Torture of stray cattle in Vadodara, What is vmc doing?
ત્રાસ /
વડોદરામાં રસ્તા પર નીકળતા પણ ડર લાગે છે, VMC રખડતાં ઢોર પર કાર્યવાહીને બદલે હાથ પર હાથ ધરી બેઠું
Team VTV11:45 PM, 24 May 22
| Updated: 12:35 AM, 25 May 22
હવે તો જીવવું હરામ થઈ ગયું છે..રસ્તા પર નિકળતા પણ ડર લાગે છે..આવું અમે નહીં પરંતુ સંસ્કારીનગરી વડોદરાના લોકો કહી રહ્યા છે.
વડોદરામાં રખડતાં ઢોરનો આંતક વધ્યો
રખડતાં ઢોર પકડવાના કડક આદેશ છતાંય કેમ જનતા બની રહી છે ભોગ?
આવું વડોદરાના લોકો શા માટે કહી રહ્યા છે. તો તેને વર્ણવવા કરતા પણ આ દ્રશ્યે ઘણુંબધું કહી જાય છે. કારણ કે, છેલ્લા ત્રણ દિવસમાં જ રખડતા ઢોરની અડફેટે લોકો આવ્યા હોય તેવી ત્રણ ઘટનાઓ બની છે. જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. જ્યારે તંત્ર બેફિકર બનીને માત્ર તાયફાઓ કરે છે.
વડોદરામાં ત્રણ દિવસમાં ત્રણ ઘટના
ગત મોડી રાત્રે જ વડોદરાના ભીમનાથ બ્રિજ પાસે હિરેન પરમાર નામનો યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ રોડ પર દોડીને આવેલી ગાયે તેને અડફેટે લીધો હતો. તેને મોઢાના ભાગે 12 ટાંકા લેવા પડયા છે. દુ:ખની વાત એ છે કે, આગામી 6 જૂને તો હિરેનના લગ્ન થવા છે. તે પહેલા જ રખડતા ઢોરે તેના મોઢાનો અકાર ફેરવી નાખ્યો છે. બીજી તરફ નિઝામપુરા વિસ્તારમાં એક ગાયે બાઈક પર જઈ રહેલા દાદા-દાદી અને પૌત્રીને અડફેટે લીધા હતા. જેમાં પણ ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઢોર મુક્ત શહેરોની માત્ર ખોટી વાતો
ત્રણ દિવસ પહેલા પણ સાવલી રોડ પર એક યુવાનને ગાયે અડફેટે લેતા તેને હાથ અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. જોકે અહીં તમને એ વાત જાણીને ચોક્કસથી ગુસ્સો આવશે કે, 4 મહિના પહેલા જ વડોદરાના મેયરે રખડતા ઢોર મુક્ત શહેર બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ જાહેરાતની અમલવારી કેટલી થઈ. તે ત્રણ દિવસમાં ઘટેલી ત્રણ ઘટનાઓ પરથી અંદાજ લગાવી શકાય છે. જોકે આ ઘટનાઓ પછી પણ વડોદરાના મેયર શું કહી રહ્યા છે.
કેમ 4 મહિનામાં શહેરમાંથી રખડતા ઢોરને ત્રાસ દૂર ન થયો?
સવાલ અહીં એ થાય છે કે, શું VMC માટે લોકોના જીવની કોઈ કિંમત નથી? કેમ 4 મહિનામાં શહેરમાંથી રખડતા ઢોરને ત્રાસ દૂર ન થયો? કોણ રસ્તાઓ પર ઢોરને છુટ્ટા મૂકી દે છે? શું માત્ર રૂપિયા પડાવવા માટે જ ઢોર પકડવાની કાર્યવાહી થાય છે? લોકોના હાથ-પગ ભાંગે છે તેના માટે કોણ જવાબદાર છે? માત્ર કાયદાઓ લાવવાની વાતો કરી લોકોની ભાવનાઓ સાથે શું લેવા રમત કરો છો? રખડતા ઢોરનો ત્રાસ ન અટકાવી શકો તો લોકોને મુર્ખ તો ન બનાવો? સવાલો અનેક છે. પરંતુ હવે ત્રણ દિવસમાં ઘટેલી આ ત્રણ ઘટનાઓ પછી વડોદરા મહાનગરપાલિકા જાગે છે કે નહીં તે જોવું રહ્યું.