Another revelation about the thug Kiran Patel in Ahmedabad
VTV EXCLUSIVE /
મહાઠગ કિરણ પટેલની વતનમાં છબી ખરડાયેલી, ગ્રામજનોને પણ ઠગ્યાં, માતા જીવે છે એકલવાયું જીવન
Team VTV04:55 PM, 24 Mar 23
| Updated: 04:58 PM, 24 Mar 23
કરોડોના બંગલામાં રહેતા કિરણ પટેલની માતા જર્જરિત મકાનમાં રહે છે. દીકરાના કારસ્તાનના કારણે માતાએ પણ ઘર છોડ્યું હતું.
અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલ અંગે વધુ એક ખુલાસો
મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ આજે વધુ એક ફરિયાદ નોંધાઈ શકે
ઘોડાસર સ્થિત પ્રેસ્ટિજ બંગ્લોઝ પચાવવા મુદ્દે ફરિયાદ થઈ શકે
ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ત્યારે કાશ્મીરમાંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ફરિયાદ નોંધાઈ રહી છે. મહાઠગ કિરણ પટેલના રહેણાંક મુદ્દે મકાન માલિકે ફરિયાદ નોંધાવી શકે છે. મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ આજે વધુ એક ફરિયાદ નોંધાઈ શકે છે.
બંગ્લોઝ પચાવવા મુદ્દે ફરિયાદ થઈ શકે છે
ઘોડાસર સ્થિત પ્રેસ્ટિજ બંગ્લોઝ પચાવવા મુદ્દે ફરિયાદ થઈ શકે છે. પ્રેસ્ટિજ બંગ્લોઝના મૂળ મકાન માલિક વનારામ ચૌધરી ફરિયાદ કરશે. શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાઈ શકે છે. કિરણ પટેલનું પ્રેસ્ટિજ બંગ્લોઝમાં રહેણાંક હાલમાં છે. મહાઠગ કિરણ પટેલના ગામમાં VTV પહોંચ્યું હતું. કિરણ પટેલ દસક્રોઈના નાઝ ગામનો વતની છે. ગામના લોકો સાથે પણ કિરણ પટેલે ઠગાઇ કર્યાનું ખુલ્યુ છે. ગ્રામજનોએ જણાવ્યું કે, કિરણ પટેલે ગામના લોકોને છેતર્યા છે.
કિરણ પટેલ અંગે વધુ એક ખુલાસો
અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલ અંગે વધુ એક ખુલાસો થયો છે. જમીની હકીકત પરથી VTV NEWSએ પરદો ઉચક્યો છે. હાઈ પ્રોફાઈલ જીવન જીવતા કિરણ પટેલની વતનમાં અલગ છબી છે. કરોડોના બંગલામાં રહેતા કિરણ પટેલની માતા જર્જરિત મકાનમાં રહે છે. દીકરાના કારસ્તાનના કારણે માતાએ પણ ઘર છોડ્યું હતું. લક્ઝુરિયસ ગાડીઓમાં રોફ જમાવતા કિરણની માતા એકલવાયું જીવન જીવે છે. ગામના લોકોએ પણ ઠગની સ્થિતિનું વર્ણન કર્યું છે.
જગદીશ ચાવડાના બંગલા પર બગાડી હતી નજર
PMOમાં નોકરી કરું છું અને મારી બહુ મોટી ઓળખાણ છે આવું કહી છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલે પૂર્વ મંત્રીના ભાઈને પણ નથી મૂક્યા. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલી નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલા પર કિરણ પટેલે નજર બગાડી હતી. મોટી મોટી ઓળખાણો આપીને અને મીઠી મીઠી વાતો કરીને જગદીશ ચાવડાનોનો બંગલો ઝડપી લેવા માટે ષડયંત્ર રચ્યું હતું. જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનના નામે કિરણ પટેલે પોતાનો દાવો મુક્યો હતો. વાસ્તુ કરાવી કિરણ પટેલે બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો હતો. જગદીશ ચાવડાના બંગલામાં કિરણ પટેલે પોતાનું બોર્ડ પણ લગાવી દીધું હતું. એટલું જ નહીં બાદમાં કિરણ પટેલ સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો.
અનેક લોકોને છેતરી ચૂક્યો છે મહાઠગ
આપને જણાવી દઈએ કે, કિરણ પટેલ અત્યાર સુધીમાં ઘણાં લોકોને ચૂનો ચોપડી ચૂક્યો છે. તેની વિરુદ્ધ વડોદરામાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કિરણ પટેલે વડોદરામાં 2018માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના ડેકોરેશનના ધંધાર્થીઓને ચૂનો ચોપડ્યો હતો. કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસે કરી હતી ધરપકડ
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું હતું. તેની 15 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે, પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો. તે અત્યાર સુધીમાં અનેક લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યો છે.