The looters running on Sanand toll tax exposed on VTV
VTV EXCLUSIVE /
સાણંદ ટોલનાકા પર ચાલતી ઉઘાડી લૂંટનો VTV પર પર્દાફાશ, 'દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ'ના નામે ટ્રક દીઠ વસૂલાય છે 300 રૂપિયા
Team VTV01:03 PM, 17 Mar 23
| Updated: 01:31 PM, 17 Mar 23
સાણંદ ટોલ નાકા પર ટ્રકચાલકો પાસેથી ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયો છે. VTV NEWSએ સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યું છે.
સાણંદ ટોલ નાકા પર ઉઘાડી લૂંટનો પર્દાફાશ
VTV NEWSએ સમગ્ર કૌભાંડનો કર્યુ ઉજાગર
દર્શન ચેરિટેબલ ટ્રસ્ટના નામે ટ્રકચાલકો પાસેથી ચલાવે છે લૂંટ
ગાડીમાં રેડિયમ ટેપ નથી અને ઉપરથી ચેકિંગ છે તેવું કહી ઉઘાડી લૂંટ
સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલા ટોલ ટેક્સ પર છેલ્લા ઘણા સમયથી મોડી રાત્રે ટ્રકચાલકો પાસેથી ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નામે ખોટી રીતે લૂંટ ચલાવવામાં આવી રહી હતી. જે અંગેની જાણ VTV NEWSને થઈ હતી. જેથી ગતમોડી રાત્રે VTVની ટીમ સાણંદ ટોલ ટેક્સ ખાતે પહોંચી હતી અને સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યું હતું. સરકારમાં ઉચ્ચ પદસ્થ લોકોના નામે લૂંટતા લોકો VTV NEWSના કેમેરામાં કેદ થયા હતા.
ટ્રક દીઠ 300 રૂપિયા ઉઘરાવતી હતી ટોળકી
આ તમામ લોકો પોલીસ વડાના નામે ટ્રક ચાલકો પાસેથી દરરોજ રાત્રે પૈસા ઉઘરાવતા હતા. રેડિયમનો નિયમ બતાવીને ટ્રક ચાલકો પાસેથી ટ્રક દીઠ 300 રૂપિયા ઉઘરાવતા હતા. સાથે જ ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય લખેલી દર્શન ચેરિટેબલ ટ્રસ્ટના નામની રસીદ ટ્રકચાલકોને આપવામાં આવતી હતી. ગાડીમાં રેડિયમ ટેપ નથી અને ઉપરથી ચેકિંગ ચાલે છે તેવું કહીને આ ટોળકી ઉઘાડી લૂંટ ચલાવી રહી હતી. VTV NEWSની તપાસમાં ટ્રકચાલકોને આપવામાં આવતી લૂંટની રસીદ બોગસ હોવાનો ખુલાસો થયો છે.
અમે IG સાહેબે આપી છે મંજૂરીઃ ટ્રસ્ટનો કર્મચારી
આ રૂપિયા ઉઘરાવી રહેલા શખ્સો (દર્શન ચેરીટેબલ ટ્રસ્ટના કર્મચારી) સાથે જ્યારે VTV ન્યૂઝે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે અમે ગાડીઓમાં રેડિયમ લગાવીએ છીએ. અમને IG સાહેબે પૈસા ઉઘરાવાનો પરવાનો આપ્યો છે. જેનો એક પત્ર પણ તેઓએ બતાવ્યો હતો.
ટ્રસ્ટી ભરત દીક્ષિતએ કર્યો VTV સમક્ષ દાવો
જે બાદ દર્શન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત દીક્ષિતનો સંપર્ક કરનામાં આવ્યો હતો. તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવતા તેઓએ દાવો કરતા જણાવ્યું હતું કે, 'અમે રેડિયમ લગાડવાના આ પૈસા લઈએ છીએ. અમારી સંસ્થા 20 વર્ષથી કાર્યરત છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે મારી પાસે મંજૂરી છે. IG સાહેબથી લઈને DGP સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબથી લઈને બધાની જ મંજૂરી મારી પાસે છે.'
હાઈવે ઓથોરિટી સમગ્ર ઘટનાથી અજાણ કેમ?
નોંધનીય છે કે, આ ટોળકી સાણંદ ટોલટેક્સ ખાતે છેલ્લા ઘણા સમયથી દર્શન ચેરીટેબલ ટ્રસ્ટના નામે ટ્રક ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવી રહી છે, પરંતુ હાઈવે ઓથોરિટી સમગ્ર ઘટનાથી અજાણ કેમ તે સૌથી મોટો સવાલ છે. આવા લેભાગુ તત્વોને પાઠ કોણ ભણાવશે? ખોટી રીતે રૂપિયા ખંખેરનારાઓને પોલીસ ક્યારે જેલ હવાલે કરશે? હાઈવે ઓથોરિટી શું આવી લૂંટ કરતી ટોળકી વિશે જાણે છે?
સળગતા સવાલ
- અત્યાર સુધી કોની રહેમનજર હેઠળ ચાલતી હતી લૂંટ?
- ટ્રસ્ટને ખુલ્લેઆમ લૂંટવાનો પરવાનો કોને આપ્યો?
- RTO અધિકારી, પોલીસની જેમ કઇ રીતે વાહનો રોકી શકે?
- ટ્રસ્ટને સરકારી નામવાળી રસીદની કોને આપી મંજૂરી?
- અત્યાર સુધી ટ્રસ્ટે ઉઘરાવેલા રૂપિયાની તપાસ થશે?
- ટ્રસ્ટની ઉઘાડી લૂંટ પાછળ કોનો છે સપોર્ટ?
- હજારો-લાખો ટ્રક ચાલકો પાસેથી ઉઘરાવેલા રૂપિયાનું શું?
- શું ટ્રસ્ટ વિરુદ્ધ યોગ્ય તપાસ કરવામાં આવશે ખરી?
- રેડિયમ પટ્ટીના બહાને ચલાવાતી લૂંટનું સત્ય ખુલશે ખરું?
- શું સરકાર દ્વારા આવો કોઈ પરવાનો આપવામાં આવ્યો છે ખરો?