કેરળ અને ગુજરાત સહિત ચાર રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા જે રીતે વધી રહી છે તે ખૂબ ચિંતાજનક છે. જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયુ છે.
દેશમાં કોરોના ફરી એક વાર વેગ પકડવા લાગ્યો
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવતા ચિંતા
કેરળ અને ગુજરાત સહિત ચાર રાજ્યમાં ચિંતાજનક સ્થિતિ
દેશમાં કોરોના ફરી એક વાર વેગ પકડવા લાગ્યો છે. ખાસ કરીને કેરળ અને ગુજરાત સહિત ચાર રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા જે રીતે વધી રહી છે તે ખૂબ ચિંતાજનક છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૨૪૯ નવા કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને આઠ હજારની નજીક એટલે કે ૭,૯૨૭ થઈ ગઈ છે. કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાના કારણે એક-એક દર્દીનું મોત થવાથી મૃત્યુઆંક વધીને ૫,૩૦,૮૧૮ થયો છે.
કોવિડ-૧૯નો રિકવરી રેટ ૯૮.૭૯ ટકા
દેશમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં કોરોનાના નવા કેસમાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ ૧.૯ ટકા છે, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ ૧.૧૪ ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૪૯ નવા કેસ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને હવે ૪,૪૭,૦૦,૬૬૭ થઈ ગઈ છે. તેની સામે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪,૪૧,૬૧,૯૨૨ સંક્રમિતો કોરોનાથી મુક્ત પણ થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર એક્ટિવ કેસ કુલ કેસના ૦.૦૨ ટકા જેટલા છે, જ્યારે કોવિડ-૧૯નો રિકવરી રેટ ૯૮.૭૯ ટકા નોંધાયો છે.
૨૪ કલાકમાં દેશભરમાં કુલ ૧,૦૫,૩૧૬ સેમ્પલનું ટેસ્ટિંગ
છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કુલ ૧,૦૫,૩૧૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે અત્યાર સુધીમાં કુલ ૯૨.૦૭ કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. કોરોનાનો મૃત્યુદર ૧.૧૯ ટકા છે. દેશમાં દૈનિક કોવિડ કેસમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે તેની પાછળ ઓમિક્રોનનો XBB.1.16 સબ-વેરિઅન્ટ જવાબદાર છે, જોકે હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં કોઈ વધારો થયો નથી.