Team VTV08:21 PM, 13 Aug 21
| Updated: 08:21 PM, 13 Aug 21
લુણાવાડાના ઉંદરા ગામે ત્રણ દિવસ પહેલા ચાર માસની બાળકીને ઉંદરા PHC ખાતે રસી મુકાવ્યા બાદ થઈ આડ અસર જોવા મળ્યાનો પરિવારે દાવો કર્યો, જે બાદ બાળકીનું સારવાર દરમિયાન થયું મોત
રસીની આડઅસરથી બાળકીના મૃત્યુનો આક્ષેપ
લુણાવાડાના ઉંદરા ગામની ઘટના
રસી બાદ બાળકીને ખેંચ આવતા થઇ હતી બેભાન
મહીસાગરમાં રસીની આડ અસરથી 4 મહિનાની બાળકીનું મૃત્યુ થયાનો આક્ષેપ લાગ્યો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉંદરા ગામે આ ઘટના સર્જાઈ છે. જ્યાં ત્રણ દિવસ પહેલા ચાર માસની બાળકીને ઉંદરા PHC ખાતે રસી મુકાવ્યા બાદ થઈ આડ અસર જોવા મળ્યાનો પરિવારે દાવો કર્યો છે. રસી મુકાવ્યા બાદ 10 મિનીટમાં ખેંચ આવ્યા બાદ બાળકી બેભાન થયાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. તાત્કાલિક પાછા PHC પર લઈ જતા લુણાવાડા સિવિલ ખાતે રીફર કરાવી હતી.
મહીસાગર સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રીક ન હોવાથી હિંમતનગર સિવિલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન આજે ત્રણ દિવસ બાદ બાળકીનું મોત થયું છે. બાળકીના મૃત્યુને લઈ પરિવારજનો અને ગ્રામજનોએ ઉંદરા PHC ખાતે હોબાળો કર્યો હતો. બાળકીના મૃતદેહને PHC પર જ મૂકી દેવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. ઘટનાને લઈને કોઠંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
બાળકીના પરિવારજને જણાવ્યું કે, પહેલા બે રસી મૂકવામાં આવી હતી. જે બાદ વધુ એક રસી આપી હતી. અને કઈ રસી આપી તેનો ખ્યાલ અમને નથી. આ રસી મૂકાવવા બાદ બાળકીનું બોલવા ચાલવાનું બંધ થઈ ગયું હતું. અમને સારવાર માટે અલગ-અલગ જગ્યાએ ધક્કા ખવડાવ્યા હતા. અમે ત્રણ દિવસ બાળકને લઈ સારવાર માટે દોડતા રહ્યા હતા. જે બાદ બાળકીનું મોત થયું છે. અમે આ અંગે તંત્રને ફરિયાદ કરીશું. અને જવાબદારને સજા મળે તેવી માગણી છે. મહત્વનું છે કે, બાળકોના જન્મ બાદ અલગ અલગ પ્રકારની રસી પીએચસી સેન્ટરમાં મૂકાવવામાં આવે છે. જેમાં ગર્ભ અને જન્મ બાદ પણ કેટલીક રસી હોય છે. ઓરી, બીસીજી, પોલિયોના ટીપા, વગેરે.