બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The Shahi Khichdi served here in Ahmedabad gives a satisfying burp, priced at just ten rupees

સેવાની સરવાણી / અમદાવાદમાં અહીં પીરસાતી શાહી ખીચડી સંતોષભર્યો આપે છે ઓડકાર, કિંમત ફક્ત દસ રુપિયા

Vishal Dave

Last Updated: 07:18 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નામ અન્નપૂર્ણા એટલે સ્વાભાવિક જ ભૂખ્યાને ભોજન. અન્નપૂર્ણા ભોજનાલયમાં બપોરે ફક્ત વીસ રુપિયામાં દાળ,ભાત,શાક,રોટલી અને એક કઠોળ ભોજનમાં આપવામાં આવે છે અને તે પણ અનલિમિટેડ.

મુઘલ સમ્રાટ અકબરના વજીર અબુલ ફજલ દ્વારા લખાયેલ 16મી સદીના દસ્તાવેજ આઈન-એ-અકબરીમાં ખીચડીનુ વર્ણન કરવામાં આવ્યુ છે. આના પરથી અંદાજ લગાવાય કે ખીચડી કેટલી જૂની વાનગી છે....અડાલજથી કોબા જતા અન્નપૂર્ણા માતાજીનુ મંદિર આવે છે. અને મંદિરની બરાબર સામે જ અન્નપૂર્ણા ભોજનાલય આવેલુ છે. જ્યાં મા અન્નપૂર્ણા બિરાજમાન હોય ત્યાં કોઈ ભૂખ્યો કેમ રહી શકે. નામ અન્નપૂર્ણા એટલે સ્વાભાવિક જ ભૂખ્યાને ભોજન. અન્નપૂર્ણા ભોજનાલયમાં બપોરે ફક્ત વીસ રુપિયામાં દાળ,ભાત,શાક,રોટલી અને એક કઠોળ ભોજનમાં આપવામાં આવે છે અને તે પણ અનલિમિટેડ.

દરરોજ બપોરે પાંચસોથી છસ્સો માણસો અહીં જમે છે 

બપોરે અન્નપૂર્ણા ભોજનાલયમાં રાહદારી, જરુરિયાતમંદ અને ભોજનાલયની આસપાસ રહેતા ગરીબ લોકો પોતાના પેટની આંતડી ઠારવા આવે છે. અને અન્નપૂર્ણા ભોજનાલયમાં જમી હાશકારો પામે છે. ભોજનાલયમાં દરરોજ બપોરે પાંચસોથી છસ્સો માણસોનુ જમવાનુ બનાવવામાં આવે છે.....

બપોરનુ જમવાનુ પતી જાય પછી સાંજે ચાર વાગે અન્નપૂર્ણા ભોજનાલય જેના માટે પ્રસિદ્ધ છે તે શાહી ખીચડી બનાવવાની તૈયારીઓ ચાલુ થાય છે. મગની મોગર દાળ, ચોખા, બટાકા, કેપ્સીકમ મરચા, ફણસી, લીલા મરચા, ટામેટા, કોબીચ, ગાજર, કોથમીર, સીંગદાણા, જીરુ, રાઈ, મીઠો લીમડો, તેલ, ઘી અને મસાલા નાખી ભાવપૂર્વક શાહી ખીચડી બનાવવામાં આવે છે.......

આ રીતે બનાવવામાં આવે છે સ્વાદિષ્ટ ખીચડી 

સ્ટીલના મોટા તપેલાને ગેસ પર ચડાવી શાકનો વઘાર કરી તેમાં પહેલાથી પાણીમાં પલાડી રાખેલા મોગર દાળ અને ચોખાને નાખવામાં આવે છે. કહેવાય છે કે અનાજને વાવેતર બાદ જેટલો સમય પાકતા થાય છે તેમ જ્યારે તેને રાંધવામાં આવે ત્યારે ધીમા તાપે અને વધારે સમય પકવવામાં આવે તો જ તેનો સ્વાદ અને પૌષ્ટીકતા જળવાય છે એટલે જ અન્નપૂર્ણા ભોજનાલયમાં ખીચડી બનતી હોય ત્યારે તેને પણ ધીમે ધીમે પકવવામાં આવે છે..ખીચડીમાંથી પાણી ઓછુ થાય અને તે પૂર્ણ રીતે તૈયાર થવામાં હોય છે ત્યારે તેમાં બીજા મસાલા ઉમેરવામાં આવે છે અને શુદ્ધ ઘી નાખવામાં આવે છે. ઘી નાખ્યા બાદ ટામેટા અને  ટામેટા બાદ કોથમીર નાંખવામાં આવે છે. અને તૈયાર થાય છે અન્નપૂર્ણા ભોજનાલયની શાહી ખીચડી... ખીચડી તૈયાર થઈ ગયા બાદ કાઉન્ટર પર રાખવામાં આવે છે જ્યાંથી લોકો સરળતાથી લાઈનમાં આવી ખીચડી મેળવી શકે છે. 

ખીચડી ઘરે લઇ જવા માંગતા હોય તેમના માટે પાર્સલ સુવિધા 

જે લોકો ખીચડી ઘરે લઈ જવા માંગતા હોય તેમના માટે પાર્સલ સુવિધા પણ રાખવામાં આવી છે જેની કિંમત પચાસ રુપિયા રાખવામાં આવી છે. જેનો લ્હાવો ઘણા લોકો લે છે..જેમની આર્થિક પરિસ્થિતિ સારી છે અને જીભે અન્નપૂર્ણાની શાહી ખીચડીનો સ્વાદ બેસી ગયો છે તેવા ખાવાના શોખીન વારંવાર અન્નપૂર્ણામાં શાહી ખીચડીનો સ્વાદ માણવા આવતા હોય છે.

અહીં ટોકન લેવા માટે દરેક વર્ગના લોકો એક લાઇનમાં ઉભા રહે છે 
 
ખીચડી પીરસવાનુ ચાલુ કરવામાં આવે તે પહેલા ટોકન લેવાનુ રહે છે. જેના માટે અહી આવનાર લોકો લાઈનમાં ઉભા રહે તેના માટે રેલીંગ લગાવવામાં આવી છે અને તે રેલીંગની લાઈનમાં દરેક વર્ગના લોકો એક સાથે ઉભા રહી ખીચડી પીરસાય તેની આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. ટોકન મેળવ્યા બાદ કાઉન્ટર પરથી ખીચડી અને છાસ આપવામાં આવે છે. અન્નપૂર્ણા ભોજનાલયની સામે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાંથી સમય કાઢી ભોજનાલયમાં સેવા કરવા આવે છે અને આ યુવાન વિદ્યાર્થીઓ અન્નપૂર્ણા ભોજનાલયનો સૌથી મોટો સહાયક છે. ભોજનાલયમાં આવતા લોકો સેવા આપતા યુવાનોના ઉત્સાહ અને ભાવથી ધન્ય થઈ જાય છે..ખીચડી તૈયાર થઈ ગયા બાદ આ વિદ્યાર્થીઓ છાસ માટે ગ્લાસની ગોઠવણ, ગ્લાસમાં છાસ ભરવાની, પાર્સલ પેક કરવાની અને જમવા આવતા દરેક લોકોને ખીચડી પીરસવાનુ કામ કરી પોતાના ભાથામાં પૂણ્ય બાંધી લે છે.

 

ભોજનાલયમાં શાંતિથી બેસીને જમી શકાય તેવી સુવિધા 

ખીચડી ખાવા આવતા લોકો માટે અન્નપૂર્ણા ભોજનાલયમાં શાંતિથી બેસીને સરસ રીતે જમી શકે તે માટે ટેબલ ખુરશીની પણ સુંદર સુવિધા કરવામાં આવી છે. દરેક વર્ગના લોકો અન્નપૂર્ણા ભોજનાલયમાં આરામથી જમી સંતોષભર્યા ઓડકાર ખાય છે તે જ અન્નપૂર્ણા ભોજનાલયની ઉત્તમ સેવાનુ ઉદાહરણ છે.  રસ્તે જતા વટેમાર્ગુઓ, જરૂરિયાતમંદ લોકો, ખીચડી ખાવાના શોખીનો અને જેમને અન્નપૂર્ણા ભોજનાલયની શાહી ખીચડી વિશે હાલમાં જ ખબર પડી હોય તેવા લોકો ખીચડી ખાવા આવે છે અને ફક્ત દસ રુપિયામાં અન્નપૂર્ણા ભોજનાલયની શુદ્ધ સાત્વિક શાહી ખીચડીને આનંદભેર ખાઈ તૃપ્ત થાય છે.

આ પણ વાંચોઃ  સેવાનું બીજું નામ એટલે વડોદરાની 'અનાથ' શ્વેતા શાહ, સ્વામાન અને દરિયાદિલી એવી કે ભલભલાની આંતરડી ઠરે

દાન આપવા ઇચ્છતા લોકો અહીં દાન આપી શકે છે 

ખીચડી ખાવા આવેલા લોકો અલગથી દાન આપવા ઈચ્છતા હોય તેમના માટે ભોજનાલયમાં અલગથી દાન પેટી રાખવામાં આવી છે. ભૂખ્યાને ભોજનની ઉત્તમ સેવા આપતા અન્નપૂર્ણા ભોજનાલયમાં ખીચડી અને બપોરની દરેક રસોઈ શુદ્ધ, સ્વાદીષ્ટ અને પૌષ્ટીક બને તેની પૂરી કાળજી લેવામાં આવે છે. કોઈ પોતાના જન્મ દિવસે કે ઘરના બીજા કોઈ શુભપ્રસંગે જે તે દિવસની ખીચડી તેમના તરફથી જમાડવા માંગતા હોય તો તેમનુ દાન પણ સ્વીકારવામાં આવે છે..  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ