'કૉલલેટરના આધારે ફ્રીમાં બસ સેવા કરી શકશે ઉમેદવારો'
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તંત્રએ ફરી સાબિત કરી દીધું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તંત્ર જ 'ફેલ' છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ભરતી બોર્ડે તો હાથ જ ઉંચા કરી લીધા અને ભરતી બોર્ડે તો એજન્સી પર જ દોષનું ઠીકરું ફોડ્યું છે. જે પરીક્ષા રદને લઈ પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારનું નિવેદન સામે આવ્યું છે
'આગામી 100 દિવસની અંદર ફરીથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે'
પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારે જણાવ્યું કે, પોલીસ તંત્ર દ્વારા વોચ રાખવામાં આવી હતી અને કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, મહેનતું ઉમેદવારોને નુકસાન ન થાય તે માટે પરીક્ષા રદ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આગામી 100 દિવસની અંદર ફરીથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. હવે જે પરીક્ષા લેવામાં આવશે તેમાં કૉલલેટરના આધારે ફ્રીમાં બસ સેવા કરી શકશે ઉમેદવારો તેમ પણ જણાવ્યું છે.
પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમાર
'ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે'
જૂનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીક કાંડ મામલે પંચાયત સેવા પસંદગી મંડળે પેપરલીક અને નવી તારીખ અંગે માહિતી આપતા કહ્યું કે, પેપરલિંક કાંડમાં ગુજરાત બહારની ગેંગ હોવાનું જણાય છે, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ પરિક્ષા પત્રની નકલ એક વ્યક્તિ પાસે મળી આવી હતી અને ગુના પહેલા જ 15 જેટલા લોકોની અટકાયત કરાઈ છે. મહેનતુ અને સાચા ઉમેદવારો ને નુકશાન ન થાય તે માટે પરીક્ષા મોકૂફ રખાઈ છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે અને હવે આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવાશે. પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારે કહ્યું કે, શાળા-કોલેજોની પરીક્ષાને ધ્યાને લઈ નવી પરીક્ષાની તારીખ જાહેર કરાશે અને નવી પરીક્ષામા આવવા-જવા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે.
5 આરોપી ગુજરાતના વતની
જૂનિયર ક્લાર્કનું પેપરલીક થવા મામલે ગુજરાત ATSએ ફરિયાદ નોંધી છે. ATSએ અત્યાર સુધી 15 આરોપીની કરી ધરપકડ કરી છે. મુખ્ય 2 આરોપી ATSની પકડથી દૂર છે. 15 આરોપીમાંથી 10 આરોપી પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. પેપરકાંડના 5 આરોપી ગુજરાતના વતની છે. ઝડપાયેલા તમામ આરોપી એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ એકેડેમી સાથે સંકળાયેલા છે.
પેપરલીક અંગે ગુજરાત ATS બોલ્યું
ગુજરાત ATS જણાવ્યું કે, હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપરલીક થયું હતું તેમજ મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈ વડોદરા આવ્યો હતો તેમણે કહ્યું કે, અન્ય એક આરોપી કેતન બારોટ અમદાવાદનો વતની હતો. ગુજરાત ATSને ગઈકાલે પેપરલીક અંગે માહિતી મળી હતી. ATS જણાવ્યું કે, 4 દિવસથી ગુજરાત ATS ઈનપુટ એકત્રિત કરી રહ્યું હતું અને ગુજરાતના વિવિધ શહેરમાં ATSની ટીમો કાર્યરત હતી. કેતન અને ભાસ્કર નામના 2 આરોપીની 2019માં ધરપકડ કરવામાં આવી હતી. CBIએ 2019માં બન્ને આરોપીની ધરપકડ કરી હતી. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસને સીલ કરાયો છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી આરોપીને ATSએ ઝડપી પાડ્યો છે.
ગુજરાત બહારની ગેંગે કર્યું પેપરલીક: રાજીકા કચેરિયા
ભરતી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ કહ્યું કે, 'સરકાર તરફથી કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અથવા ગુજરાતમાંથી કોઈ ભૂલ થઈ નથી. આ ગુજરાત બહાર પેપર ફૂટ્યું છે. હાલ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. સરકારે ઉમેદવારોના હિતોને ધ્યાને રાખીને પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. મને ખબર છે કે ઉમેદવારોને ઘણી તકલીફ પડી હશે. પરંતુ પરીક્ષા મોકૂફ રાખવી વધારે સારી કે ખોટા લોકો ખોટી રીતે ગુજરાત સરકારની નોકરી મેળવે એ સારું. ગેરરીતિથી કોઈને નોકરી ન મળે તે માટે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. લાયકાત ધરાવે છે તે લોકોની જ ભરતી થશે.'