અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં કોન્ટ્રાકટરના ઘરને નિશાન બનાવી આરોપીઓ સોનાના દાગીના ચોરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદમાં કોન્ટ્રાકટરના ઘરમાંથી ચોરી
ત્રણ આરોપી ચાર ચેઈન ચોરી ગયા
દાગીના લેવા ગયાં ત્યારે ચોરી થયાની કરાઈ પોલીસ ફરિયાદ
અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં કોર્પોરેશનના કોન્ટ્રાકટરના ઘરમાંથી રૂપિયા ૨.૬૫ લાખના સોનાના ચાર ચેઇનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોન્ટ્રાકટરનાં પત્નીને લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી દાગીના લેવા ગયાં ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી. જેને લઈને ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
૨.૬૫ લાખના સોનાના દાગીના લખાવ્યા હતા
મેઘાણીનગરમાં રહેતાં ભાવિષાબહેન વાઘેલાએ ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાવિષાબહેનના પતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. થોડા દિવસ પહેલાં પતિને ચૂંટણીનું ફોર્મ ભરવાનું હોવાથી તેમણે એફિડેવિટમાં ૨.૬૫ લાખના સોનાના દાગીના લખાવ્યા હતા. ગઈ કાલે ભાવિષાબહેનને મામાના દીકરાના લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી તેઓ દાગીના લેવા ગયા હતા. આ વખતે કબાટમાં દાગીના ગાયબ જોઈને તે ચોંકી ગયાં હતાં.
અજય ઉર્ફે રાજુ, ચંપા નાડિયા અને સુમિત રાઠવાની પૂછપરછ
ભાવિષાબહેન અને તેમના પતિએ ઘરમાં શોધખોળ કરી પરંતુ દાગીના મળી આવ્યા ન હતા. ભાવિષાબહેનના ઘરમાંથી કુલ ૨.૬૫ લાખની ચાર ચેઇનની ચોરી થઇ હતી. ભાવિષાબહેને ઘરમાં ચોરી બાબતે આરોપી તરીકે કામ કરતા અજય ઉર્ફે રાજુ, ચંપા નાડિયા અને સુમિત રાઠવાની પૂછપરછ કરી હતી. આ ત્રણેય પાસે ઘરની તમામ માહિતી હોવાથી તેમના પર ભાવિષાબહેનને શક હતો. આ સમયે તેમણે પોલીસને અરજી કરી હતી. પોલીસની તપાસમાં ચાર ચેઇન ત્રણ આરોપીએ પરત આપવાનું કહ્યું હતું. પરંતુ આજ દિન સુધી સોનાની ચેઈન પરત ન આપતાં ભાવિષાબહેને તેમની વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.