બ્રેકિંગ ન્યુઝ
VTV / Mural of 'Akhand Bharat' in the new Parliament of India, know why there was a commotion in Nepal's politics
Pravin Joshi
Last Updated: 05:52 PM, 2 June 2023
ADVERTISEMENT
નેપાળના પૂર્વ વડાપ્રધાન બાબુરામ ભટ્ટરાઈએ ભારતના નવા સંસદ ભવનમાં અખંડ ભારત ભીંતચિત્ર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું કે ચિત્ર નજીકના પાડોશી દેશમાં પ્રાચીન ભારતીય વિચારોના પ્રભાવને દર્શાવે છે, જે બિનજરૂરી અને નુકસાનકારક રાજદ્વારી વિવાદો તરફ દોરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે ઉદઘાટન કરાયેલ નવી સંસદ ભવનનાં ભીંતચિત્રો ભૂતકાળના મહત્વપૂર્ણ સામ્રાજ્યો અને શહેરોને ચિહ્નિત કરે છે. નેપાળી અખબારના અહેવાલ મુજબ ભટ્ટરાયની ટિપ્પણી નેપાળમાં કપિલવસ્તુ અને લુમ્બિનીને ચિત્રિત કર્યા પછી આવી છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ ભટ્ટરાઈએ ટ્વિટર પર ચેતવણી આપી હતી કે અખંડ ભારતની છવી નેપાળ સહિત પડોશી દેશોમાં બિનજરૂરી અને નુકસાનકારક રાજદ્વારી વિવાદો પેદા કરી શકે છે. તેમણે કહ્યું કે આનાથી ભારતના મોટા ભાગના નજીકના પડોશીઓ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પહેલેથી જ અપંગ બનાવી રહેલા વિશ્વાસની ખોટને વધુ વકરી શકે છે.
ADVERTISEMENT
ભારતના નવા સંસદ ભવનમાં બનેલા અખંડ ભારતના ભીંતચિત્રને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ભીંતચિત્રમાં અખંડ ભારતનો નકશો બતાવવામાં આવ્યો છે જેના કારણે નેપાળના રાજકીય પક્ષો નારાજ છે. આ ભીંતચિત્રમાં ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની બતાવવામાં આવ્યું છે. નેપાળ લુમ્બિનીને નેપાળી નકશામાં મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્રોમાંથી એક માને છે, જેના કારણે નેપાળમાં નારાજગી છે.
શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે આ અખંડ ભારતની છવી 28 મેના રોજ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સૌ પ્રથમ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ભીંતચિત્ર વિશે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે ઠરાવ સ્પષ્ટ છે - અખંડ ભારત. તો બીજી તરફ આરએસએસએ ભીંતચિત્રને એક સાંસ્કૃતિક ખ્યાલ પણ ગણાવ્યો હતો. તે જ સમયે નેપાળી મીડિયામાં આ મુદ્દો ત્યારે ઉભો થયો જ્યારે નેપાળી વડાપ્રધાન પ્રચંડે તેમનો ભારત પ્રવાસ શરૂ કર્યો અને ગુરુવારે પીએમ મોદી સાથે સત્તાવાર વાતચીત કરી.
પાકિસ્તાન પણ ભડક્યું
નવા સંસદ ભવનમાં 'અખંડ ભારત'ના છવીને લઈને પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે આ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, અખંડ ભારત સાથે ભીંતચિત્રને જોડવા પર કેન્દ્રીય મંત્રી સહિત ભાજપના નેતાઓના નિવેદનથી અમે ચોંકી ગયા છીએ. પ્રવક્તાએ કહ્યું કે અખંડ ભારતનો બિનજરૂરી દાવો ભારતની વિસ્તરણવાદી માનસિકતા દર્શાવે છે. આ દર્શાવે છે કે ભારત માત્ર તેના પડોશી દેશોને જ નહીં પરંતુ તેની ધાર્મિક લઘુમતીઓની ઓળખ અને સંસ્કૃતિને પણ ગુલામ બનાવવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતના શાસક પક્ષના લોકો દ્વારા અખંડ ભારતનો વિચાર ઝડપથી ફેલાવવામાં આવી રહ્યો છે તે ગંભીર ચિંતાનો વિષય છે. અમે ભારતીય નેતાઓને સારી રીતે સલાહ આપીએ છીએ કે તેઓ તેમના વિભાજનકારી અને સંકુચિત રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે અન્ય દેશો વિરુદ્ધ નિવેદનો ન કરે. તેમણે કહ્યું કે ભારતે વિસ્તરણવાદી નીતિ અપનાવવાને બદલે તેના પડોશીઓ સાથે સરહદી વિવાદો ઉકેલવા જોઈએ અને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ દક્ષિણ એશિયાના નિર્માણ માટે કામ કરવું જોઈએ.
'અખંડ ભારત'નો ખ્યાલ
'અખંડ ભારત' એ એકીકૃત ભારતના ખ્યાલ માટે વપરાતો શબ્દ છે. તે દાવો કરે છે કે વર્તમાન અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા 'અખંડ ભારત'નો ભાગ હતા. અખંડ ભારત હંમેશા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડામાં ટોચ પર રહ્યું છે. આરએસએસના 'અખંડ ભારત'માં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા અને તિબેટનો સમાવેશ થાય છે. સંઘ માને છે કે આ પ્રદેશ હિંદુ સાંસ્કૃતિક સમાનતાઓના આધારે રચાયેલું રાષ્ટ્ર છે.
સાવરકરની નજરમાં 'અખંડ ભારત'
વિનાયક દામોદર સાવરકરને આરએસએસના અખંડ ભારતના વિચારના પિતા માનવામાં આવે છે. સાવરકરે હિંદુ મહાસભાની 19મી વર્ષગાંઠ પર 1937માં અખંડ ભારતની વિભાવનાને વિસ્તૃત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'ભારતે એકજૂટ રહેવું જોઈએ. જેમાં કાશ્મીરથી રામેશ્વરમ, સિંધથી આસામ સુધીનો સમાવેશ થાય છે. 1949માં RSSના તત્કાલિન સરસંઘચાલક સદાશિવ ગોલવલકરે પણ કોલકાતામાં આવું જ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન એક અનિશ્ચિત રાષ્ટ્ર છે. આવા સંજોગોમાં સાથે મળીને અખંડ ભારત બનાવવાના પ્રયાસો કરવા જોઈએ.
આરએસએસના સંયુક્ત મહાસચિવ મનમોહન વૈદ્યએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'અખંડ ભારત'નો ખ્યાલ ભૌગોલિક-રાજકીય નથી પણ ભૂ-સાંસ્કૃતિક છે. તેમણે કહ્યું હતું કે, વર્ષો પહેલા જ્યારે બ્રિટને આપણા પર કબજો કરીને આપણા સમગ્ર ક્ષેત્રને વિભાજિત કર્યું હતું, ત્યારે આપણે બધા એક હતા. આપણે બધા સાંસ્કૃતિક રીતે એકબીજા સાથે જોડાયેલા હતા અને આધ્યાત્મિકતા પર આધારિત જીવન વિશે અમારા સમાન મૂલ્યો હતા.
અખંડ ભારત અંગે RSS વડાનું નિવેદન
ગયા વર્ષે સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે અખંડ ભારતને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત 20થી 25 વર્ષમાં અખંડ ભારત બની જશે. પરંતુ જો આપણે થોડો પ્રયત્ન કરીએ તો સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદના સપનાનું અખંડ ભારત 10-15 વર્ષમાં જ બની જશે. તેને રોકનાર કોઈ નથી અને જે તેના માર્ગમાં આવશે તેનો નાશ થશે.
નેપાળ અને ભારતના નકશાનો વિવાદ નવો નથી
ભારત અને નેપાળ વચ્ચે નકશાને લઈને વિવાદ નવો નથી. આ પહેલા પણ બંને દેશો વચ્ચે કાલાપાનીના નકશાને લઈને વિવાદ થઈ ચૂક્યો છે. નવેમ્બર 2019માં ભારતે કાલાપાનીને ઉત્તરાખંડનો ભાગ દર્શાવતો નકશો પ્રકાશિત કર્યો હતો. તેના જવાબમાં નેપાળે એક નકશો પણ બહાર પાડ્યો હતો જેમાં કાલાપાનીને તેનો હિસ્સો ગણાવ્યો હતો. જો કે બંને દેશો વાતચીત દ્વારા આવા વિવાદોનો ઉકેલ લાવવાનો આગ્રહ કરતા રહ્યા છે. પીએમ મોદી અને પીએમ પ્રચંડે તેમની દ્વિપક્ષીય બેઠક બાદ એમ પણ કહ્યું હતું કે સરહદ વિવાદને મિત્રતાની ભાવના સાથે રાજદ્વારી રીતે ઉકેલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.