બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદ / ડાંગમાં મોરારજી દેસાઈના બોલ પર રોપાયા બીજ, 24 ગુજરાતીઓની છાતી વીંધાણી, 'મોટી કિંમત'માં મળ્યું ગુજરાત

VTV વિશેષ / ડાંગમાં મોરારજી દેસાઈના બોલ પર રોપાયા બીજ, 24 ગુજરાતીઓની છાતી વીંધાણી, 'મોટી કિંમત'માં મળ્યું ગુજરાત

Hiralal

Last Updated: 07:27 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત રાજ્યનો બર્થડે છે, આજથી 64 વર્ષ પહેલાં આપણું આ ગૌરવશાળી ગુજરાત અસ્તિત્વમાં આવ્યું હતું પરંતુ આ રાજ્ય મફતમાં નહીં પરંતુ 'આકરી કિંમત'માં મળ્યું છે.

આજે દેશ અને ગુજરાત માટે બે મહત્વના દિવસ છે. 1 મેનો દિવસ દેશ અને ગુજરાત માટે ખૂબ મહત્વનો છે. 1 મેના દિવસે સમગ્ર દેશભરમાં મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખાય છે. અલગ ગુજરાત રાજ્યની રચના માટે જે આંદોલન શરુ થયું તે મહાગુજરાત આંદોલન હતું. ઈન્દુચાચાના હૂલામણા નામે જાણીતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને મહાગુજરાત ચળવળ શરુ કરી હતી. જે ઈન્દુચાચાએ ગુજરાત માટે પોતાનું આખું જીવન હોડમાં મૂકી દીધું હતું તે ઈન્દુચાચાની હાલત ચૂંટણીમાં જોવા જેવી થઈ હતી.

indulal-1

અનેક લોકોએ શહીદી વહોરી ત્યારે મળ્યું ગુજરાત

ગુજરાત અને મહારાષ્ટ્ર અગાઉ બોમ્બે સ્ટેટનો ભાગ હતા. 1 મે, 1960ના રોજ ભાષાના આધારે બંને રાજ્યોનું વિભાજન થયું. મરાઠી ભાષા બોલનારને મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષા બોલનારને ગુજરાત મળ્યું. પરંતુ રાજ્યનું વિભાજન એટલું સરળતાથી થયું ન હતું. આ માટે આંદોલન લાંબા સમય સુધી ચાલ્યું અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. અલગ ગુજરાત માટે શરૂ કરાયેલ ચળવળને મહાગુજરાત ચળવળ કહેવામાં આવે છે, જે સ્વતંત્ર ભારતનું સૌથી મોટું જન આંદોલન હતું. ચાલો આજે જાણીએ તેના વિશે કેટલીક ખાસ વાતો.

ડાંગમાં મળ્યાં અલગ ગુજરાત રાજ્યના બીજ

અલગ ગુજરાતની રચનાના બીજ તો ડાંગમાં રોપાયાં હતા. મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે 'તે દિવસોમાં બોમ્બેના મુખ્ય પ્રધાન બી.જી. ખેર અને ગૃહ પ્રધાન હતા મોરારજી દેસાઈ. તે બંને મે 1949માં ડાંગની સત્તાવાર મુલાકાતે આવ્યાં હતા. ત્યારે તેઓ બોલ્યાં હતા કે ડાંગના લોકોની અસલી ભાષા મરાઠી છે તેથી આ ભાષાના વિકાસ પર જ ભાર આપવો જોઈએ. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના આ નિવેદનથી ગુજરાતીઓએ છેતરાયાની લાગણી અનુભવી હતી. યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, 'તે નિવેદન ગુજરાતના લોકો પર અચાનક વીજળી પડવા જેવું હતું. મને આ પ્રકારનું નિવેદન ખૂબ જ ખરાબ લાગ્યું અને મેં આસપાસ ફરવાનું નક્કી કર્યું. યાજ્ઞિકે લખ્યું છે કે ડાંગમાં ઘણા ગુજરાતીઓનો લાકડાનો ધંધો હતો અને ત્યારે ગુજરાતના લોકોને ડાંગ વિશે બહુ ઓછી જાણકારી હતી. યાજ્ઞિક ડાંગ પહોંચ્યા. તેમણે ગુજરાતી વેપારીઓ પાસેથી સહકાર માંગ્યો હતો. ખેર અને દેસાઈના નિવેદનોથી દુઃખી થઈને ગુજરાત સાહિત્ય સભાએ ડાંગની ભાષા, રીતરિવાજો અને ઈતિહાસ વિશે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું. જે બાદ સાબરમતી આશ્રમમાં ગુજરાતનો પાયો નંખાયો હતો.

indulal-2

ખાંભી સત્યાગ્રહે બળતામાં ઘી હોમ્યું

ખેર અને મોરારજી દેસાઈના નિવેદનો પછી અલગ ગુજરાત રાજ્યની માંગ વેગ પકડવા લાગી. 8 ઓગસ્ટ, 1956ના રોજ કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓએ અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ તરફ કૂચ કરી. તેઓ મોરારજી દેસાઈને મળવા અને અલગ ગુજરાત રાજ્યની માંગ કરવા માંગતા હતા. તે સમયે મુખ્યમંત્રી મોરારજી દેસાઈ હતા. મોરારજી દેસાઈએ માત્ર વિદ્યાર્થીઓની માંગણીઓને અવગણી ન હતી પરંતુ તેમની સામે પોલીસ કાર્યવાહીનો આદેશ પણ આપ્યો હતો. પોલીસે દેખાવકારો પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે 5 વિદ્યાર્થીઓના મોત થયા હતા. વિદ્યાર્થીઓનું આ આંદોલન ખાંભી સત્યાગ્રહ તરીકે જાણીતું હતું. અલગ ગુજરાત રાજ્યની માંગને લઈને ફરી એક મોટા પાયે આંદોલન શરૂ થયું. આ ઘટનાએ આગમાં બળતણ ઉમેર્યું. આ ઘટનાએ 'મહા ગુજરાત ચળવળ'ના બીજ વાવ્યા.

કોણે આપ્યો મહાગુજરાત શબ્દ?

મહાગુજરાત શબ્દ કન્હૈયાલાલ મુનશીએ બનાવ્યો હતો. પ્રખ્યાત લેખક હોવા ઉપરાંત તેઓ ગુજરાતના રાજકારણી અને કાર્યકર હતા. 1937માં કરાચીમાં ગુજરાત સાહિત્ય પરિષદની બેઠક મળી હતી. આ જ સભામાં બોલતી વખતે તેમણે 'મહા ગુજરાત' શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ગુજરાતની રચના માટે મહાગુજરાત જનતા પરિષદનું આયોજન

ગુજરાત રાજ્યની માંગણી માટે મહાગુજરાત જનતા પરિષદ (MGJP) નામની પાર્ટીની રચના કરી. કોલેજના વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ મહાગુજરાત જનતા પરિષદે 9 સપ્ટેમ્બર, 1956ના રોજ એક બેઠકનું આયોજન કર્યું હતું. તે બેઠકમાં અલગ ગુજરાત રાજ્યની માંગણી માટે મોટા પાયે આંદોલન ચલાવવાનો નિર્ણય લેવાયો હતો. તે આંદોલનનું પરિણામ એ આવ્યું કે 1 મે, 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું.

કોણ હતા ઈન્દુ ચાચા?

મહાગુજરાત ચળવળના બીજ જેમણે વાવ્યા તે ઈન્દુલાલ યાજ્ઞિક એટલે કે ઈન્દુચાચા હતા. ઈન્દુચાચાનો જન્મ 1892ની સાલમાં નડિયાદમાં થયો હતો અને 1972માં ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. તેઓ છેલ્લા શ્વાસ સુધી રાજ્યના માર્ગદર્શક રહ્યા. તેઓ અડગ મનવાળા વ્યક્તિ હતા અને જે પણ નિર્ણય લેતાં તેને પાર પાડીને જ રહેતાં.

ઈન્દુચાચાનો મગફળીનો કિસ્સો જાણવા જેવો

ઈન્દુ કાકા મગફળી ખાવાના ખૂબ શૌખીન હતા. તેઓ હંમેશા પોતાની પાસે મગફળી રાખતા. જો કોઈ તેમને નમસ્કાર કરે તો તે હસીને જવાબ આપતો. પછી તે અભિવાદન કરનારનો હાથ પકડીને તેને થોડી મગફળી પકડાવી દેતા. તેઓ ફકીરનું જીવન જીવતા હતા. તેની પાસે પોતાનું કોઈ ઘર નહોતું. તેમના મિત્ર જયંતિ દલાલ ક્યારેક તેમના વિશે કહેતા, 'રહેવા માટે કોઈ ઘર નથી, બધું અમારું છે.

નેનપુરમાં સ્થાપ્યો હતો પોતાનો આશ્રમ

દુર્ભાગ્યે ઈન્દુચાચાને નામે હાલમાં કોઈ ભવ્ય સ્મારક નથી. માત્ર બે મૂર્તિઓ તેમની યાદ અપાવે છે. એક નેહરુ બ્રિજ પાસે અને બીજી સાબરમતીમાં. અમદાવાદથી 39 કિલોમીટર દૂર નેનપુર ગામમાં તેમણે 1945ની સાલમાં પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો આ જ તેમનું છેલ્લું ઘર બની રહ્યું હતું. હાલમાં તો આ આશ્રમ પણ જર્જરિત હાલતમાં છે. ઈન્દુચાચા માનવતાવાદી, સમાજવાદી, લેખક, પત્રકાર અને ફિલ્મ નિર્માતાં પણ હતા. તેમને પ્રતાપે આજે આપણને ગુજરાત મળ્યું છે.

ગુજરાત બન્યાં બાદ ઈન્દુચાચાએ વિખેરી પાર્ટી પાર્ટી

ઈન્દુચાચાએ ગુજરાત માટે મહાગુજરાત જનતા પરિષદ નામની રાજકીય પાર્ટી બનાવી હતી અને તેના બેનર હેઠળ ગુજરાત લઈ આવ્યાં હતા અને જેમ ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી બાદ કોંગ્રેસને ભંગ કરવી નાખવી જોઈએ તે તો ન થયું, પરંતુ ઈન્દુચાચાએ ગાંધીજીના આ શબ્દોને સાર્થક કરી દેખાડ્યાં અને અલગ ગુજરાત રાજ્યની રચનાનો હેતુ પૂર્ણ થયાં બાદ ઈન્દુચાચાએ મહાગુજરાત જનતા પરિષદ વિખેરી નાખી હતી.

1928માં ઈન્દુચાચાને લાગી હતી ધ્રમ્રપાન-બીયરની લત

1928ના બારડોલી સત્યાગ્રહના સમયગાળા દરમિયાન ઈન્દુચાચાએ ધ્રમ્રપાન કરવાનું અને બીયર પીવાનું શરુ કર્યું હતું. ઈન્દુચાચાએ પોતાની આત્મકથામાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પોતાના અખબારમાં બારડોલી સત્યાગ્રહની આકરી ટીકા કરી હતી.

ગુજરાત માટે 24 ગુજરાતીઓએ છાતી પર ગોળી ખાધી

ગુજરાત રાજ્ય કંઈ એમને એમ નથી મળ્યું. તેને માટે 24 નરબંકાઓએ શહીદી વહોરી છે. 8 ઓગસ્ટ 1956ના દિવસે અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા મહાગુજરાત આંદોલનનો પ્રારંભ શરુ થયો હતો. જેમાં થયેલા ગોળીબારમાં કુલ 24 લોકોના મોત થયાં હતા.

1960માં ગુજરાતનો જન્મ અને બે વર્ષ બાદ 1962માં વિધાનસભાની પહેલી ચૂંટણી

ગુજરાતના જન્મના બે વર્ષ બાદ એટલે કે 1962ની સાલમાં વિધાનસભાની પહેલી ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભાની પહેલી ચૂંટણી 152 બેઠકો પર યોજાઈ હતી જેમાં ભારતીય રાષ્ટ્રવાદી કોંગ્રેસને 113, સ્વતંત્ર પાર્ટીને 26, પ્રજા સોશિયલિસ્ટ પાર્ટીને 7 અને ઈન્દુચાચાની નૂતન મહાગુજરાત જનતા પરિષદને 1 બેઠક મળી હતી. જોકે 1957ની ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદને મોટો રાજકીય લાભ થયો હતો. 1957માં મહાગુજરાત જનતા પરિષદને બોમ્બે એસેમ્બલીમાં 30 અને લોકસભાની 5 બેઠકો મળી હતી.

ગુજરાતની રચના વખતે રાષ્ટ્રીય સ્તરે શું થયું?

1920ની સાલમાં ભાષાવાર રાજ્યની રચનાના બીજ રોપાયાં હતા. આ પછી 1948માં સૌરાષ્ટ્રના એકમની રચના વખતે સરદાર વલ્લભભાઈ પટેલે અલગ ગુજરાત રાજ્યની રચનાનો ઉલ્લેખ કર્યો હતો. 1953માં ફઝલઅલીના અધ્યક્ષપદે રચાયેલા રાજ્ય પુનર્રચના પંચે મરાઠાવાડ, સૌરાષ્ટ્ર, કચ્છ અને જૂના મુંબઈ રાજ્યના પ્રદેશોને સમાવી બૃહદ મુંબઈ રાજ્ય રચવાની ભલામણ કરી હતી અને અલગ ગુજરાતની માગણી ઠુકરાવી દેવામાં આવી. ઘા પર મીઠું તે ન્યાયે 6 ઑગસ્ટ 1956ના રોજ સસંદે પણ મહારાષ્ટ્ર, મુંબઈ, કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિતના દ્વિભાષી મુંબઈ રાજ્યની રચનાની જાહેરાત કરી અને અહીંથી પડ્યાં અલગ ગુજરાત રાજ્યની રચનાના બીજ અને ગુજરાત મહાઆંદોલનની ચળવળનો પ્રારંભ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ