બ્રેકિંગ ન્યુઝ
Malay
Last Updated: 03:08 PM, 14 March 2023
ADVERTISEMENT
અંબાજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી પ્રસાદીને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદમાં ભક્તોની આસ્થાની જીત થઈ છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે અંબાજી મોહનથાળ પ્રસાદ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદ ચાલું રહેશે
અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી બંધ થવા મુદ્દે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં અંબાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો સહિત મંદિરના પૂજારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ સરકારે જાહેરાત કરી છે કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાશે. આ સાથે ચિક્કીનો પ્રસાદ પણ ચાલું રહેશે.
ADVERTISEMENT
માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખીને લેવાયો નિર્ણયઃ ઋષિકેશ પટેલ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે કે અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચિક્કી બંને અપાશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે. મોહનથાળનો પ્રસાદ કોને બનાવવા આપવો આ અંગેનો નિર્ણય મંદિર ટ્રસ્ટ કરશે.
શું છે સમગ્ર મામલો?
અંબાજી મંદિરમાં 4 માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો. મોહનથાળના પ્રસાદને જ કાયમ રાખવા રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર આંદોલનો શરૂ થયાં હતા. વિશ્વ હિન્દુ પરિષદે પણ આંદોલનમાં આક્રમકતાથી ઝંપલાવ્યું હતું. અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરાણા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. તો અંબાજી શહેરમાં મોહનથાળ ફરી શરૂ કરવામાં આવે તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા.
હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ બાબતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરાઈ હતી. 48 કલાક બાદ પણ મોહનથાળ ફરી ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
દાંતા રાજવી પરિવારે પણ કરી હતી માંગ
આ ઉપરાંત સ્થાનિકો અને પૂજારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. વિધાનસભા સત્ર દરમિયાન પણ અંબાજી મંદિર મોહનથાળનો મુદ્દો ઉછળ્યો હતો. વિપક્ષ દ્વારા મંદિરમાં ફરી મોહનથાળ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અંબાજી મંદિરના પૂર્વ ટ્રસ્ટી અને દાંતા રાજવી પરિવારના પરમવીરસિંહે પણ ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી. તેમણે આ અંગે હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ટ્વિટ કરી ફરી મોહનથાળ શરૂ કરવાની માંગ કરી હતી
દાંતાના સ્ટેટ રાજવીએ મોહનથાળ પ્રસાદને ચાલુ કરવાની ફરી માંગ કરી હતી. તેમણે આ મામલે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા હતા. આ ટ્વિટમાં લખ્યું હતું કે, 'સમ્માનનીય વડાપ્રધાન સાહેબ જય માતાજી સાથે વિનંતી કે, અંબાજી શક્તિપીઠ દુનિયામાં જગ વિખ્યાત છે અને ત્યાં મળતો મોહનથાળ પણ 900 વર્ષ અગાઉથી આસ્થા સાથે જોડાયેલ છે તે બંધ કરવો તે યોગ્ય ન હોય આપે હવે હસ્તક્ષેપ કરવો હવે જરૂરી છે. કારણ કે ભક્તોની આસ્થા હવે ખૂટે છે.'
સમ્માનનીય વડાપ્રધાન સાહેબ@narendramodi શ્રી.
— Maharaj Paramveer singh Danta state (@Danta_sarkar) March 9, 2023
જય માતાજી સાથે વિનંતી કે, અંબાજી શક્તિપીઠ દુનિયામાં જગ વિખ્યાત છે અને ત્યાં મળતો મોહનથાળ પણ ૯૦૦ વર્ષ અગાઉ થી આસ્થા સાથે જોડાયેલ છે તે બંધ કરવો તે યોગ્ય ન હોય આપે હવે હસ્તક્ષેપ કરવો હવે જરૂરી છે.
કારણ કે ભક્તો ની આસ્થા હવે ખૂટે છે.
ઋષિકેશ પટેલે આપ્યું હતું નિવેદન
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને ઋષિકેશ પટેલએ મૌન તોડીને કહ્યું હતું કે યાત્રાધામ અંબાજી હિન્દુઓ માટે આસ્થાનું પ્રતિક છે. ઉપવાસના સમયમાં મોહનથાળ લઈ શકાતો નથી. તેમજ મોહનથાળ 10 દિવસ સુધી ચાલે છે. જેની સરખામીએ ચિક્કી 3 મહિના સુધી ચાલી શકે છે. ઉપરાંત ઋષિકેશ પટેલએ કહ્યું હતું કે સ્પેશિયલ પ્રકારનો માવો અને સિંગદાણાથી ચિક્કી બનેલી છે. પ્રસાદ આસ્થાનો વિષય છે મોઢાને સ્વાદિષ્ટ લાગે એના માટેની મીઠાઈ નથી. ઓનલાઈન દર્શન કરનારાને પણ ચિક્કી આપી શકાય તેવું ઋષિકેશ પટેલએ કહ્યું હતું. મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રસાદની ચિક્કી ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી છે તથા 3 માસ જેટલા સમય સુધી ગુણવત્તાયુક્ત રહે છે. આ પ્રસાદની ચિક્કી બજારમાં મળતી સામાન્ય ચિક્કી જેવી નથી. આ પ્રસાદની ચિક્કી આરોગ્યવર્ધક સીંગદાણાના માવામાંથી બનાવવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.