સુરતના ભેસ્તાન વિસ્તારના પેટ્રોલપંપમાં મોટી દુર્ઘટના ટળી
40 જેટલા ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં આગ
ટેમ્પોમાં ડીઝલ ભરતી વેળાએ આગ ફાટી નીકળતા નાસભાગ
સુરતમાં પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવવા પહોંચેલા ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, પેટ્રોલ પંપના કર્મચારીએ જીવના જોખમે આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.
40 જેટલા ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં આગ
શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા પહોંચેલા ગેસ સિલિન્ડર ભરેલા એક ટેમ્પોની કેબિનમાં એકાએક આગ લગતા નાસભાગ મચી ગઈ હતી. એચપી કંપનીના ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં ધુમાડો નીકળવા લાગતા ટેમ્પોચાલક સમજી ગયો હતો. જેથી તે તાત્કાલિક ટેમ્પોમાંથી નીચે ઉતરી ગયો હતો.
પેટ્રોલ પંપના કર્મચારીની કામગીરીને કારણે દુર્ઘટના ટળી
આ જોઈને પેટ્રોલ પંપ પર હાજર એક કર્મચારી તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધન લઈને દોડી આવ્યો હતો અને પોતાના જીવની પરવાહ કર્યા વિના આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેના કારણે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં આગ પ્રસરી નહોતી. જો પેટ્રોલ પંપના કર્મચારીએ સમયસર હિંમત ન દેખાડી હોત અને આગ પર કાબૂ મેળવાયો ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. કર્મચારીઓની સમયસૂચકતાને પગલે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.