Google Picks Air Force's Video Game To Compete For Best Game 2019
ગેમ /
ગૂગલે એરફોર્સની વીડિયો ગેમ ‘ઈન્ડિયન એરફોર્સ: અ કટ અબૉવ’ને ‘બેસ્ટ ગેમ-2019’ તરીકે પસંદ કરી
Team VTV07:18 PM, 19 Nov 19
| Updated: 07:31 PM, 19 Nov 19
ટેક જાયન્ટ ગૂગલે ‘યુઝર્સ ચૉઈસ ગેમ’ કેટેગરીમાં ઈન્ડિયન એરફોર્સ (ભારતીય વાયુસેના)ની વીડિયો ગેમ ‘ઈન્ડિયન એરફોર્સ : અ કટ અબૉવ’ને પસંદ કરી છે. એરફોર્સે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ વર્ષના ‘યુઝર્સ ચૉઈસ ગેમ’માં જીતાડવા માટે આ 3-ડી મોબાઈલ વીડિયો ગેમ માટે વોટ કરવાની અપીલ કરી છે.
ગૂગલે ‘યુઝર્સ ચૉઈસ ગેમ’ કેટેગરીમાં ઈન્ડિયન એરફોર્સ ગેમ પસંદ કરી
ઈન્ડિયન એરફોર્સ વિશે જાણવા આ ગેસ લોન્ચ કરાઈ હતી
ઈન્ડિયન એરફોર્સ વિશે જાણવા અને તેમાં જોડાવા માટે વાયુસેનાના પ્રમુખ બી.એસ. ધનોવાએ આ વીડિયો ગેમ ગત 31 જુલાઈના રોજ લૉન્ચ કરી હતી. 20 જુલાઈએ આ ગેમનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરે આ ગેમના સિંગલ પ્લેયર મૉડ પર ફોકસ કર્યું હતું. આ એરફાઈટમાં ફાઈટર પ્લેનને દેખાડવામાં આવ્યા હતા. બાદમાં આ ગેમનો મલ્ટીપ્લેયર મૉડ પણ લૉન્ચ કરવામાં આવ્યો હતો.
આ વીડિઓ ગેમ એન્ડ્રૉઈડ અને iOSને સપોર્ટ કરે છે
આ વીડિઓ ગેમ એન્ડ્રૉઈડ અને iOS (આઈઑએસ) બંને ઑપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોન પર રમી શકાય છે. તેમાં યુઝર્સ તેજસ, રાફેલ, મિરાજ-2000, સુખોઈ-30 એસયુ-30 જેવા ભારતીય વાયુસેનામાં સામેલ ફાઈટર એરક્રાફ્ટની પસંદગી કરી શકે છે. આ ગેમમાં પણ પબજી (PUBG)ની જેમ જ યુઝર ટીમ બનાવીને મલ્ટીપ્લેયર મૉડમાં રમી શકે છે. તેના મલ્ટીપ્લેયર વર્ઝનમાં ટીમ બેટલ્સ અને ડેથમેચ જેવા મૉડ આપવામાં આવ્યા છે.
યુઝર ગેમના હીરો તરીકે વિંગ કમાન્ડર અભિનંદનના કેરેક્ટરને પસંદ કરી શકે છે
આ વીડિયો ગેમમાં બાલાકોટ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને ફીચર કરવામાં આવ્યા છે. યુઝર ગેમના હીરો તરીકે વિંગ કમાન્ડર અભિનંદનના કેરેક્ટરને પસંદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય સેના તરફથી પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકવાદી કેમ્પો પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની એફ-16 વિમાનોએ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી.
ભારતના બહાદુર પાઈલટ અભિનંદન વર્તમાને પાકિસ્તાની વિમાનોનો પીછો કર્યો હતો અને એક એફ-16 પ્લેનને તોડી પાડ્યું હતું, પરંતુ, આ પરાક્રમ દરમિયાન તેમનું વિમાન પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં ક્રેશ થયું હતું. તેઓ ઈજેક્ટ કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના વિસ્તારમાં પડ્યા હતા, જ્યાં પાકિસ્તાની સૈનિકોએ તેમને પકડી લીધો હતો. જોકે ભારત અને આંતરરાષ્ટ્રીય દબાણ બાદ પાકિસ્તાને અભિનંદનને ભારતને હવાલે કરવા પડ્યા હતા.