Rape of 11-year-old girl in Upleta, Rajkot, girl's mother lodged a police complaint
શર્મનાક /
સુરતમાં ફાંસીની સજા સંભળાવાઇ ત્યાં રાજકોટમાં બની હચમચાવી દેનારી ઘટના, નરાધમે 11 વર્ષની બાળકીને પીંખી
Team VTV06:22 PM, 16 Dec 21
| Updated: 06:26 PM, 16 Dec 21
ઉપલેટામાં 11 વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ તો રાજકોટના નવાગામ પાસે સગીરે દુકાનમાં પુરીને 8 વર્ષ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું
ઉપલેટામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ
બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
ફરી એક વખત ગુજરાત શર્મશાર થયું છે. ફરી એક વખત ગુજરાતની દીકરી નરાધમોની હવસનો શિકાર બની છે. આજે રાજકોટમાં 2 દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે. ઉપલેટામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ તો રાજકોટના નવાગામ પાસે 8 વર્ષની માસૂમ બાળકી દુષ્કર્મનો ભોગ બની છે.
11 ડિસેમ્બરે બાળકીનું થયુ હતુ અપહરણ
રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થતાં સમગ્ર પંથકમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અજાણ્યા શખ્સે 11 ડિસેમ્બરે બાળકીનું અપહરણ કર્યું હતું. જેમાં બહાર લઇ જવાની લાલચ આપીને શખ્સે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.પીડિત બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસ દોડતી થઈ છે. ધોરાજી CPI જે. બી.કરમુરે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના નવાગામ પાસે 8 વર્ષ બાળકી સાથે દુષ્કર્મ
રાજકોટમાં અન્ય એક જગ્યાએ પણ 8 વર્ષની બાળકી પીંખાઈ છે. નવાગામ પાસે સગીરે દુકાનમાં પુરીને 8 વર્ષ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી દુકાને ડિટરજન્ટ પાવડર લેવા ગઈ હતી. જેનો લાભ ઉઠાવી સગીરે દુકાનમાં જ બાળકી સાથે કૃત્ય કર્યું હતું.સમગ્ર મામલે કુવાડવા પોલીસે ફરીયાદ નોંધી તપાસ મહીલા પોલીસ સ્ટેશનને સોંપી છે.
સુરત પાંડેસરા દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા
સુરત પાંડેસરા કેસમાં બાળકી સાથે દુષકર્મ બાદ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે, પોક્સો સ્પેશિયલ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો ત્યારે કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 10 ડિસેમ્બરે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો ત્યારે કોર્ટ આજે આરોપીને સજા સંભળાવી છે. કોર્ટે આરોપીને ફાંસી સજા જાહેર કરતા સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. સુરતમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. પાંડેસરામાં પાડોશમાં રહેતો દશરથ બૈસાણે બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ બાદ બાળકીના માથામાં ઈંટના ઘા મારીને તેની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. આ ઘટના 7 ડિસેમ્બરે 2020ના રોજ બનેલી ઘટનામાં 15 જ દિવસમાં જ પોલીસે પુરાવાઓ એકત્રિત કરી કોર્ટમાં 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસ તપાસમાં બાળકીના શરીર પર 49 જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા. જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે કડકમાં કડક સજા ફટકારતાં બાળકી સાથે દુષકર્મ બાદ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.