Vadodara police will seek the help of the municipality to find the cow and its owner
વડોદરા /
ગાયે શિંગડું મારતા વિદ્યાર્થીની ફૂટી આંખ, ગાય અને તેના માલિકને શોધવામાં પોલીસના ફાંફા, હવે પાલિકાની લેશે મદદ
Team VTV08:47 AM, 26 May 22
| Updated: 08:53 AM, 26 May 22
વડોદરામાં રખડતા ઢોરોના ત્રાસથી એક વિદ્યાર્થીએ આંખ ગુમાવવાનો વારો આવ્યો આ વાતને બે અઠવાડિયા થવા છતાં પણ પોલીસે હજુ સુધી કાર્યવાહી કરી શકી નથી
વડોદરા પોલીસ હવે કોર્પોરેશનની શરણે
રખડતા ઢોરને શોધવા પાલિકાની લેશે મદદ
ગાયનું શિંગડુ વાગવાથી વિદ્યાર્થીએ ગુમાવી હતી આંખ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. રોજબરોજ કોઇને કોઇ ઘટના સામે આવી જ રહી છે. રસ્તા વચ્ચે રખડતા ઢોરોને કારણે ઘણા નિર્દોષોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે વડોદરામાં ગાયે શિંગડુ મારતા એક વિદ્યાર્થીએ આંખ ગુમાવી હતી આ મામલે હજી સુધી પોલીસ ગાયના માલિકને શોધવા ફાંફા મારી રહી છે.
પોલીસ હવે લેશે તંત્રની મદદ
મહત્વનું છે કે 12મેના રોજ આ ઘટના બની હતી. આ વાતને બે અઠવાડિયા જેટલો સમય વીતિ ગયો પરંતુ પોલીસ હજુ તે ગાય કે તેના માલિકને શોધી શકી નથી. આથી પોલીસ હવે કોર્પોરેશનની મદદ લેશે. ઢોર પાર્ટીના અનુભવી કર્મચારીઓની ગાય શોધવામાં મદદ લેવાશે. ગાયની ઓળખ કરીને ગાયના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ગાયે શિંગડું મારતા આંખ ફૂટી ગઇ
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં એક વિદ્યાર્થીને ગાયે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. MSUમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જ્યારે ગોવર્ધન ટાઉનશિપ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક એક ગાયે વિદ્યાર્થીને અડફેટમાં લેતા તે એક્ટિવા પરથી નીચે પડ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં ડિવાઈડર કૂદીને ગાયે એક્ટિવા સાથે વિદ્યાર્થીને પછાડ્યો હતો. અકસ્માતમાં વિદ્યાર્થીને ગાયનું શિંગડું આંખમાં વાગતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.
વડોદરામાં વારંવાર બની રહ્યા છે બનાવ
વડોદરાના ભીમનાથ બ્રિજ પાસે હિરેન પરમાર નામનો યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ રોડ પર દોડીને આવેલી ગાયે તેને અડફેટે લીધો હતો. તેને મોઢાના ભાગે 12 ટાંકા લેવા પડયા છે. દુ:ખની વાત એ છે કે, આગામી 6 જૂને તો હિરેનના લગ્ન થવા છે. તે પહેલા જ રખડતા ઢોરે તેના મોઢાનો અકાર ફેરવી નાખ્યો છે. બીજી તરફ નિઝામપુરા વિસ્તારમાં એક ગાયે બાઈક પર જઈ રહેલા દાદા-દાદી અને પૌત્રીને અડફેટે લીધા હતા. જેમાં પણ ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ક્યારે દૂર થશે રખડતા ઢોરોનો ત્રાસ ?
સ્માર્ટસિટી કહેવાતા વડોદરામાં પણ રખડતા ઢોરનો ત્રાસ એટલો બધો જોવા મળી રહ્યો છે કે તે કદાચ આગામી સમયમાં કોઇનો જીવ પણ લઇ લે તો કદાચ નવાઇ નહીં. તમને જણાવી દઇએ કે, રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજુ જાહેર રસ્તાઓ પર ઢોર ફરી રહ્યાં છે, જેના કારણે આજે પણ અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યાં છે.