Meteorological department forecast: રાજ્યમાં માવઠાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આવતીકાલથી કમોસમી વરસાદથી આંશિક રાહત મળશે.
આજે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી
આવતીકાલથી વરસાદની સંભાવના નહિવત્
મોટાભાગના શહેરમાં 3થી 4 ડિગ્રી વધશે તાપમાન
ઉનાળાના પ્રારંભમાં રાજ્યમાં ચોમાસા જેવું વાતાવરણ છવાયેલું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને ઘણું નુકસાન થયું છે. આ વચ્ચે હવે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે આવતીકાલથી કમોસમી વરસાદથી આંશિક રાહત મળશે.
મનોરમા મોહંતી (હવામાન વિભાગના ડાયરેક્ટર)
આજે સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ
તેમણે જણાવ્યું કે, આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા રાહત મળશે. જોકે, આજે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં સામાન્ય વરસાદ થઈ શકે છે. આગામી 5 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે.
તાપમાનમાં થશે વધારો
ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આવતીકાલથી રાજ્યના મોટાભાગના શહેરમાં 3થી 4 ડિગ્રી તાપમાન વધશે. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તીવ્ર ગરમીનો અનુભવ થઈ શકે છે.
ગરમીનો પારો ઊંચકાશે
અત્યારે બદલાયેલા વાતાવરણના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઘણું નીચે નોંધાઈ રહ્યું છે અને લોકોને ગરમી સામે ભારે રાહત મળી રહી રહી છે. પરંતુ આવતીકાલથી રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચકાશે અને તેમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે તેવી પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ખેડૂતોની હાલત કફોડી
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનના પગલે ફાગણ અને ચૈત્ર મહિનામાં વરસાદી માહોલ છવાયો છે. માવઠાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મરચાની સિઝન ચાલતી હોઈ મરચા સહિત અન્ય મસાલાના ભાવ પણ ગૃહીણીઓને દઝાડી રહ્યા છે. આ કમોસમી વરસાદથી કેરીના પાકને પણ ખાસ્સું એવું નુકસાન થયું છે. આ બધા કુદરતી મારથી મોંઘીદાટ થયેલી ખેતીથી પરેશાન ખેડૂત છેક ગળા સુધી આવી ગયો છે અને રાહત પેકેજની રાહ જોઈ રહ્યો છે.