Notification issued by the Union Home Ministry regarding Indian citizenship
નાગરિકતા કાયદો /
આ 3 દેશોના લઘુમતી સમુદાયના લોકો ગુજરાતના આ 4 જિલ્લામાં રહેતા હોય તો, નાગરિકતા માટે કરી શકશે અરજી
Team VTV12:05 AM, 29 May 21
| Updated: 12:21 AM, 29 May 21
બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના 6 લઘુમતી સમુદાયોના શરણાર્થીઓને ભારતની નાગરિકતા સર્ટિફિકેટની મંજૂરી આપવા માટે ગુજરાત સહિત 5 રાજ્યના 13 જિલ્લા કલેકટરોને સત્તા આપી
ગુજરાતમાં વસતા અન્ય દેશના લોકોને મળશે ભારતની નાગરિકતા
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના માઈનોરિટી લોકોને મળશે નાગરિકતા
જિલ્લા કક્ષાએ કલેક્ટર અને રાજ્યકક્ષાએ સચિવ આપી શકશે નાગરિકતા
કેન્દ્રીય ગૃહમંત્રાલયે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા 6 લઘુમતી સમુદાયોના શરણાર્થીઓને નાગરિકતા સર્ટિફિકેટની મંજૂરી આપવા માટે ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના 13 જિલ્લા કલેકટરોને સત્તા આપી.
ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા ઓર્ડર જાહેર કરાયો છે. જેમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં માઈનોરિટી ગણાતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખિસ્ત્રી ધર્મના લોકો જે ભારતમાં રહે છે તેમની માટે છે. આ 3 દેશના લઘુમતી સમુદાયના લોકો જે ઓર્ડર પ્રમાણે જાહેર કરાયેલા ભારતના 13 જિલ્લામાં રહે છે તો તેઓ સિટીઝનશીપ કે સર્ટિફિકેટ ઓફ નેચરલાઈઝેશન માટે અરજી કરી શકશે.
દેશના આ 18 જિલ્લાઓમાં ગુજરાતના મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરા એમ 4 જિલ્લાનો ઉલ્લેખ કરાયો છે. આ શહેરમાં વસવાટ કરતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની માઈનોરિટી સમુદાયના લોકો જે તે જિલ્લાના કલેક્ટર ભારતિય નાગરિકતા આપી શકશે. તેના માટે અરજદારે ઓનલાઈન અરજી કરવી પડશે. જેની ચકાસણી કર્યા બાદ કલેક્ટર કે સેક્રેટરી તેઓને ભારતીય નાગરિકતા આપી શકશે. તમામ અરજીઓ અંગે કલેક્ટર અથવા સેક્રેટરીએ કેન્દ્ર સરકારના જે તે વિભાગને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આ ઓર્ડરને CAA સબંધિત કે તેની સાથે કોઈ લેવા દેવા નથી.
અગાઉ પણ આ રીતે કામગીરી થઈ ચૂકી છે
આ પહેલા 2018માં ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હીના અન્ય 16 જિલ્લા કલેકટરોને પણ આ સત્તા અપાઈ હતી. આ કામગીરી CAAને લગતી નથી. આ એવા વિસ્થાપિતો માટે છે જેમણે કુદરતી નાગરિકતા એટલે કે સીટીઝનશિપ બાય નેચરલાઇઝેશન પ્રમાણે નાગરિકતા માંગી છે અને ભારતમાં લાંબા ગાળાના અથવા અન્ય કોઈ પ્રકારના વિઝા સાથે પ્રવેશ કર્યો છે.
દેશના અલગ-અલગ રાજ્યમાં 13 જિલ્લાઓમાં થશે કામગીરી
ગુજરાત સહિત 5 રાજ્યના અલગ અલગ જિલ્લામાં આ કામગીરી કલેક્ટરો દ્વારા કરાશે.
ગુજરાતના મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરાનો સમાવેશ છે
છત્તીસગઢના દુર્ગ અને બલોદબજાર
રાજસ્થાનના જાલોર, ઉદયપુર, પાલી, બારમેર અને શિહોર
હરિયાણામાં ફરિદાબાદ
પંજાબમાં જલંધર જિલ્લા સહિત કુલ 13 જિલ્લાઓનો સમાવેશ કર્યો છે.
અધિકારીઓ અરજી અંગે આ રીતે કરશે કામગીરી
જે તે વ્યક્તિની અરજી બાદ કલેક્ટર અથવા સેક્રેટરી પોતાની મુજબ તપાસ કરી શકશે. સાથે જે તે વ્યક્તિ વિશેની વધુ માહિતી માટે અન્ય સરકારી સંસ્થાઓની મદદ પણ લઈ શકશે. અને અરજકર્તા વિશે તમામ માહિતીઓ મેળવી શકશે.
નાગરિકતા માટેની અરજી અંગે સમગ્ર તપાસ અને ખરાઈ બાદ જો કલેક્ટર કે રાજ્યકક્ષાએ જે તે સલગ્ન સચિવને યોગ્ય લાગશે. તો રજિસ્ટ્રેશન અથવા ન્યુટ્રેલાઈઝેશન દ્વારા ભારતનું નાગરિકત્વ આપી શકશે.
રજિસ્ટ્રેશન થયાના 7 દિવસની અંદર કલેક્ટર અને સેક્રેટરી જે લોકોને નાગરિક્તાનું સર્ટિફિકેટ આપશે તે ભારત સરકારને પણ મોકલવાનું રહેશે.