Team VTV04:08 PM, 06 Dec 19
| Updated: 04:17 PM, 06 Dec 19
હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની સાથે ગેંગરેપ બાદ હત્યા કરનાર ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. શુક્રવારે સવારે હૈદરાબાદના એનએચ 44 પર પોલીસ સાથે અથડામણમાં આરોપીએને ઠાર મારવામાં આવ્યા. 27 નવેમ્બરે આરોપીઓએ મહિલા ડૉક્ટરની સાથે બળાત્કાર કર્યો હતો અને બાદમાં જીવતી સળગાવી દેવાઇ હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર પર ઘણા સવાલ પણ ઉભા થઇ રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.
પોલીસ કમિશનર વીસી સજ્જનરે જણાવ્યું કે, પોલીસે આરોપીઓને ચેતવણી આપી હતી. અને સરેન્ડર કરવા કહ્યું હતું પરંતુ તેઓએ ફાયરિંગ ચાલુ રાખ્યું. આ કારણે અમે ફાયરિંગ કર્યું અને આ દરમિયાન આરોપીઓ માર્યા ગયા. કમિશનરે કહ્યું કે જે બે પોલીસ જવાન ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પોલીસે જણાવ્યું કેમ કરવું પડ્યું એન્કાઉન્ટર
સાઇબરાબાદ પોલીસ કમિશનર વી. સજ્જનારે કહ્યું કે 27-28 નવેમ્બરની રાત્રે યુવતીની સાથે બળાત્કાર કરાયો અને બાદમાં તેને જીવતી સળગાવી દેવામાં આવી. અમે આરોપીઓ વિરુદ્ધ પૂરાવા એકઠા કર્યા અને બાદમાં તેમની ધરપકડ કરાઇ. અમને દસ દિવસ માટે પોલીસ કસ્ટડી મળી હતી.
તેલંગાણા પોલીસે કહ્યું કે આ એનકાઉન્ટર સવારે 5:30થી 6:15 વાગ્યાની વચ્ચે થયું. બળાત્કારના ચારેય આરોપીઓમાંથી એક આરોપીએ પોલીસની બંદુક છિનવી અને ફાયરિંગ શરૂ કર્યું. જ્યારે બાકી ત્રણ રોડ-પથ્થર લઇને ઉભા રહ્યા હતા. તેમાંથી બે લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ પોલીસ કર્મીઓએ આરોપીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું.
રિમાન્ડના ચોથા દિવસે અમે તેમને બહાર લઇને આવ્યા. ચારેય આરોપીઓએ અમને પૂરાવા આપ્યા. આજે અમે આરોપીઓને આગળના પૂરાવા એકઠા કરવા માટે લઇને આવ્યા હતા. પરંતુ આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. અમારા બે હથિયાર છિનવી લીધા હતા. ત્યારબાદ પોલીસને આરોપીઓ પર ફાયરિંગ કરવી પડી. ચારેય આરોપીઓના મોત ગોળી વાગવાને કારણે થયા છે. આ દરમિયાન એક એસઆઇ અને કોન્સ્ટેબલ ઘાયલ પણ થયા છે.