zelenskyy said impossible to save mariupol without additional tanks planes
જંગ /
રશિયાના હુમલાને લઇને ઝેલેન્સ્કીનું સૌથી મોટું નિવેદન, કહ્યું હથિયારોની રાહ જોઈને થાકી ગયા, હવે આ શહેરને બચાવવું અશક્ય
Team VTV08:53 AM, 27 Mar 22
| Updated: 08:57 AM, 27 Mar 22
લાંબા સમયથી રશિયન હુમલાઓ સામે ઝઝૂમી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, અમારી માટે ટેન્ક અને વિમાનો વિના મારિયુપોલને બચાવવું અશક્ય છે.
અગાઉ મારીયુપોલ થિયેટરમાં થયો હતો બોમ્બ વિસ્ફોટ
રશિયા પાડોશી દેશોને આપી શકે છે ધમકી: ઝેલેન્સ્કી
અમે હથિયારો માટેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં
રશિયાના હુમલા સામે ઝઝૂમી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, વધારાની ટેન્કો અને વિમાનો વિના માર્યુપોલને બચાવવું અશક્ય છે. યુક્રેન શોટગન અને મશીનગન વડે રશિયન મિસાઇલોને તોડી શકે નહીં. એટલા માટે જરૂરી હથિયારો માટેની અમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે, "યુરો-એટલાન્ટિક સમુદાયનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? શું તે હજી પણ મોસ્કો છે?"
ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, જો યુક્રેનને વિમાન નહીં મળે તો રશિયા પાડોશી દેશોને ધમકી આપી શકે છે. પોલિશ રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડુડા સાથેની વીડિયો કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેઓ નિરાશ છે કે યુક્રેનને પોલિશ મિગ -29 જેટ નથી મળ્યું.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને યુરોપિયન દેશોના તમામ આંતરરાષ્ટ્રીય દબાણ બાદ પણ યુક્રેન પર રશિયાના હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યાં. બે અઠવાડિયા પહેલાં અહીં એક થિયેટરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. સેંકડો લોકોએ અહીં આશ્રય લીધો છે.
'વાત કરવાનો સમય આવી ગયો'
આ હુમલા બાદ ઝેલેન્સ્કીએ ચેતવણીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, 'હું ઈચ્છું છું કે હવે દરેક મારી વાત સાંભળે, એમાંય ખાસ કરીને મોસ્કોમાં શાંતિ પર સાર્થક વાતચીત હોય, રશિયા માટે પોતાની ભૂલોના કારણે થયેલા નુકસાનને ઓછું કરવાની એકમાત્ર તક છે. હવે મળવાનો અને વાત કરવાનો સમય આવી ગયો છે. યુક્રેન માટે પ્રાદેશિક અખંડિતતા અને ન્યાય પુનઃસ્થાપિત કરવાનો સમય આવી ગયો છે. નહીંતર રશિયાને એટલું મોટું નુકસાન થશે કે અનેક પેઢીઓ તેને સુધારી નહીં શકે.'
પુતિન પર બિડેનનો જબરદસ્ત પ્રહાર
પોલેન્ડથી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને રશિયા અને પુતિન પર જોરદાર પ્રહારો કર્યા હતાં. બાયડને શનિવારે મોડી રાત્રે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, પુતિન લોકતંત્રનું ગળું દબાવી રહ્યાં છે અને રશિયાએ ક્યારેય NATO દેશોમાં પ્રવેશવાની હિંમત ના કરવી જોઈએ. બાયડને એમ પણ કહ્યું હતું કે, યુરોપના દેશો રશિયા પર પોતાની ઓઇલની નિર્ભરતા ઓછી કરે અને ઓઇલ ખરીદી કરીને યુદ્ધ મશીનની મદદ ના કરે.
ઝેલેન્સ્કી લોકતાંત્રિક રીતે ચૂંટાયા છે
બાયડને કહ્યું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે. તેઓએ જણાવ્યું કે, રશિયા પાસે યુક્રેન પર હુમલો કરવાનું કોઈ કારણ નથી. સંબોધન દરમિયાન બાયડને યુક્રેન માટે નાણાંકીય સહાયની પણ જાહેરાત કરી છે. બાયડને કહ્યું કે, અમે યુક્રેનને મદદ કરવાનું શરૂ રાખીશું. સાથે તેમણે કહ્યું કે, પ્રતિબંધોના કારણે રશિયાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.