Dhananjay Raval from ahmedabad ankur hobby center is doing tremendous job since 38 years in gujarati
હું છું ગુજરાતી /
આને કે'વાય સાચો પ્રેમ! NASA-ISRO માટે કામ કરનાર આ અમદાવાદી ભંગારની વસ્તુઓથી વિજ્ઞાન સમજાવે છે
Team VTV02:23 PM, 09 Feb 22
| Updated: 02:00 PM, 13 Aug 22
અમદાવાદમાં રહેતા ધનંજયભાઈ રાવલે Ankur hobby center નામનું એક એવું સેન્ટર બનાવ્યું છે કે જ્યાં વિજ્ઞાનના અઘરા લગતા કોન્સેપ્ટસ સાવ સરળતાથી સમજાવવામાં આવે છે. તેમના જીવનનો સંઘર્ષ સાંભળીને આંખમાંથી આંસુ આવી જશે.
અમદાવાદમાં રહે છે એક પેશનેટ વિજ્ઞાનપ્રેમી
જેમણે એક એવું હોબી સેન્ટર શરૂ કર્યું કે જ્યાં ભંગારના સમાનમાંથી વિજ્ઞાન સમજાવી શકાય
તેમણે સાબિત કરી બતાવ્યું કે શા માટે ભારતના વૈજ્ઞાનીકોને દુનિયા આખી પોંખે છે
પેશન એટલે શું? એક જનૂન. એક બળબળતી આગ. જેના માટે માણસ એના તમામ શોખ, ભૂખ, તરસ અને આશરો એ બધું જ છોડવા માટે તૈયાર થઈ જાય!
એક એવી આગ જેમાં તપીને માણસ સો ટચનું સોનું બનીને બહાર નીકળે છે.
છેલ્લા 38 વર્ષથી કરે છે વિજ્ઞાનની સેવા
વિજ્ઞાન કહે છે કે બ્રહ્માંડમાં સુર્ય કરતાં પણ વધારે તેજસ્વી તારલાઓ છે. પણ ઘણાં બધા તારાઓ નજર સામે આવ્યા વગર પણ પોતાનું કામ કરતાં રહે છે. સતત ઝળહળતાં રહીને પોતાનું અજવાળું પથરતાં રહે છે. અમદાવાદમાં રહેતાં ધનંજયભાઈ પણ આવા જ એક તેજસ્વી વિજ્ઞાનપ્રેમી છે. જે છેલ્લા 38 વર્ષથી સતત તપતા રહીને વિજ્ઞાનની સેવા કરતાં રહ્યા છે.
એક અનોખુ હોબી સેન્ટર જ્યાં વિજ્ઞાન બોરિંગ નહીં ઇન્ટરેસ્ટિંગ લાગે છે
તેમણે વિજ્ઞાનનું એક એવું હોબી સેન્ટર શરૂ કર્યું કે જ્યાં વિજ્ઞાનને પ્રયોગો દ્વારા, સરળ ભાષામાં, અને બિલકુલ ઓછા ખર્ચે સમજાવવામાં આવે છે. જ્યાં માત્ર 10 રૂપિયાના ખર્ચે ન્યૂટનનો આઘાત-પ્રત્યાઘાતનો નિયમ સમજાવવામાં આવે છે. જ્યાં માત્ર 50 રૂપિયાના સાધનો વડે મેગ્નેટિક ફિલ્ડ અને ગ્રેવીટી સમજાવવામાં આવે છે. અને જ્યાં માત્ર 100 રૂપિયાનાં ખર્ચમાં તો આખા બ્રહ્માંડનું દર્શન કરાવવામાં આવે છે.
અંકુર હોબી સેન્ટર એટલે ધનંજયભાઈએ જીવી બતાવેલું ઝળહળતું સ્વપ્ન. એમના અથાક પરિશ્રમની પ્રક્રિયામાંથી મળેલ એક અદભૂત નીપજ. અહીં વિજ્ઞાન ભણવું એ બોરિંગ નહીં પણ ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
પોતે અભ્યાસે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે ધનંજયભાઈ
ભારતના એન્જિનિયર્સની આજે દુનિયાભરમાં બોલબાલા છે. ચાહે તે માઇક્રોસોફ્ટના સુંદર પિચઇ હોય કે ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ. પણ કેટલાક એન્જિનિયર્સ એવા પણ છે કે જેમણે દેશમાં રહીને વિજ્ઞાનની એવી સેવા કરી છે કે તેમના માટે તો નોબેલ પ્રાઇઝનું સન્માન પણ ઓછું પડે!
ધનંજયભાઈ પણ અભ્યાસે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને તેમનું કામ વિદ્યાર્થીઓના જીવનમાં વિજ્ઞાનનું અજવાળું કરવાનું છે.
બધુ છોડીને પણ વિજ્ઞાનને પ્રેમ કર્યો
આપણાં સમાજમાં એન્જીનીયર હોવું એ પોતે જ એક સ્ટેટ્સ સિમ્બોલ છે. ડૉક્ટર કે એન્જીનીયર હોવું એ એક સલામત અને સમૃદ્ધ વ્યવસાય માનવામાં આવે છે. પણ ધનંજયભાઈએ આ સલામત રસ્તો છોડીને એક એવો રસ્તો પસંદ કર્યો કે જે સાંભળીને કોઈ પણ કહી દે કે, ખરો ધૂની છે આ માણસ!
અંકુર હોબી સેન્ટરની સ્થાપના કર્યા બાદ ધનંજયભાઈએ જે ત્યાગ અને પરિશ્રમ વેઠ્યો છે એ અભૂતપૂર્વ છે.