દેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદની સાથે-સાથે કરા પડ્યા છે. આગામી કેટલાક દિવસો સુધી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને IMDએ ખેડૂતોને લણણીને લઈને સલાહ આપી છે.
કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બન્યો
છેલ્લા 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ
IMDએ ખેડૂતોને લણણીને લઈને આપી આ સલાહ
કમોસમી વરસાદ અને કરા પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગએ શનિવારે ખેડૂતોને સલાહ આપી છે. હવામાન વિભાગે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી થોડા દિવસોમાં વરસાદ અને કરા પડવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશના ખેડૂતોએ ઘઉં અને અન્ય રવિ પાકની લણણી હાલ પૂરતી મોકૂફ રાખવી જોઈએ.
ઘઉંના પાકમાં પિયત આપવાનું કરી દેવું જોઈએ બંધ
ઉગી ગયેલા પાકને લઈને IMDએ કેટલાક રાજ્યોના ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ સરસવ અને ચણા જેવા પાકની વહેલી તકે લણણી કરે અને તેને સુરક્ષિત સ્થળોએ સંગ્રહિત કરે. ખેડૂતોને ઘઉંના પાકને પાક નિષ્ફળતાથી બચાવવા માટે તેને પિયત ન આપવા પણ કહેવામાં આવ્યું છે.
ઘણા રાજ્યોમાં થયો વરસાદ
IMDએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તરાખંડ, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કરા પડ્યા હતા. હવામન વિભાગે આગાહી કરતા રહ્યું કે, 19 માર્ચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ વાવાઝોડું, વીજળી, ભારે પવન અને કરા પડવાની સંભાવના છે.
ખેડૂતોને આપી આ સલાહ
સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, 20 માર્ચે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડમાં આવું જ થવાની સંભાવના છે. ભારે પવન અને કરા ઉભા પાકને નુકસાન પહોંચાડી શકે છે, ખુલ્લા વિસ્તારોમાં લોકો અને પશુધનને ઇજા પહોંચાડી શકે છે. IMDએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ મધ્ય પ્રદેશના ખેડૂતોને પાકની લણણી મોકૂફ રાખવાની સલાહ આપી છે અને જો પહેલેથી જ લણણી થઈ ચૂકી છે, તો નુકસાનથી બચવા માટે તેને સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત કરાવા કહેવામાં આવ્યું છે.
રાજસ્થાનના ખેડૂતોને આપી આ સલાહ
ખેડૂતોને ઘઉંના પાકને પિયત ન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે જેથી પાકને બચાવી શકાય. રાજસ્થાનના ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ પરિપક્વ સરસવ અને ચણાની શક્ય હોય એટલી વહેલી તકે લણણી કરી તેને સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત કરે. એવી જ રીતે પૂર્વ મધ્ય પ્રદેશના ખેડૂતોને સરસવ, ચણા અને ઘઉંની લણણી તાત્કાલિક કરવા અને તેને સુરક્ષિત જગ્યાએ રાખવા માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને તાત્કાલિક ઘઉં, કઠોળ અને દ્રાક્ષની લણણી કરવાનું કહેવામાં આવ્યું છે.