Modi Goverment first major decision bjp lok sabha election
ચૂંટણી /
મોદી ફરી સત્તામાં આવશે તો સૌ પ્રથમ લેશે આ 8 મોટા નિર્ણય
Team VTV11:37 PM, 22 May 19
| Updated: 12:00 AM, 23 May 19
દેશમાં ફરી મોદી સરકાર રચાવાના એંધાણ છે. પરિણામને હવે થોડા કલાકો બાકી છે. ત્યારે હવે દેશમાં ફરી મોદી આવશે કે નહીં આવે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતુ જો મોદી સરકાર રચાશે તો આ મહત્વના મુદ્દાઓ પર લઇ શકે છે નિર્ણય.
દેશમાં કોની સરકાર રચાશે તેને લઈ એક્ઝિટ પોલનું પરિણામ આવી ગયું છે. અને એક્ઝિટ પોલના મતે દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની ધમાકેદાર એન્ટ્રી થવાની છે. એવુ પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે, 2014 કરતા પણ વધારે બહુમતિ સાથે મોદી ફરી સરકાર બનાવશે. જો આ રીતે સરકાર બનશે તો મોદી ક્યા મહત્વના નિર્ણય કરશે તેના પર કરીએ એક નજર. જો મોદી સત્તામાં આવે છે તો અનેક મહત્વના મુદાઓ જેના પર નિર્ણય લેવાના બાકી છે તેના પર મોદી નિર્ણય લઈ શકે છે.
બેનામી સંપત્તિ પર તવાઇ!
2014માં કેન્દ્રમાં સ્પષ્ટ બહૂમતિ સાથે મોદી સરકાર બનતા. દેશવાસીઓને એક આશા અને અપેક્ષા મોદીમાં જાગી હતી. કારણ કે મોદીએ 2014 પહેલા તેમના ચૂંટણી કેમ્પેયનમાં બેનામી સંપત્તિ સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. કદાચ આજ મુદ્દાઓને કારણે જનતાએ તેમને ખોબલે ખોબલે મત આપ્યા હતા. તો મોદીએ પણ સત્તામાં આવ્યા બાદ એક બાદ એક અનેક નિર્ણય કર્યા. જેનાથી ગેરકાયદે કે બનાવી સંપત્તિ ધરાવતા લોકો પર તવાઈ આવી. નોટબંધી અને GST જેવા પગલાં ઉઠાવ્યા. જેનાથી લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. તો વિપક્ષે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ક્યાંક લોકોનો પણ થોડો ઘણો વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ મોદી સરકાર પૂરી શક્તિ સાથે આગળ વધી. જો ફરી મોદી તેમની સત્તા જાળવી રાખે અને પૂર્ણ બહૂમતિ આવે તો બેનામી સંપત્તિ ધારકો પર ફરી એકવાર તવાઈ કરી શકે છે. જો મોદી શક્તિથી વર્તે તો કાળુ નાણું પણ મોટા પ્રમાણમાં બહાર આવી શકે છે.
GSTમાં સુધારો
ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સને લઇ હજુ પણ વેપારીઓમાં કન્ફયુઝન છે. ખાસ કરીને નાના વેપારીઓમાં આ પ્રમાણ વધારે છે. GSTના અલગ અલગ સ્લેબ તથા GST ભરવા માટેની લાંબી લચક ફોર્મ વિધિ આ તમામને કારણે નાના વેપારીઓ ઘણા પરેશાન છે. આ મામલે અનેક વિરોધ પ્રદર્શન પણ થયા છે. વિપક્ષ તો આ મામલે આક્રમક પણ જોવા મળ્યો હતો. સુરતમાં ખાસ કરીને કાપડના વેપારીઓએ GSTની કેટલીક સમસ્યાનો ખુબ વિરોધ કર્યો હતો. જો કે શરૂઆતમાં GSTને લઇ નાના-મોટા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ચૂંટણી પહેલાં સરકાર સતત GST દરોમાં સમીક્ષા કરી લોકોને રાહત આપી હતી. તેમાં કેટલાક અન્ય સુધારા પણ કર્યા. પરંતુ જો ફરી મોદી સરકાર સત્તામાં આવે તો હજુ કેટલાક સુધારા GSTમાં કરવાની જરૂરિયાત છે.
એક દેશ એક ચૂંટણી
ભાજપ છેલ્લા કેટલાક સમયથી એક દેશ, એક ચૂંટણીની માગણી કરી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થાય તેવી માગ ભાજપે કરી છે. આ માટે તમામ મુખ્યમંત્રીઓ, વિપક્ષી નેતાઓને સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સહમતિ બની શકી નથી. ભાજપ તો આ મામલે ચૂંટણી પંચ સમક્ષ પણ ગયું હતું. ભાજપના મતે એક સાથે ચૂંટણી કરવામાં આવે તો ખર્ચમાં ઘટાડો આવે. દેશની તિજોરી પર ભાર ઓછો પડે. કારણ કે ચૂંટણીની પ્રક્રિયા ખુબ જ ખર્ચાળ અને લાંબી હોય છે. સાથે જટિલ પણ હોય છે. તેથી જો એક સાથે ચૂંટણી યોજાય તો ખર્ચની સાથે સમયની પણ બચત થાય. અત્યાર સુધી તો એક દેશ એક ચૂંટણીની વાત બની નથી. પરંતુ મોદી ફરી સ્પષ્ટ બહૂમતિ સાથે સત્તામાં આવે તો આ મામલે કંઈક કરી શકે છે.
NRCના મુદ્દે થઇ શકે છે કોઇ નિર્ણય
નોર્થ ઈસ્ટનો જો કોઈ મહત્વનો મુદ્દો હોય તો તે NRCનો મુદ્દો છે. આ મુદ્દાને ભાજપ જોરશોરથી ઉઠાવી રહ્યું છે. આ ચૂંટણીમાં પણ ભાજપ પોતાના આ મુદ્દાને વળગી રહ્યું હતું. અને ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વોત્તરમાં NRCનો મુદ્દો આ વખતે ચૂંટણીમાં છવાયેલો હતો. અસમ-અરૂણાચલ પ્રદેશમાં જે રીતે વિરોધ છતાંય ભાજપ આ મુદ્દાને વળગી રહ્યું. ભાજપે NRCને આખા દેશમાં લાગૂ કરવાનું વચન આપ્યું છે. એવામાં એક્ઝિટ પોલના પરિણામ જો સાચા સાબિત થયા તો નવી કેદ્ર સરકાર તેને હકીકતમાં બદલી શકે છે.
કોમન સિવિલ કોડ
દરેક નાગરિક માટે એક જ કાયદાનો મુદ્દો ભાજપ ઘણા સમયથી ઉઠાવી રહ્યું છે. અને દેશમાં તમામ નાગરીકો માટે એક જ કાયદો હોવો જોઈએ તેવી માગ કરી રહ્યું છે. કોઈ પણ સમાજને ધર્મ આધારિત સ્વતંત્રતા કે પછી તેના ધાર્મિક કાયદાની જગ્યાએ માત્ર બંધારણનો કાયદો ચાલશે. .આ કાયદા અન્વયે દરેક પરિવારમાં બે બાળકો, લગ્ન, સંપત્તિના અધિકાર નિયમતિ કરાવી શકે છે. જો મોદી ફરી દેશમાં ઝળહળતી સફળતા સાથે સત્તામાં આવે તો કોમન સિવિલ કોડ પર આગળ કામ કરી શકે છે.
આતંકવાદનો સફાયો
આપણો દેશ વર્ષોથી આતંકવાદનો શિકાર બનતો રહ્યો છે. દેશમાં જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો તે આતંકવાદની છે. પાડોશી દેશ પાકિસ્તાન પેરિત આતંકવાદ વર્ષોથી ભારતને દઝાડતો રહ્યો છે. ભારતમાં અનેક નિર્દોષોના લોહી વહ્યા છે. ખાસ કરીને કશ્મીર જેવા રાજ્યોમાં આતંકવાદે માઝા મુકી દીધી છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવો એક મોટો પડકાર છે. પરંતુ જો ઉચિત કાર્યવાહી થાય તો આતંકથી દેશવાસીઓને થોડી રાહત મળી શકે. આતંકવાદને લઇ મોદી સરકાર બિલકુલ સતર્ક છે. 282 બેઠકોના દમ પર જ ભાજપની સરકારે પાકિસ્તાનની વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું હતું. તે સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી એર સ્ટ્રાઇક. એક્ઝિટ પોલના મતે જો ભાજપ ફરીથી સત્તામાં આવે છે તો પાકિસ્તાનની વિરૂદ્ધ આકરા નિર્ણય લઈ શકે છે. અને આતંકનો ખાત્મો બોલાવવા આગળ નિર્ણય કરી શકે છે.
ટ્રિપલ તલાક
મુસ્લિમ મહિલાઓને હક અપાવાની વાત કરી ભાજપે સંસદમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું. જેમાં પોતાની પત્નીઓને ત્રણ વખત તલાક બોલી છૂટાછેડા આપનારા મુસ્લિમ પુરુષોની વિરૂદ્ધ એક્શન લેવાની વાત હતી. ભાજપ આ બિલને લોકસભામાંથી તો પસાર કરાવી ચુક્યું છે. પરંતુ રાજ્યસભામાં તે હજુ પારિત થઈ ચુક્યું નથી. દેશમાં મોદી સરકાર બને તો ટ્રિપલ તલાક બિલને પાસ કરાવવાનો સૌથી મોટો પડકાર મોદી સરકાર સામે રહેશે.
કલમ 370 અને 35-A
જમ્મુ કશ્મીરમાં કલમ 370 અને 35Aની કલમ હટાવવાની તૈયારી મોદી સરકાર ઘણા સમયથી કરી રહ્યું છે. પરંતુ તેમાં સફળતા મળતી નથી. કારણ કે આ બન્ને કલમો હટાવવી કંઈ સહેલી નથી. કાયદાની આંટાઘૂટી અને બંધારળની ઝંઝાળમાં કલમો કંઈ એવી ફસાયેલી છે કે તેને બહાર કાઢી ખતમ કરી દેવી અઘરી છે. તેમ છતાં મોદીએ પોતાના 2014ના ચૂંટણી પ્રચારમાં 370 વિશે મોટા ઉપાડે પ્રચાર કર્યો હતો. આ કલમ પર કંઈક નિર્ણય કરવામાં આવશે તેવા દાવા ઠોક્યા હતા. આ વખતની ચૂંટણી સભાઓમાં પણ મોદી અને અમિત શાહ આ કલમ હટાવવાની વારંવાર વાત સરાજાહેર કરી હતી. RSS અને ભાજપના એજન્ડામાં આ બન્ને મુદ્દા ખુબ મહત્વના માનવામાં આવે છે. તેથી જો ફરી સત્તામાં મોદી સરકાર આવે તો આ બન્ને કલમો હટાવવાનો મોટો પડકાર હશે.