IPL-2019ની ગત 23 માર્ચથી શરૂઆતથી શરૂઆત થઈ હતી અને ગઈ કાલે આ સિઝનની લિગ મેચોનું સમાપન થયું. આ સિઝનમાં કુલ 56 લીગ મેચ રમાઈ, જેમાં ઘણા ખેલાડીઓએ બાજી મારી તો ઘણા ખેલાડીઓએ પોતાના કંગાળ પ્રદર્શનથી ચાહકોને નિરાશ કર્યા. લીગ મેચો પૂરી થયા બાદ આજે અહીં નજર કરીએ એ ખેલાડીઓ પર, જેમણે પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવ્યા અને સૌથી આગળ રહ્યા.
• સૌથી વધુ રનઃ
IPLમાં પ્લેઓફ પહેલાં રમાયેલી લીગ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં હૈદરાબાદના ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે બાજી મારી. વોર્નરે આ સિઝનમાં 12 મેચ રમીને 692 રન ફટકાર્યા, જેમાં એક સદી પણ સામેલ છે. બીજા સ્થાને એક સદી સાથે લોકશ રાહુલ રહ્યો, જેણે 14 મેચમાં 593 રન બનાવ્યા.
• સૌથી વધુ વિકેટઃ
લીગ મેચમાં વિકેટ ઝડપવામાં મામલામાં દિલ્હી કેપિટલ્સનો ફાસ્ટ બોલર રબાડા રહ્યો. તેણે 12 મેચમાં 25 વિકેટ ઝડપી, જ્યારે બીજા નંબર પર ચેન્નઈનો ઇમરાન તાહિર છે, જેણે 14 મેચમાં 21 વિકેટ ઝડપી છે. તાહિરને હજુ પ્લેઓફમાં રમવાની તક મળવાની છે. કદાચ તે રબાડાને પાછળ પણ છોડી દે.
• શિખર ધવનના સૌથી વધુ ચોગ્ગાઃ
56 મેચમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનારો બેટ્સમેન દિલ્હીનો શિખર ધવન રહ્યો. તેણે 14 મેચમાં 58 ચોગ્ગા ફટકાર્યા, જ્યારે બીજા નંબર પર ડેવિડ વોર્નર રહ્યો, જેણે 12 મેચમાં 57 ચોગ્ગા ફટકાર્યા.
• આન્દ્રે રસેલના સૌથી વધુ છગ્ગાઃ
આ સિઝનની લીગ મેચોમાં સૌથી વધુ છગ્ગા કોલકાતાના આન્દ્રે રસેલે ફટકાર્યા. તેણે 14 લીગ મેચ દરમિયન કુલ 52 છગ્ગા ફટકાર્યા, જ્યારે બીજા નંબર પર રહેલા ક્રિસે ગેલે 13 મેચમાં 34 છગ્ગા ફટકાર્યા.
• સૌથી વધુ અર્ધસદી વોર્નરનીઃ
આ સિઝનની લીગ મેચમાં સૌથી વધુ અર્ધસદી હૈદારાબાદા ડેવિડ વોર્નરે ફટકારી. વોર્નરે 12 મેચમાં 8 અર્ધસદી ફટકારી, જ્યારે બીજા નંબર પર રહેલા કે. એલ. રાહુલએ 14 મેચમાં 6 અર્ધસદી ફટકારી.
• લીગ મેચમાં છ સદી નોંધાઈઃ
IPL-2019માં આ વખતે 56 લીગ મેચમાં કુલ 6 સદી નોંધાઈ. સંજુ સેમસન, અજિંક્ય રહાણે, જોની બેરિસ્ટો, વિરાટ કોહલી, લોકેશ રાહુલ અને ડેવિડ વોર્નરે એક-એક સદી ફટકારી.
• સૌથી વધુ વ્યક્તિગત સ્કોરઃ
સૌથી વધુ વ્યક્તિગત સ્કોરના મામલામાં ટોચના સ્થાને હૈદરાબાદનો જોની બેરિસ્ટો રહ્યો, જેમાં 114 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે બીજા નંબર પર અજિંક્ય રહાણે રહ્યો, જેણે અણનમ 105 રન બનાવ્યા હતા.
• સૌથી લાંબો છગ્ગોઃ
આ સિઝનની લીગ મેચો દરમિયાન સૌથી લાંબો છગ્ગો ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ફટકાર્યો હતો. ધોનીએ 111 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો, જ્યારે 104 મીટર લાંબા છગ્ગો ફટકારીને મુંબઈનો હાર્દિક પંડ્યા બીજા નંબર પર રહ્યો હતો.
• બે હેટ્રિક નોંધાઈઃ
આ સિઝનની લીગ મેચ દરમિયાન રાજસ્થાનના શ્રેયસ ગોપાલે હેટટ્રિક ઝડપી, જ્યારે પંજાબના સેમ કુર્રને પણ આવી કમાલ કરી. તેણે આ સિઝનની પ્રથમ હેટટ્રિક લીધી હતી.
• એક ઇનિંગ્સમાં શ્રેષ્ઠ બોલિંગઃ
આ વખતે એક ઇનિંગ્સમાં શ્રેષ્ઠ બોલિંગ મુંબઈના અલ્ઝારી જોસેફે કરી. તેણે 3.4 ઓવરમાં માત્ર 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ IPL ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ બોલિંગ દેખાવ છે. બીજા નંબર પર મોહંમદ નબી રહ્યો, જેણે ચાર ઓવરમાં 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
• સૌથી ઝડપી બોલઃ
લીગ મેચ દરમિયાન સૌથી ઝડપી બોલ રબાડાએ ફેંક્યો હતો. તેણે સૌથી ઝડપી બોલ 153.23 કિ.મી.ની ઝડપથી ફેંક્યો હતો, જ્યારે બીજા નંબર પર પણ 153.91ની ઝડપ સાથે રબાડા જ રહ્યો હતો.