The village of Mehsana district is still alive in the 18th century
સમસ્યા /
મહેસાણા જિલ્લાનું ગામ આજે પણ જીવે છે 18મી સદીમાં, નથી જોયો વિકાસ
Team VTV08:43 PM, 04 May 19
| Updated: 09:06 PM, 04 May 19
વિકાસની વાતો વચ્ચે રાજ્યના અનેક ગામોમાં અભાવનો વલોપાત સંભળાઈ રહ્યો છે. રાજ્યના અનેક ગામો આઝાદીના સિત્તેરમાં વર્ષમાં પહોંચ્યા છે પરંતુ વિકાસ જાણેકે તેમનાથી દૂર ભાગી રહ્યો છે.
ગગનયાન મંગળપર પહોંચવાની તૈયારીમાં છે પરંતુ આ ગામથી એસટી બસ હજુ જોજનો દૂર છે. તો કયા ગામની છે આ કરુણાંતિકા કે જેમના માટે જળ પણ હજુ ઝાંઝવાના નીર છે. તેમાટે જોઈએ વિકાસની નજરે વેરી રહેલા એક કમનસીબ ગામનો આ અહેવાલ.
આજે આ ગામના લોકોને રાજી થવાનું એક કારણ ઝડયું છે. કેમ કે ગામમાં ખૂબ લાંબા સમય બાદ પાણીનું ટેન્કર આવ્યું છે. અને એ પણ અનેક રજૂઆતો બાદ પરંતુ તેમની ખુશી લાંબી ટકી શકશે નહીં. આ ટેન્કર જાય પછી બીજું ટેન્કર ક્યારે આવશે તેની કોઈ ખાતરી નથી.
70 વર્ષથી નથી થયો અહીં વિકાસ
માત્ર પાણીના જ નહી પરંતુ અનેક અભાવો વચ્ચે જીવતા આ ગામનું નામ છે ગજાપુરા ગામ. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગજાપુરા ગામની હાલત માત્ર ઉનાળામાં જ આવી હોય છે એવું નથી. છેલ્લાં સિત્તેર વર્ષથી અનેક પ્રકારની દુવિધા સામે આ ગામ ઝઝુમી રહ્યું છે. ગજાપુરા ગામમાં ઠાકોર સમાજના 800 લોકો વસવાટ કરે છે.
મુખ્ય રસ્તાથી આ ગામમાં જવા માટે 4 કિલોમીટરનો કાચો ધૂળિયો રસ્તો પસાર કરવો પડે છે. પાકો રસ્તો ન હોવાના કારણે આ ગામમાં ~યારેય એસટી બસ આવી જ નથી. ગામ લોકો ને ગામ બહાર જવું હોય તો આ કાચા રસ્તા ઉપર પગપાળા ચાલવા સિવાય કોઇ વિકલ્પ નથી.
અનેક સુવિધાનો અભાવ
સારા રસ્તાના અભાવે સરકારી બસ તો દૂરની વાત માંદગી કે કટોકટી વખતે 108 સુવિધા પણ ગામના લોકો સુધી પહોંચતી નથી. પ્રસૂતિના કિસ્સામાં તો નવજાત શિશુ અને માતા માટે જાણે જીવનમરણનો સવાલ ઊભો થાય છે.
આટલું ઓછું હોય તેમ પાણીની સમસ્યા તો હમેશા મોં ફાડને જ ઊભી હોય છે. ગામમાં પીવાના પાણી માટે પણ કોઈ જ સ્તોત્ર નથી. ગામલોકો આજે પણ ગામથી એક કિલોમીટર દૂર આવેલા કુવામાંથી પીવાનું પાણી મેળવુ પડે છે. પરંતુ ઉનાળામાં તો ત્યાં પણ પાણી ઢસડી ભરવું પડે છે.
પાણી ભરવા કરવો પડે છે રઝળપાટ
દૂરના એક કૂવે પાણી ભરવા માટે આખા ગામને આધાર રાખવો પડે છે. મહિલાઓ હોય કે નાના બાળકો ઘરકામ અને ભણતર મૂકીને માત્ર પાણી ભરવામાં સમય પસાર કરવો પડે છે. કૂવામાં જમા થયેલું પાણી પોતાના ભાગમાં આવે તો ઠીક નહીતર માથે બેડાં લઈને પાણી માટે બીજે ક્યાંક રઝળપાટ કરવી પડે છે. હા ક્યારેક તંત્ર જાણે રહેમ કરતું હોય તેમ અનેકવારની રજૂઆત બાદ પાણીનું ટેન્કર મોકલે છે.
પાકા રસ્તાના નથી જોવા મળતા નામોનિશાન
ગજાપુરા ગામ મોઢેરા થી માત્ર 6 કિલોમીટર દૂર છે.આ ગામને પાકો રસ્તો આપવા અને પીવાના પાણીની સગવડ ઉભી કરવા વારંવાર રજુઆત કરવામાં આવી છે.આમ છતાં આ રજુઆત નથી તો સરકારી તંત્રએ સાંભળી કે નથી કોઈ રાજકીય નેતાએ. ચૂંટણી આવે ત્યારે ગામમાં રાજકીય નેતાઓ આવીને વચન આપીને જાય છે.પણ ત્યારબાદ ગામના લોકોની હાલતની કોઈ કોઈ તસ્દી લેતું નથી.
ગામમાં આજેપણ અંધારપટ
ગજાપુરમાં સુવિધાના અભાવની યાદી ખૂબ લાંબી છે. ગામમાં વીજળીકરણની કામગીરી આજે પણ અધૂરી છે અને આ જ કારણે રાત પડતાં જ ગામમાં અંધકાર છવાઈ જાય છે. જાણે અઢારમી સદીનું કોઈ ગામ.
એક તરફ મોટા શહેરોમાં બુલેટ અને મેટ્રો ટ્રેન માટે યુદ્ધના ધોરણે કામગીર હાથ ધરાઈ રહી છે. ત્યારે ગજાપુરના ગ્રામજનો હજુ એસટી સુવિધાની રાહ જોઈ રહ્યા છે. શું આને સરકારનું ઓરમાયું વર્તન કહીશું કે તંત્રની ઘોર ઉપેક્ષા?