6 day war how israel countered attack from four countries and protected their land
વિશેષ /
6 દિવસનું એ યુદ્ધ : એકસાથે ચાર દેશોના હુમલા સામે કચ્છથી અડધી સાઈઝનું ઈઝરાયેલ કેવી રીતે જીત્યું હતું
Team VTV04:04 PM, 14 May 21
| Updated: 05:00 PM, 14 May 21
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે વધી રહેલા ઘર્ષણને પગલે આગામી સમયમાં યુદ્ધની વિકટ સ્થિતિ સર્જાય તેવો માહોલ ઉભો થયો છે.
Jews એટલે કે યહૂદીઓના દેશ ઇઝરાયેલ માટે યુદ્ધની તંગદિલી કોઈ નવી વાત નથી. કમનસીબે આ દેશનું ગઠન થયું ત્યારથી જ એટલે કે 1948થી તે દુશ્મન દેશો સામે ઝઝૂમી રહ્યો છે. ઇઝરાયેલ આરબ દેશોની વચ્ચે આવેલો છે અને આરબ દેશો સાથે નાનામોટા લશ્કરી હુમલાથી માંડીને યુદ્ધ સુધીની સ્થિતિનો સામનો કરી ચૂક્યું છે.
કચ્છ કરતા અડધું છે ઇઝરાયેલ
વિસ્તારની દ્રષ્ટિએ કચ્છનો વિસ્તાર 45 હજાર ચોરસ કિમી છે જયારે ઇઝરાયેલનો વિસ્તાર 22 હજાર ચોરસ કિમી છે. આટલા ટચુકડા દેશે ઘણા યુદ્ધો લડીને પોતાની જમીન અને લોકોનું રક્ષણ કર્યું છે. આ બધા યુદ્ધોમાં સૌથી મહત્વનું 1967નું 6 ડે વોર હતું. આ યુદ્ધમાં ઇઝરાયેલ એકસાથે બધી સરહદે અલગ અલગ દેશો સામે લડ્યો અને પોતાનો ઓછી વસ્તી અને વિસ્તાર હોવા છતાં બધા દુશ્મનોને ધૂળ ચટાડી દીધી. આ યુદ્ધે વિશ્વને ચકિત કરી દીધું અને ઇઝરાયેલની અસલી તાકાત દુનિયા સામે બતાવી દીધી.
ઇજિપ્તે આ પગલું ભરતા થયું હતું ભયંકર યુદ્ધ
1967ના 6 ડે વોરમાં ઇઝરાયેલ જેટલો નાનો દેશ એક સાથે ઇજિપ્ત, સીરિયા, જોર્ડન, ઇરાક અને લેબેનોન જેવા દેશો સામે લડ્યો હતો.
ઇજિપ્તે ઇઝરાયેલની કનડગત માટે અને તીરાન નામનો એક સાંકડો સમુદ્રી માર્ગ બ્લોક કરી દીધો હતો. આ સમુદ્રી માર્ગ બંધ થતા ઇઝરાયેલને આર્થિક નુકશાન જઈ રહ્યું હતું. ઇઝરાયેલની વારંવાર અપીલ છતાં ઇજિપ્તે આ માર્ગને બંધ રાખવાનું પસંદ કરતા ઇઝરાયેલે 5 જૂન 1967ના રોજ ઇજિપ્તના એર ફિલ્ડ ઉપર ભારે એરસ્ટ્રાઈક કરવાની શરુ કરી હતી.
તીરાન સમુદ્ર માર્ગમાંથી પસાર થઇ રહેલી ઈઝરાયેલી ગનબોટ
ઇજિપ્તના ફાઈટરપ્લેન ઉડ્યા પહેલા જ ખલાસ થઇ ગયા
ઇઝરાયેલ પાસે 300 એરક્રાફટ હતા. ઇઝરાયેલે એમ્બુશ અટેક કરીને ઇજિપ્તના લગભગ 950 એરક્રાફ્ટ અને 50 જેટલા રનવેનો ખાત્મો બોલાવી દીધો. આ સાથે ઇજિપ્તનો લગભગ આખો એરફૉર્સ નષ્ટ થઇ ગયો.
ઈજિપ્તનું નષ્ટ થઇ ગયેલું પ્લેન તપાસી રહેલા ઈઝરાયેલી જવાનો
ઇજિપ્ત આ હુમલા માટે તૈયાર ન હતું. થોડા સમયમાં ઇઝરાયેલે ઇજિપ્તના મોટાભાગના એર ફિલ્ડનો મોટા પાયે ખાત્મો બોલાવી લીધો અને આ સાથે અચાનક જ ગ્રાઉન્ડ લેવલ ઉપર ગાઝા પટ્ટી અને અને સિનાઇ વિસ્તારમાં પોતાનું સૈન્ય મોકલ્યું. મોટા પાયે ખુવારી થતા ઇજિપ્તે પોતાના સૈન્યને આ વિસ્તારોમાંથી પાછું બોલાવી લીધું.
સિનાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા ઇઝરાયેલના જવાનો
આરબ દેશો જોડાયા ઇજિપ્ત સાથે
અન્ય આરબ દેશો ઇઝરાયેલ સાથેની દુઃશ્મની અને મિલિટરી એગ્રીમેન્ટને કારણે આ યુદ્ધમાં જોડાયા. જો કે ઇઝરાયેલે મચક ન આપતા સીરિયા અને જોર્ડનની સેનાને હરાવવા ઉપરાંત આ દેશોના થોડા ભાગો ઉપર કબ્જો મેળવી લીધો. આ સમયે વેસ્ટ બેન્ક વિસ્તાર જોર્ડનના કબ્જામાં હતો. ધાર્મિક રીતે ખૂબ મહત્વના એવા જેરુસલેમ અને બેથલેહામ શહેરમાં લોહિયાળ જંગ થયા જેમાં ઉત્તરોત્તર ઇઝરાયેલે પોતાનો કબ્જો જમાવ્યો અને સમગ્ર વેસ્ટ બેન્ક વિસ્તાર ઉપર અંકુશ મેળવી લીધો.
જેરુસલેમ શહેર જીત્યા બાદ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસના જવાનો (તસવીર: ડેવિડ રૂબીનજર)
ઉત્તરમાં સીરિયાની સેનાને કાબૂમાં રાખી
ઉત્તર ઇઝરાયેલની સરહદે સીરિયાએ હુમલો કરતા આ વિસ્તારમાં પર્વતીય પ્રદેશને કારણે બંને દેશોએ ખુવારી વેઠવી પડી. જો કે ઇઝરાયેલના એરફોર્સે મોટા પાયે સીરિયાની આર્મીનું નુકશાન કરીને આખરે સરહદ સુરક્ષિત કરવા ઉપરાંત સીરિયાના કેટલાક ભાગો ઉપર કબ્જો મેળવી લીધો. આખરે UN સાથે મંત્રણાઓ બાદ સીઝફાયરના આદેશ લાગી જતા આ યુદ્ધનો અંત આવ્યો.
સીરિયા ઇઝરાયેલની સરહદે આવેલા ગોલન હાઈટ્સ ઉપર ઇઝરાયેલની ટેંકનો ખડકલો
આ યુદ્ધમાં ઇઝરાયેલે કુલ 1000 જેટલા જવાનો ગુમાવ્યા હોવા છતાં આરબ દેશોના લગભગ 20,000 જેટલા સૈનિકોનો ખાત્મો બોલાવીને પોતાની જમીનનું રક્ષણ કરવા ઉપરાંત અન્ય કેટલાક સ્ટ્રેટેજિક રીતે મહત્વ ધરાવતા વિસ્તારોનો કબ્જો મેળવી લીધો. જો કે આ વિસ્તારો માટે 1967 પછી પણ યુદ્ધો ચાલતા રહ્યા છે.
સતત અશાંતિ છતાં ઇઝરાયેલમાં વિકાસ ગતિ અટકતી નથી
તલ અવિવ શહેર ઇઝરાયેલ
ઇઝરાયેલ વિશ્વના સૌથી વધુ વિકસિત દેશોમાંથી એક છે. સતત ચાલતા લશ્કરી હુમલાઓ ઉપરાંત ઇઝરાયેલ આર્થિક અને ઔદ્યોગિક રીતે પોતાનું ડેવલપમેન્ટ કેવી રીતે વધારે છે એ ભારત જેવા દેશોએ શીખવા જેવું છે.