ન્યાયાધીશોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની આકરી પ્રતિક્રિયા આવી છે. કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ઘણા સમયથી આ મામલે થઈ રહેલી પ્રક્રિયા ચર્ચામાં રહી છે. ત્યારે હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલીમાં ભલામણોને મંજૂર કરવામાં કેન્દ્ર ઢીલ રખાતા સુપ્રિમ કોર્ટે નારાજગી દર્શાવી છે અને સ્પષ્ટ કહ્યું છે કે, 'અમને એવું પગલું ભરવા મજબૂર ન કરો કે જે અસહજ હોય'. ત્યારે બીજી તરફ આજે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની નિમણુક માટે કોલેજિયમ દ્વારા કરાયેલી ભલામણને ઝડપથી મંજૂરી આપશે તેવી ખાતરી આપી દીધી છે.
પાંચ જજની નિમણુક કરવાની છે
મળેલી વિગતો મુજબ કેન્દ્ર સરકારે જવાબ રજૂ કર્યો છે કે, સુપ્રીમ કોર્ટમાં જે પાંચ ન્યાયાધીશોની નિમણુક કરવાની છે તે માટે કોલેજિયમ દ્વારા ભલામણ કરાઈ છે. કોલેજીયમની આ ભલામણને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મંજૂરી આપશે. જસ્ટિસ એસ. કે. કૌલ અને જસ્ટિસ એ.એસ. ઓકાની બેંચ સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી જવાબ રજૂ કરતા એટર્ની જનરલ આર. વેંકટરમણીએ કહ્યું હતું કે, કોલેજીયમ તરફથી જે ભલામણ આવી છે. તે પાંચ નામોની નિમણૂક માટેનો આદેશ (વોરંટ) ટૂંક સમયમાં પ્રસારિત કરવામાં આવશે.
બેંચના જસ્ટિસે કહ્યું, 'આ ખૂબ ગંભીર મુદ્દો છે'
જજોની નિમણુક મુદ્દે થઈ રહેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ. કે. કૌલ અને જસ્ટિસ એ.એસ. ઓકાની બેંચે નારાજગી વ્યક્ત કરી હતી. બેંચના જસ્ટિસે કહ્યું, 'આ ખૂબ ગંભીર મુદ્દો છે, અમને એવું પગલું ભરવા મજબૂર ન કરો કે જે ખૂબ જ અસહજ હોય' ગયા વર્ષે ડિસેમ્બરમાં પાંચ નામોની ભલામણ મોકલવામાં આવી હતી. હાલ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. શું એ રેકોર્ડમાં લેવું જોઈએ કે એ પાંચ જજોની નિમણુક માટે વોરંટ જારી કરાશે? જો એ નોંધશું તો બીજો સવાલ ઉભો જ હશે કે, એ ક્યારે જારી થશે?' જેના પર એટર્ની જનરલે કહ્યું, રવિવાર સુધીમાં વોરંટ જારી થઈ જશે. આ સુનાવણી દરમિયાન બેંચે હવે પછીની સુનાવણી માટે 13 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.