ચીનમાં છેલ્લાં 3 દિવસથી કોરોના સંક્રમણ તેજીથી વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં નવા 5,280 કેસો નોંધાયા છે. હાલમાં કુલ 13 શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેતા 5 કરોડ લોકો ઘરમાં કેદ થઇ ગયા છે.
ચીનમાં છેલ્લાં 3 દિવસથી કોરોના સંક્રમણમાં તેજીથી વધારો
અંદાજે 5 કરોડ ચીની નાગરિકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયા
ચીનમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 5,280 કેસ નોંધાયા છે, જેમાંથી 3,507 સ્થાનિક કેસો છે. વધતા જતા કેસોને જોતા ચીનના 13 શહેરોમાં લોકડાઉન લાગુ કરી દેવાયું છે. મળતી માહિતી મુજબ, વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનું નવું સ્વરૂપ દેશમાં ફેલાઈ ગયું છે. કોરોનાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે અંદાજે 5 કરોડ ચીની નાગરિકો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે.
વર્તમાન લહેરમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત જિલિન વિસ્તાર છે. એ સિવાય ચીનનું ટેક્નિકલ હબ કહેવાતા શેનઝેંગ વિસ્તારમાં પણ સખત પ્રતિબંધો લાદી દેવાયા છે. શંઘાઇમાં બે અને શેનઝેંગમાં એક હોસ્પિટલ પણ 12 માર્ચથી પહેલાં-પહેલાં બની ચૂકી છે. આ સિવાય કોરોના સંક્રમણને રોકવા માટે ખૂબ મોટા સ્તર પર દેશભરમાં ટેસ્ટિંગ પણ વધારી દેવાયું છે. જિલિન વિસ્તારમાં લોકોએ અત્યાર સુધી તપાસના છ રાઉન્ડ પૂર્ણ કરી લીધા છે. એ તૈયારીઓ જ દર્શાવે છે કે, ચીનમાં લગભગ એક મહિનાથી ચોથી લહેર ફેલાઈ ચૂકી છે.
જિલિન વિસ્તારની બહાર ટ્રાવેલ પર પ્રતિબંધ
ઉત્તર કોરિયા બોર્ડર પર સ્થિત જિલિન વિસ્તારનાં લોકો પર વિસ્તારથી બહાર અને આસપાસના વિસ્તારો પર ટ્રાવેલિંગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જિલિનના ગવર્નરે સોમવારની રાત્રિએ ઇમરજન્સી મીટિંગમાં એક સપ્તાહની અંદર ઝીરો કોવિડનો ટાર્ગેટ નક્કી કર્યો.
ઓમિક્રોનનો BA.2 વેરિઅન્ટ વધારે ખતરનાક
ચીનમાં ગુપ્ત ઓમિક્રોન (BA.2) ખૂબ જ તેજીથી ફેલાઇ રહ્યો છે. તેને મૂળ ઓમિક્રોન સ્વરૂપથી 10 ગણો વધારે શક્તિશાળી માનવામાં આવી રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, ચીનના અનેક શહેર હાલમાં આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. વિશ્વની બીજા નંબરની સૌથી મોટી બિલ્ડિંગ શંઘાઇ ટાવરને પણ સીલ કરી દેવામાં આવી છે. એ સિવાય અન્ય પણ કેટલાંક શહેરોમાં સખત ઉપાય લાગુ કરી દેવામાં આવ્યાં છે.