Team VTV07:45 PM, 27 Dec 21
| Updated: 08:12 PM, 27 Dec 21
ગુજરાતમાં કોરોનાના 204 પોઝિટવ કેસ, ઓમિક્રોનના 24 કેસ સામે આવતા અત્યાર સુધી રાજ્યભરનો કુલ આંકડો 73 કેસે પહોંચ્યો
રાજ્યમા 24 કલાકમાં 204 કેસ સામે આવ્યા
ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો
અમદાવાદમાં 100 કેસ નોંધાયા
ગુજરાત કોરોના કેસોમાં એકાએક ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અધધ 204 કોરોનાના કેસો સામે આવતા હંડકપ મચ્યો છે. તંત્ર પણ સંભવિત ત્રીજી લહેરને લઈ સતર્ક થઈ ગયું છે. અમદાવાદમાં સૌથી વધુ 100 કેસ આવતા આરોગ્ય વિભાગ ફરી સતર્ક થઈ ગયું છે. તો સામે ઓમિક્રૉનના કેસોમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24 કેસ ઓમિક્રૉન વેરિયન્ટના બહાર આવતા ત્રીજી લહેરની શરૂઆતના ભણકારા વાગી ચૂક્યા છે.
રાજ્યમાં ઓમિક્રોનના કુલ 24 કેસ નોંધાયા
ગુજરાતમાં ઓમિક્રોનને વધુ મોટી છલાંગ લગાવી છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ 24 કેસ સામે આવતા કુલ આંકડો 73 કેસ પર પહોંચી ગયો છે. જો જિલ્લા વાઈઝ ઓમિક્રોન કેસો પર નજર કરીએ તો અમદાવાદમાં 13 કેસ, ગાંધીનગરમાં 4 કેસ, રાજકોટમાં 3 તો વડોદરા, અમરેલી, આણંદ અને ભરૂચમાં એક-એક ઓમિક્રોનનો કેસ બહાર આવ્યો છે. સારી વાત એ છે કે ઓમિક્રોન વેરિયન્ટને માત આપીને 17 દર્દીએ આજે ડિસ્ચાર્જ લીધું છે. પણ ખતરા રૂપ માહિતી એ છે કે અમદાવાદ અને રાજકોટ મળીને ઓમિક્રોન ગ્રસ્ત કુલ 6 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી જે તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયું છે.
કોરોનાના જિલ્લા પ્રમાણે કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે કોરાનાના વધુ 204 કેસ પોઝિટિવ મળ્યા છે. કોરોનાને માત આપીને 65 દર્દી ડિસ્ચાર્જ થતાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1086 સુધી પહોંચી ગઈ છે. કોરોનાગ્રસ્ત 14 દર્દી વેન્ટિલેટર તો આજે કોરોનાને કારણે જામનગરના એક દર્દીનું મૃત્યુ પણ નીપજ્યું છે. અમદાવાદમાં આજે સૌથી વધુ 100 કેસ નોંધાતા ફરી બીજી લહેર વાળી થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. રાજકોટમાં 36 કેસ, સુરતમાં 23 કેસ, વડોદરામાં 17 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, ખેડામાં 4 કેસ, મહીસાગરમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, ભરૂચ અને કચ્છમાં 2-2 કેસ તો સુરેન્દ્રનગર, વલસાડ, મહેસાણા, નવસારી, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગરમાં એક- એક કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે.
આરોગ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા
રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતં કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે, મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં ICU બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.
કોરોનાની ત્રીજી લહેરને લઇ બોલ્યાં આરોગ્યમંત્રી
જે રીતે હાલ રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે રાજકોટની શાળામાં 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. રાજકોટ અમરનગરની શાળામાં બાળકો કોરોના પોઝિટિવ આવતા તંત્રએ શાળાને નિશ્વિત સમય માટે બંધ કરવાનો આદેશ કર્યો છે. અમરનગર શાળામાં 7 વિદ્યાર્થીઓઓ તેમજ બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે.