foreign tourists Statue of Unity international flight services Vadodara
તૈયારી /
કેવડિયામાં રેલવે સુવિધા શરૂ થયા બાદ વડોદરાના સાંસદે કહ્યું- હવે વડોદરામાં ટુંક સમયમાં શરુ થશે આ સેવા
Team VTV05:16 PM, 17 Jan 21
| Updated: 05:21 PM, 17 Jan 21
ગુજરાતમાં દેશનું સૌપ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની કેવડિયા માટે 8 ટ્રેનને રવાના કરી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' વાળુ કેવડિયા હવે રેલવે કનેક્ટિવિટી સાથે જોડાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, રેલવે મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા હતા. ત્યારે વિદેશી પ્રવાસીઓનો સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સુધીનો પ્રવાસ વધુ સરળ થશે કારણ કે વડોદરામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરવાની તૈયારી થઇ રહી છે.
વડોદરામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ થશે
દુબઇ, અબુધાબી, શારજાહથી સુધી ફ્લાઇટ થશે શરૂ
વિદેશી પ્રવાસીઓનો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો પ્રવાસ થશે વધુ સરળ
હવે દેશના અનેક શહેરોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું સરળ થયું છે. કારણકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજથી દેશના અન્ય શહેરોને કેવડિયાથી જોડતી રેલવે સેવાનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. અત્યાર સુધી ફક્ત બસ મારફતે કેવડિયા જવાનો વિકલ્પ હતો. પરંતુ હવે નવી શરૂ થયેલી રેલ સેવાએ કેવડિયાથી દેશને જોડી દીધો છે. વડાપ્રધાન મોદી દ્વારા આજે વિવિધ ટ્રેનોને કેવડિયા રવાના કરાઈ હતી. ત્યારે શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી પણ એક ટ્રેન કેવડિયા ખાતે રવાના કરવામાં આવી હતી. સાથે સાથે રેલવે સ્ટેશન ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ, સાંસદ સહિત શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
સાંસદ રંજન ભટ્ટે કહ્યું- દુબઇ, અબુધાબી અને શારજાહથી વડોદરા સુધીની ફ્લાઇટ થશે શરૂ
મહત્વનું છે કે આજે જ્યારે દેશને કેવડિયા સાથે રેલવેના માધ્યમથી જોડવામાં આવ્યો છે. ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટએ નિવેદન આપતા જણાવ્યું હતું કે રેલવે બાદ હવે વડોદરા ખાતે ઇન્ટરનેશનલ ફલાઇટ સેવા પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાલ રનવે નાનો હોવાથી યુરોપિયન કન્ટ્રી જેવા મોટા અને લાંબા અંતરની ફલાઇટ શરૂ નહીં કરાય પરંતુ ગલ્ફ કન્ટ્રી જેવા કે દુબઇ અબુધાબી, શારજહાં જેવા ટૂંકા અંતરના અરબી દેશોની ફલાઇટ ટુક સમયમાં શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાના કારણે ઇમિગ્રેશન પ્રક્રિયામાં થોડું મોડું થયું છે, પરંતુ વહેલામાં વહેલી તકે નાગરિકોને ઇન્ટરનેશનલ ફલાઇટની ભેટ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આજથી 6 રાજ્યમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ટ્રેન
આજથી PM મોદી દ્વારા કેવડિયા માટે 8 ટ્રેનોનું ઈ-પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. અમદાવાદ, દિલ્હી, ચેન્નઇ, વારાણસી સાથે રેલ કનેક્ટીવિટી શરૂ થઇ છે. તો દાદર, રેવા, પ્રતાપનગરથી રેલ સેવા શરૂ છે. કેવડિયાથી બે મેમુ ટ્રેન સેવાનો આજથી પ્રારંભ થયો છે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે.