contempt of court hearing gujarat high court slams amc over road cattle
ઝાટકણી /
બિસ્માર રોડ મુદ્દે HCનો ઠપકો, કહ્યું- રોડ-રસ્તા અને ઢોરથી લોકો પરેશાન, AMCનો જવાબ- 'બજેટ નથી'
Team VTV10:49 PM, 07 Dec 21
| Updated: 10:56 PM, 07 Dec 21
ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2018માં બિસ્માર રોડ મુદ્દે થયેલી જાહેર હિતની અરજી પર કોર્ટે આપેલા આદેશનું પાલન ન થતા કન્ટેમ્પ્ટની અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે રખડતા ઢોર, દબાણ અને બિસ્માર રોડ મુદ્દે અમદાવાદ મનપાની ઝાટકણી કાઢી હતી. ત્યારે મનપાએ ચોંકાવનારો જવાબ આપ્યો હતો.
અમદાવાદ શહેરના ખરાબ રસ્તા પર HCમાં સુનાવણીનો મામલો
શું તમને જરાપણ એવું નથી થતું કે આપણે કેવા રોડ રાખીએ છીએ? : હાઈકોર્ટ
રસ્તા રિપેર કરવા, ઢોર હટાવવા માટે નથી બજેટઃ અમદાવાદ મનપા
અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ અને રખડતા ઢોર મુદ્દે કોર્ટના આદેશના તિરસ્કાર બદલ હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. શહેરમાં રોડની સ્થિતિ પર કોર્ટે મનપાની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સાયન્સ સિટી બ્રિજ નીચેના તૂટેલા રોડ મુદ્દે કહ્યું હતું કે, શું તમને થોડુંક પણ એવું નથી થતું કે, આપણે કેવા રોડ રાખીએ છીએ? ચાલો આપણે રોડની સ્થિતિ સાથે જોવા જઈએ. હાઇવે અને શહેરના જુદા જુદા રોડ વિશે કોર્ટે પૂછ્યું હતું કે, કયા રોડની જવાબદારી કોની હોય છે તે પણ જણાવો. સુનાવણી દરમિયાન અમદાવાદ મનપાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારી અને ટ્રાફિક પોલીસ પણ હાજર રહ્યા હતા.
કાગળ ઉપર નહીં રસ્તા ઉપર કામ બતાવોઃ ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મનપાની ઝાટકણી કાઢતા કહ્યું કે કાગળ ઉપર નહીં રસ્તા ઉપર કામ બતાવો. તૂટેલા રોડથી જનતા પીડાય છે. રખડતા પશુઓ હજુ પણ રસ્તા પર જોવા મળે છે. જ્યારે તમારી કામગીરી માત્ર સોગંદનામામાં જ નજરે પડે છે. AMC દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામાથી અનેક સવાલ થઈ રહ્યા છે. અમદાવાદમાં રોડ રસ્તા અને ઢોરની પરેશાનીના કારણે જનતા પરેશાન છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કાગળ પર દાવા કરવામાં આવતા હતા. ત્યારે હવે AMCના જવાબથી અનેક સવાલ થઈ રહ્યા છે.
રસ્તા રિપેર કરવા, ઢોર હટાવવા માટે નથી બજેટઃ અમદાવાદ મનપા
ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ચોંકાવનારો જવાબ આપ્યો છે. રસ્તા અને પશુ હટાવાને લઇ અમદાવાદ મનપાએ કહ્યું કે કોરોના બાદ રસ્તાની કામગીરી કે ઢોર હટાવવા માટે અમારી પાસે બજેટ નથી.
અમદાવાદ મહાનગર પાલિકાની વિગતો
મનપા રોડ કોન્ટ્રાક્ટર
અંજની ઇન્ફ્રાસ્ટક્ચર
નરનારાયણ ઇન્ફ્રાસ્ટક્ચર
એન.સી.સી. ઇન્ફ્રાસ્ટક્ચર
આર.કે.સી. ઇન્ફ્રાસ્ટક્ચર
વિમલ કન્ટ્રક્શન
મારુતિ ઇન્ફ્રાક્રિએશન
2021 ચોમાસા બાદ રોડ રિસરફેસનું બજેટ રૂ.250 કરોડ
132 રોડ બન્યા
234 જેટલા રોડ બાકી
366 રોડ બનવવાનું હતું પ્લાનિંગ
અમદાવાદ શહેરના રોડ રસ્તા ગામડાઓ જેવાઃ ગ્યાસુદ્દીન શેખ
હાઇકોર્ટના AMC પર કડક વલણ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, અમદાવાદ શહેરના રોડ રસ્તા ગામડાઓ જેવા છે. મનપા બહાના કાઢવા અને બણગા ફૂંકવાનું કામ કરે છે. અમદાવાદની જવાબદારી બિન અનુભવી લોકો પાસે છે. ભાજપના નવા હોદ્દેદારોને વહીવટી તંત્ર ગાંઠતુ નથી. નવરાત્રી બાદ રસ્તાઓ બનાવવાનું કહેવાયુ હતું.