગયું છે, પરંતુ હજુ પણ કેસરના ભાવ કિલોદીઠ રૂ. 200 થી 250ની આસપાસ બોલાઈ રહ્યા છે.
આ વર્ષે કેસર કેરીના સ્વાદ રસિયાઓને પણ કેરી કડવી લાગશે
ઉત્પાદન 50 ટકા ઘટી ગયું, કેરીના ભાવ બમણા
કેસરના ભાવ કિલોદીઠ રૂ. 200 થી 250
આ વર્ષે કેસરનું ઉત્પાદન 50 ટકા ઘટી ગયું છે. આંબા પર માત્ર હવે 30 ટકા જેટલી કેરી બચી છે. આવા સંજોગોમાં કેરીના સ્વાદ રસિયાઓએ હજુ પણ કેરી ખાવા માટે 15 દિવસ રાહ જોવી પડશે, જોકે ચાલુ વર્ષે કેસર કેરીના સ્વાદ રસિયાઓને પણ કેરી કડવી લાગશે.
છૂટક બજારમાં કેસર કેરીના ભાવ બમણા
15 લાખ આંબા ધરાવતા ગીરના તાલાલા યાર્ડમાં ગત 26 એપ્રિલે હરાજી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં અંદાજિત 28 હજાર બોક્સની આવક પૂર્ણ થઇ ગઇ છે. દર વર્ષે તાલાલા યાર્ડમાં સરેરાશ 8થી 10 લાખ કેસરનાં બોક્સ આવે છે, જે આ વર્ષે માત્ર 4થી 5 લાખ બોક્સ આવવાની સંભાવના છે, જોકે હાલમાં કેસર કેરીની આવક વધતાં ભાવ પ્રમાણમાં થોડા દબાયા છે. તેમ છતાં ગત વર્ષની તુલનાએ બમણા ભાવ એટલે કે છૂટક બજારમાં પ્રતિ 10 કિલોના બોક્સના રૂ. 2800-3000 અને પ્રતિકિલોના ગુણવત્તા મુજબ રૂ. 200-250 ના ભાવ પ્રતિકિલો બોલાઇ રહ્યા છે. અત્યારે બજારમાં ડિસેમ્બરમાં મોર બેઠા હોય તેવી કેરી આવી રહી છે.
સારી ક્વૉલિટીની કેસર માટે 15 દિવસ જોવી પડશે રાહ
જાન્યુઆરીમાં જે આંબામાં મોર બેઠા હોય તેવી સારી ક્વોલિટીની કેરી માટે હજુ પંદર દિવસ રાહ જોવી પડશે. તાલાલા યાર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર જથ્થાબંધમાં પ્રતિ 10 કિલો બોક્સના રૂ. 550-1400ના ભાવ બોલાઇ રહ્યા છે. ગુરુવારે ભાવમાં રૂ. 100 ઘટ્યા છે. હાલમાં ફળ એવરેજ આવે છે, પરંતુ ગત સાલ કરતાં ભાવ ડબલ છે. 20 મેથી 10 જૂન વચ્ચે સારી ક્વોલિટીની કેરી બજારમાં આવશે. છૂટક બજારમાં મહારાષ્ટ્રની પાકી આફૂસના પ્રતિકિલોના રૂ. 200-320, 15 કિલો લાકડાની પેટીના રૂ. 2000-6000 સુધીના ભાવ બોલાઇ રહ્યા છે. કેસર કેરી છૂટકમાં પ્રતિકિલો રૂ. 200-250 અને 10 કિલો બોક્સના ફળની ગુણવત્તા મુજબ રૂ. 2800-3000ના ભાવ બોલાઇ રહ્યા છે. ગોંડલ ખાતે શુક્રવારે કેસર કેરીનાં પાંચેક હજાર બોક્સની આવક હતી. પ્રતિબોક્સના ફળની ક્વોલિટી મુજબ રૂ. 1300 સુધીના ભાવ બોલાયા હતા. મહારાષ્ટ્રની આફૂસ રત્નાગીરીની 450 પેટીની આવકે પ્રતિકિલોના રૂ. 130 સુધીના વેચાણ ભાવ ચાલી રહ્યા છે.
આ વર્ષે કેરીની નિકાસ ઓછી
દર વર્ષે વિદેશોમાં કેસર કેરીની ધૂમ નિકાસ થતી હોય છે. મોટા ભાગે આરબ કન્ટ્રી, યુકે તરફ વધુ કેરી એક્સપોર્ટ થાય છે. આ વર્ષે ઓછા ઉત્પાદનના કારણે કેરીનો ભાવ ડબલ છે. કાર્ગો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ખૂબ જ વધી ગયો છે. તેથી દર વર્ષની જેટલી માત્રામાં આ વર્ષે કેરીની નિકાસ થવાની શક્યતા ઓછી છે, કારણ કે ખેડૂતોને લોકલ માર્કેટમાં જ સારા ભાવ મળી રહે છે.
કાળઝાળ ગરમીના કારણે કેરીના પાકને વધુ નુકસાન થયું
ગ્લોબલ વોર્મિંગના કારણે વારંવાર થયેલો કમોસમી વરસાદ, વાવાઝોડું અને આંબામાં મોર આવવાના સમયે ઠંડકવાળા વાતાવરણના કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું છે. તેમાં પણ આ વર્ષે ગરમી વહેલી અને વધુ પડતી કાળઝાળ બનતાં આંબા પર જે કેરી પાકી રહી છે તેને માઠી અસર પહોંચી છે. વધુ પડતી ગરમીના કારણે આંબા પર ઊગેલી નાની કેરી ખરી પડી છે.