Father at farmers protest and son has won the national championship
સિદ્ધિ /
પિતા ખેડૂત આંદોલનમાં ધરણા કરી રહ્યા છે અને બીજી તરફ ખેડૂત પુત્રએ હાંસલ કર્યો નેશનલ ચેમ્પિયનનો ખિતાબ
Team VTV09:07 PM, 25 Jan 21
| Updated: 09:08 PM, 25 Jan 21
દિલ્હીમાં છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂત આંદોલનમાં હજારોની સંખ્યમાં પંજાબ અને હરિયાણાનાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાંથી દિલ્હીમાં સિંધુ બોર્ડર પર ખેડૂત પ્રદર્શનમાં સામેલ એક ખેડૂતનાં દીકરાએ નેશનલ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાને નામે કર્યો છે.
નેશનલની તૈયારીને લીધે ખેડૂત આંદોલનમાં પિતા સાથે સક્રિય ના રહી શક્યા નો રંજ
પહેલવાનીનો સંપૂર્ણ ખર્ચ ખેતીમાંથી જ થાય છે
પિતા સાથે ખેડૂત આંદોલનમાં પણ સક્રિય રહ્યો હતો
ખેડૂત પ્રદર્શનમાં ઘણાં સમયથી પ્રદર્શન કરી રહેલા ખેડૂત સાગર સિંહનો દીકરો સંદિપ સિંહ પણ આ વિરોધ પ્રદર્શનમાં તેનાં પિતાનો સાથ આપી રહ્યો હતો. પણ નેશનલ ચેમ્પિયનશિપની તૈયારીને લીધે તે પિતા સાથે થોડા સમય સુધી જોડાઈ શક્યો નહતો. સંદિપે 74 કિલોગ્રામ કેટેગરીમાં પહેલવાની માટે તૈયારીઓ કરી હતી.
પરિવારનો મુખ્ય આવક સ્ત્રોત માત્ર ખેતી
પંજાબનાં સંદિપ સિંહે નેશનલ ચેમ્પિયનશિપની તૈયારી અને ખેડૂત આંદોલન બંનેમાં સક્રિય રીતે હાજર રહીને પહેલવાનીમાં નેશનલ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કરી લીધો છે. પંજાબનાં મનસાનાં એક સામાન્ય ખેડૂત પરિવારનો આ દીકરો જાણે છે કે ચેમ્પિયનશિપની સાથે સાથે તેના ઘરની આર્થિક પરિસ્થિતિને ટેકો આપવા માટે તેણે તેનાં પિતાનો સાથ આપવો પડશે માટે તે ખેડૂત આંદોલનનાં મુદ્દાની ચિંતાને ધ્યાનમાં રાખીને ખેડૂત આંદોલનમાં પણ સક્રિય રહ્યો છે. કેમકે તેના પરિવારનો મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી જ છે.
પહેલવાની કરવાનો મહિનાનો ખર્ચ 30 હજાર જે આવે છે ખેતીમાંથી
સંદિપનો પહેલવાની કરવાનો મહિનાનો ખર્ચ 30 હજાર રુપિયા છે જે ખેતીમાંથીજ આવે છે. માટે સંદિપને એ વાતનો રંજ છે કે તે તેનાં પિતાને ખેડૂત આંદોલનમાં પૂરતો સાથ નથી આપી શકતો. સંદિપને પહેલવાની માટે કોઈ પણ પ્રકારનાં સ્પોન્સર્સ નથી મળ્યા જેથી તેનો આર્થિક બોજો પરિવાર પર વધારે પડે છે તેમ છતાં તેણે દરેક પડકારોનો સામનો કરીને નેશનલ ચેમ્પિયનશિપનો ખિતાબ હાંસલ કર્યો છે.
નેશનલ ચેમ્પિયન બન્યા બાદ ટોક્યો ઓલંમ્પિક માટે આશા સેવી રહ્યો છે
સંદિપે ફાઇનલમાં હરિયાણાનાં જિતેન્દર સિહંને હરાવ્યો હતો. હવે સંદિપ ટોક્યો ઓલંપિક માટે આશાઓ સેવી રહ્યો છે. જોકે ભારતે ટોક્યો ઓલંપિક માટે હજુ સુધી 74 કિગ્રા કેટેગરી માટે કોઈ જાહેરાત કરી નથી. પણ સંદિપની જીતને લીધે તેને ઓલંપિકમાં તક મળી શકે તેવી શક્યતા જરુર બની છે. પહેલવાની માટે ક્વોલિફાયરનું સિલેક્શન માર્ચમાં યોજાશે.