પીડિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નોકરીની ઓફરની જાહેરાત જોઈ
પોલીસે અપીલ કરી, સોશિયલ મીડિયા પર આવી ખોટી જાહેરાતોનો શિકાર ન બનો
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક વ્યક્તિ પાસેથી ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ જોબની ઓફર આપીને 11.25 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. હાલ પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે, તેઓ સોશિયલ મીડિયા પર આવી ખોટી જાહેરાતોનો શિકાર ન બને.
વિગતો મુજબ પીડિતએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી નોકરીની ઓફરની જાહેરાત જોઈ હતી. પોલીસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર પીડિતાને ઓનલાઈન મેસેજિંગ પ્લેટફોર્મ પર એક લિંક મોકલવામાં આવી હતી અને તેને તેની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી તેને ઓફર કરેલી નોકરી અને સારી આવક માટે ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું.
શું કહ્યું પોલીસે ?
પોલીસનું કહેવું છે કે, પીડિતાએ અનેક વખત કુલ 11.25 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ પછી, જ્યારે તેને વચન મુજબ નોકરી ન મળી, ત્યારે તેણે સોમવારે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી. પોલીસનું કહેવું છે કે, મીરા ભાયંદર-વસઈ વિરાર પોલીસ સ્ટેશનના સાયબર સેલે આ મામલાની તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે, પૈસા બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે મંગળવારે ખાતાધારક અશોક કુમાર રામસમુજ આર્યની ધરપકડ કરી હતી. હાલ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.