પોલીસની ભરતીમાં કૌભાંડમા આક્ષેપ મામલે ગૃહ વિભાગ છેલ્લા 9 દિવસથી ગુપ્ત તપાસ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર ષડયંત્રમાં કેટલા લોકો સામેલ છે તે માટે ગુપ્ત તપાસ ચાલુ છે.
પોલીસની ભરતીમાં આક્ષેપ મામલે તપાસનો ધમધમાટ
નિમણૂક થયેલા ઉમેદવારોની યાદીની ચકાસણી ચાલુ
કરાઈ ખાતે PSI-ASIના તાલીમાર્થીઓની થઈ રહી છે તપાસ
પોલીસ ભરતીને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ફરી એકવાર ગંભીર આક્ષેપો કર્યા હતા. યુવરાજસિંહે આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, આ 1382 જગ્યાની આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગી ગયા છે. આ સાથે રિઝલ્ટમાં કોઈ ઉલ્લેખ ન હોય તેવા વ્યક્તિ હાલ ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. યુવરાજસિંહના આક્ષેપ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. નિમણૂક થયેલા ઉમેદવારોની યાદીની ચકાસણી ચાલી રહી છે. પોલીસ ભરતી મામલે ગૃહવિભાગ બે દિવસમાં મોટો ખુલાસો કરી શકે છે.
PSI-ASIના તાલીમાર્થીઓની તપાસ ચાલુ: સૂત્રો
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કરાઈ ખાતે PSI-ASIના તાલીમાર્થીઓની તપાસ થઈ રહી છે. રૂપિયા 40 લાખ લઈ ભરતીમાં નિમણૂક થવાના દાવાની ગુપ્ત તપાસ ચાલી રહી છે. ગૃહ વિભાગ છેલ્લા 9 દિવસથી ગુપ્ત તપાસ કરી રહ્યું છે. એક શંકાસ્પદ વ્યક્તિ ખોટી રીતે તાલીમ લેતો હોવાની ગૃહ વિભાગને જાણ થઈ હતી.
ગૃહ વિભાગમાં હડકંપ મચી ગયો
સૂત્રોના જણાવ્યા અનુસાર, DGPને 9 દિવસ પહેલા સમગ્ર કેસની તપાસ સોંપાઈ હતી. સમગ્ર ષડયંત્રમાં કેટલા લોકો સામેલ છે તે માટે ગુપ્ત તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન માહિતી લીક થવાને કારણે ગૃહ વિભાગમાં હડકંપ મચી ગયો છે. માહિતી લીક કરનારા સામે પણ તપાસ શરૂ કરાઈ છે. ગૃહ વિભાગ આગામી એક-બે દિવસમાં ચોંકાવનારો ખુલાસો કરી શકે છે. માહિતી લીક કરનારા ગૃહ વિભાગના કર્મચારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માર્ચ 2021માં PSIની 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. તેમણે કહ્યું હતું કે, મયુરકુમાર તડવી નામના વ્યક્તિ હાલ કરાઇ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. જોકે, અમારી તપાસ દરમિયાન PSI અને ASI રિઝલ્ટમાં અને મુખ્ય પરીક્ષામાં પણ મયુરકુમાર તડવી કોઈ ઉલ્લેખ નથી. તો તેઓ કરાઇ ખાતે ટ્રેનિંગ કઈ રીતે લઈ રહ્યા છે?
યુવરાજસિંહે આ અંગેના પુરાવા રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ યુવાનનું સફળ થયેલા ઉમેદવારોની કોઈપણ યાદીમાં નામ નથી. 2021માં થયેલી એએસઆઇ અને પીએસઆઇની ભરતી પરીક્ષામાં 1,382 પૈકી 10 લોકો આ રીતે ભરતી થઈ ગયા છે. વડોદરાથી સફળ થયેલા ઉમેદવારોને અપાયેલા નિમણૂકપત્રમાં પણ મયુરનું નામ નથી. યુવરાજસિંહે કહ્યું હતું કે, ભરતીમાં લાગવગશાહી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરી સીધી ભરતીમાં સિસ્ટમેટિક સ્કેમ કરી નોકરી મેળવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
મયુરકુમાર તડવી
2014 પછીની તમામ ભરતીની તપાસ કરવામાં આવે: યુવરાજસિંહ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 2014 પછીની તમામ ભરતીમાં આ પ્રકારની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ ફક્ત એક ઉમેદવાર પૂરતો મુદ્દો નથી. આ એક દાખલારૂપ માહિતી છે. આ પ્રકારે અન્ય ભરતીમાં પણ બહુ મોટાપાયે કૌભાંડ થયેલ હોય શકે છે. જેની તટસ્થતા સાથે સચોટ તપાસ થવી ખૂબ જરૂરી છે.