એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના વિવાદિત નિવેદનો ચર્ચામાં છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી BAPSનો કોર્સ ભણાવશે અને તેને લઇને પ્રોફેસર્સ માટે વર્કશોપ શરૂ કરી દેવાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી BAPSનો કોર્ષ શરૂ કરશે
આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો
પહેલા કોલેજના પ્રોફેસરોને શીખવવામાં આવશે
સનાતન ધર્મ સામે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોની ટિપ્પણીઓથી સર્જાયેલા વિવાદની વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં BAPS સંસ્થાએ તૈયાર કરેલો ઈન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ આગામી વર્ષથી ફરજિયાત કરવામાં આવ્યો છે.
સૌથી પહેલા પ્રોફેસરોને શીખવવામાં આવશે
સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા એવી BAPSએ તૈયાર કરેલો કોર્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો છે. આ મામલે યુનિવર્સિટીના રજીસ્ટારે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. સોફ્ટ સ્કિલના નામે યુવાઓને વિદ્યાર્થીકાળથી જ સ્વામિનારાયણ ધર્મ શીખવવામાં આવશે. સંસ્થાએ જે વીડિયો લેક્ચર તૈયાર કર્યા છે તે સૌથી પહેલા કોલેજોના પ્રોફેસરોને શીખવવામાં આવશે અને બાદમાં પ્રોફેસરો વિદ્યાર્થીઓને શીખવશે. પ્રોફેસર માટે અત્યારથી જ વર્કશોપ શરૂ કરી દેવાયા છે.
સિલેબસના એક પુસ્તકની કિંમત રુપિયા 220
ઈન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોના ઈતિહાસ, સંપ્રદાયના સંતોના ઉદાહારણો અને વક્તવ્યો છે. સાથે અલગ અલગ મહાનુભાવોના ફોટા અને ક્વોટ છે. BAPSએ તૈયાર કરેલો કોર્સ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો છે, જે બે સેમેસ્ટરનો હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કોર્સ શીખવવા માટે કોઇ લાયકાત નક્કી કરાઈ નથી. વિદ્યાર્થીઓએ આ કોર્સ માટેના પુસ્તકો બીએપીએસ સંસ્થા પાસેથી જ ખરીદવા પડશે. સિલેબસના એક પુસ્તકની કિંમત રૂપિયા 220 છે.
BAPS દ્વારા તૈયાર કરાયેલ કોર્સને ફરજિયાત કરાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત 250 કરતા પણ વધુ કોલેજો છે. જેમાં દર વર્ષે 60 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા BAPS દ્વારા તૈયાર કરાયેલ કોર્સને ફરજિયાત કરવામાં આવ્યો છે.