China lock down results in no new cases of coronavirus
coronavirus /
ચીને એવું તો શું કર્યું કે ત્યાં કોરોના ઉપર લાગી ગઈ સજ્જડ લગામ? જાણો વિગત
Team VTV04:27 PM, 22 Mar 20
| Updated: 05:42 PM, 22 Mar 20
ચીનથી શરુ થયેલા કોરોનાવાયરસે દુનિયાભરમાં વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. જો કે આશ્ચર્યજનક અને સારા સમાચાર એવા છે કે વુહાન શહેરથી ચાલુ થયેલા અને વિશ્વના કોઈ પણ સ્થળ કરતા સૌથી વધુ ચીનમાં જ તબાહી મચાવનાર કોરોનાવાયરસને ચીને પોતાના દેશમાં સફળતાપૂર્વક કાબૂમાં કરી લીધો છે. ચીનનો દાવો છે કે જો અન્ય દેશો પણ ચીનનો રસ્તો અપનાવશે તો તેઓ પણ કોરોનાવાયરસને કાબૂમાં કરી લેશે. તો આવો જાણીએ ચીને એવું તો શું કર્યું કે કોરોનાવાયરસ પર આટલુ નિયંત્રણ મેળવી શકાયું.
આશરે ૮૦૦૦૦ કેસ પછી ચીને વાયરસના નવા કેસ ઉપર મજબૂત બ્રેક લગાવી દીધી છે
ચીન છેલ્લા ૨ મહિનાથી કરી રહ્યું છે પ્રયાસ
ડિસેમ્બર ૨૦૧૯થી શરુ થયેલા આ આઉટબ્રેકમાં પ્રથમ વખત ૧૮ અને ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ ચીને જાહેર કર્યું કે ચીનમાં આજથી કોઈ સ્થાનિક કોરોનાવાયરસના કેસ નોંધાયા નથી. હુબેઈ પ્રાંત અને વુહાન શહેરમાં પણ કોઈ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા નથી.
નોંધનીય છે કે હજુ ગયા મહિના સુધી વુહાન અને સમગ્ર ચીનમાં રોજ હજારો નવા કેસીસ નોંધાઈ રહ્યા હતા. આ નિયંત્રણ કાબેલીયેતારીફ છે. આશરે ૮૦૦૦૦ કેસ પછી ચીને વાયરસના નવા કેસ ઉપર મજબૂત બ્રેક લગાવી દીધી છે.
આ પ્રકારના રક્ષાત્મક પગલા હવે યુરોપે તાત્કાલિક લેવાની જરૂર છે જ્યાં ઇટાલીમાં ૫૩૦૦૦ થી વધુ લોકો કોરોના સંક્રમિત છે જેમાંથી તોતિંગ ૪૮૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે. ફ્રાંસ, સ્પેન, જર્મની USA વગેરે દેશોમાં પણ આ સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. નોંધનીય છે કે ચીનના આશરે ૮૦૦૦૦ કેસમાંથી ફક્ત ૩૨૦૦ જેટલા લોકોના મોત થયા છે અને ૭૨૦૦૦ વધુ લોકોને તો કોરોનાવાયરસ મટી ગયો છે. આમ ચીન આ મહામારીથી ઘણું બહાર આવી ગયું છે એમ ચોક્કસ કહી શકાય.
ફેબ્રુઆરીના આંકડાઓ મુજબ વિશ્વમાં ફક્ત ૩૭૫૯૦ કોરોનાવાયરસના પોઝીટીવ કેસ હતા જેમાંથી ૩૭૨૩૦ લોકો ચીનના હતા જયારે ફક્ત ૪૦૦ દર્દીઓ ચીનની બહારના હતા જયારે અત્યારે પરિસ્થિતિ ઉંધી થઇ ગઈ છે.
આ મોટા આંકડાને કાબૂમાં લેવા માટે ચીને તાત્કાલિક લોકડાઉનનું અમલીકરણ શરુ કરી દીધું.
આ લોકડાઉન અને ક્વોરનટાઈનને કારણે આલેખમાં જોઈ શકાય છે તે મુજબ ચીને આંકડાઓને નિયંત્રણમાં લાવી દીધા છે વિશ્વના બીજા દેશો આ ગંભીરતા ન સમજી શક્યા અને ચીન સિવાયના દેશોમાં આ ગ્રાફ કેવી રીતે ઉછળ્યો એનો ચિતાર મેળવી શકાય છે.
નોંધનીય છે કે આ રાતોરાત થયેલું કામ નથી. ચીન છેલ્લા ૨ મહિનાથી આ પ્રયાસ કરી રહ્યું છે.
ચીનના લોકડાઉન
ચીને આપેલ તસ્વીરમાં લાલ રંગમાં જેટલા પણ રાજ્યો દેખાય છે તે તમામ પ્રોવિન્સમાં લોકડાઉન કરી દીધું. નોંધનીય છે કે આ ચીનનો સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહી ટ્રાવેલ અને અવરજવર અને ધંધા વ્યવસાય ઉપર થોડા સમય માટે બ્રેક મારી દેવામાં આવી.
જ્યાંથી આ વાયરસ શરુ થયો તે વુહાનમાં ૨૩ જાન્યુઆરીએ તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હવાઈ યાત્રાઓ બંધ કરી દીધી અને ૧.૫ કરોડની વસ્તી ધરાવતા શહેરને લોક ડાઉન કરી દીધું.
નોંધનીય છે કે ચીનના આ પગલાનો ઘણા દેશોએ માનવ અધિકારોના ભંગ સંદર્ભમાં વિરોધ કર્યો જયારે હકીકતમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લોક ડાઉન ખૂબ જરૂરી છે એમ સાબિત થઇ રહ્યું છે.
પરિસ્થિતિ થાળે પડતા નિયમો કર્યા છે હળવા
અધિકારીક સ્વરૂપે ચીનના થોડા લોક ડાઉનને હળવા કરીને નાગરિકોને થોડું ઘણું બહાર નીકળવાની પરવાનગી અપાય છે. જ્યાં સુધી બે અઠવાડિયા સતત કોઈ નવા કેસ નહિ આવે તો જ આ લોક ડાઉન હટાવવામાં આવશે.
આમ ચીને ક્વોરનટાઈન અને લોક ડાઉનની મદદથી જ આ રોગને મહાત આપી છે. સરકાર દ્વારા ભારતમાં અપાયેલા લોક ડાઉનના આદેશો ખૂબ જરૂરી છે. જો આ લોક ડાઉનનું પાલન થશે તો આપણે પણ ચીનની જેમ આ વાયરસ ઉપર કાબૂ મેળવી લઇશું.