Bageshwardham's Dhirendra Shastri again in controversy
દાવો /
ભારત હિન્દુ રાષ્ટ્ર હશે...: બાગેશ્વરધામ સરકારનો વધુ એક વિવાદ, પ્રયાગરાજમાં આપ્યું નિવેદન
Team VTV02:09 PM, 02 Feb 23
| Updated: 02:12 PM, 02 Feb 23
બાગેશ્વરધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્ર માટે આપણે એક થવું જરૂરી છે.
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી વિવાદમાં
હિન્દુ રાષ્ટ્રને લઈને પ્રયાગરાજમાં આપ્યું નિવેદન
... તો ભારત બની જશે હિન્દુ રાષ્ટ્રઃ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
બાગેશ્વર ધામ સરકારના પીઠધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી ચર્ચામાં છે. તેમણે હિન્દુ રાષ્ટ્રને લઈને આપેલા એક નિવેદનને કારણે વિવાદ સર્જાયો છે. પ્રયાગરાજમાં તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, 'જો 'આપણે બધા સાથે રહીશું તો ભારત હિન્દુ રાષ્ટ્ર બની શકશે.' તેમણે એમ પણ કહ્યું કે, 'હવે હિન્દુ રાષ્ટ્રનું બ્યુગલ વગાડો. ચાલો જાતિવાદને તોડીને આપણે બધા હિન્દુ એક થઈએ.'
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પ્રયાગરાજમાં
આજે ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રયાગરાજ પહોંચ્યા છે. અહીં તેમણે સંગમમાં સ્નાન કર્યું અને ત્યારબાદ તેઓ માગેના મેળામાં સંતોને મળ્યા. ધીરેન્દ્ર શાસ્ત્રી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય સ્વામી વાયુદેવાનંદની શિબિરની પણ મુલાકાત લેશે.
નાગપુરની એક સમિતિએ લગાવ્યો હતો આ આરોપ
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર નાગપુરની એક અંધશ્રદ્ધા નિવારણ સમિતિ દ્વારા અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સમિતિના સંયોજકનું કહેવું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ચમત્કાર કરવાનો દાવો કરે છે અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવે છે. આ સમગ્ર મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી, પરંતુ પોલીસને ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કંઈ જ મળ્યું ન હતું અને તેમને ક્લીનચીટ આપવામાં આવી હતી.
ગુરુ રામભદ્રાચાર્યએ આપ્યું સમર્થન
આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના નિવેદનોને કારણે સતત વિવાદોમાં રહ્યા. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઘણા કોંગ્રેસના નેતાઓએ તેમને ચેલેન્જ પણ આપી હતી. આ પછી તેમના ગુરુ રામભદ્રાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું. તેમણે કહ્યું, 'મારો શિષ્ય ખૂબ જ સક્ષમ યુવક છે. સારી રીતે કામ કરી રહ્યો છે. ચારિત્રવાન છે. તેમની લોકપ્રિયતાને લોકો પચાવી શકતા નથી.
ઘણી વખત કરી ચૂક્યા છે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત
આ પહેલી વખત નથી જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ રાષ્ટ્રને લઈને કોઈ નિવેદન આપ્યું હોય, આ પહેલા પણ તેઓ ઘણી વખત મંચ પરથી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા જ તેમણે નાતાજી સુભાષચંદ્ર બોસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, નેતાજીએ એક નારો આપ્યો હતો કે તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ. આજે હું એક નારો આપી રહ્યો છું, તમે મારો સાથ આપો, હું તમને હિન્દુ રાષ્ટ્ર આપીશ. '