Wednesday, July 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / ત્રણ રાજ્યોમાં ભાજપનાં મજબૂત આધારને તોડવામાં શું કોંગ્રેસ નિષ્ફળ?

ત્રણ રાજ્યોમાં ભાજપનાં મજબૂત આધારને તોડવામાં શું કોંગ્રેસ નિષ્ફળ?

માત્ર પાંચ મહિના પહેલાં જ ત્રણ મુખ્ય હિંદી ભાષી રાજ્યો- મધ્યપ્રદેશ, રાજસ્થાન અનેે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી થઇ હતી અને કોંગ્રેસ ત્રણેય રાજ્યોમાં ભાજપ પાસેથી સત્તા છીનવી લેવામાં કામિયાબ રહી હતી. ત્રણેય રાજ્યોમાં વિજયી બન્યા બાદ કોંગ્રેસે માત્ર જૂજ કલાકોમાં ખેડૂતોના દેવાં માફીની જાહેરાત પણ કરી દીધી હતી અને આમ આ ત્રણેય રાજ્યોમાં પ્રજાજનોને નવી કોંગ્રેસ સરકારો પાસેથી મોટી આશા અને અપેક્ષાઓ જાગી હતી.

BJP

 

જો કે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે આ ત્રણેય રાજ્યોના પ્રજાજનોનો નવી કોંગ્રેસ સરકાર પાસે જે અપેક્ષાઓ હતી તે ફળીભૂત થઇ નથી અને આમ કોંગ્રેસ સરકાર પર લોકોનો ભ્રમ ભાંગી ગયો છે. આ ત્રણ રાજ્યો પૈકી મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ છેલ્લાં ૧પ વર્ષથી સત્તારૂઢ હતો, પણ હવે આ ત્રણેય રાજ્યોમાં સ્થિતિ બદલાતી નજરે પડી રહી છે.

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભલે અગાઉ કરતાં મજબૂત દેખાઇ રહી હોય, પરંતુ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ ભાજપના મજબૂત આધારને તોડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ દેખાઇ રહી છે. કોંગ્રેસ સરકાર પર પ્રજાનો ભ્રમ ભાંગી જવાનાં ઘણાં કારણો છે. એક કારણ વિધાનસભા અને લોકસભા ચૂંટણી અલગ અલગ મુદ્દા અને આધાર પર લડવાનું હોવાનું માનવામાં આવે છે.

બીજી એક દલીલ એવી પણ રજૂ કરવામાં આવી રહી છે કે છત્તીસગઢને બાદ કરીએ તો બાકીના બંને રાજ્યોમાં એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી અને તેથી આટલી જલદી ભાજપનો સફાયો થવાનો સવાલ જ ઊભો થતો નથી. રાજકીય નિષ્ણાતોનું એવું માનવું છે કે કોંગ્રેસને રાજ્યમાં સત્તારૂઢ થયાને બહુ સમય થયો નથી અને તેવામાં રાજ્યના લોકો કોંગ્રેસ પાસેથી વધુ સારા દેખાવ અને કામગીરીની આશા રાખે તે જરા વધુ પડતું છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લઇને સત્તાવિરોધી લહેર હતી, જે લોકસભાની ચૂંટણી આવતાં આવતાં લગભગ ખતમ અને ખલાસ થઇ ગઇ છે. કોંગ્રેસને જે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે તેનું મોટું કારણ આ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ભાજપે સત્તા વિરુદ્ધના આક્રોશથી બચવાની રણનીતિ પર વિધાનસભા ચૂંટણી દરમિયાન જ કામ શરૂ કરી દીધું હતું.

રાજસ્થાનમાં ત્યારે સત્તાવાર એક નારો ચાલ્યો હતો- મોદી તુજસે બૈર નહીં, વસુંધરા તેરી ખૈર નહીં. ભાજપ આ નારા દ્વારા સમગ્ર આક્રોશ વસુંધરા રાજે તરફ વાળવામાં સફળ રહ્યો છે. આ ઉપરાંત વિધાનસભાના પરિણામો આવ્યા બાદ ભાજપે અને ખાસ કરીને સંઘે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર માહોલ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

અહેવાલો અનુસાર ભાજપના અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન અને છત્તીસગઢમાં પક્ષના કાર્યકરોને ડિસેમ્બરથી જ ચૂંટણી તૈયારીમાં લાગી જવાના સંકેેત આપ્યા હતા. આમ પણ આ હિંદી ભાષી ત્રણેય રાજ્યોમાં ભાજપનો આધાર મજબૂત છે. તેના પર હવે મોદી ફેકટરની પણ અસર જોવા મળી રહી છે. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ જે માહોલ ઊભો થયો હતો તેના પગલે હવે રાષ્ટ્રવાદ જેવા મુદ્દાઓ ચૂંટણીમાં એક ફેકટર બનીને હાવિ થઇ રહ્યાં છે. કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર છ માસ કરતાં ઓછા સમયમાં ભાજપનાં મજબૂત સંગઠનને હચમચાવવાનો હતો, પરંતુ આંતરિક વિખવાદ અને સીએમની રેસમાં અનેક ઉમેદવારો હોવાથી તેઓ તેમાં નિષ્ફળ રહ્યાં છે.

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ